PAK vs AFG: પાકિસ્તાનની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાન માત્ર 59 રનમાં ઓલઆઉટ, રઉફની પાંચ વિકેટ
Haris Rauf: પાકિસ્તાને પ્રથમ વનડે મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દીધુ છે. આ મુકાબલામાં બાબર આઝમની ટીમે 142 રનથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે પાકિસ્તાનની ટીમ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે.
Trending Photos
PAK vs AFG 1st ODI: પાકિસ્તાને 3 વનડે મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાનને 142 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. અફઘાનિસ્તાનની સામે જીત માટે 202 રનનો લક્ષ્ય રાખ્યો હતો, પરંતુ ટીમ માત્ર 59 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન માટે ફાસ્ટ બોલર હારિસ રઉફે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. રાઉફે 6.2 ઓવરમાં 18 રન આપી પાંચ બેટરોને આઉટ કર્યા હતા. આ સિવાય શાહીન શાહ આફ્રિદીએ 4 ઓવરમાં 9 રન આપી 2 વિકેટ ઝડપી હતી. શાદાબ ખાનને 1 સફળતા મળી હતી.
અફઘાન બેટરોનો ધબડકો
અફઘાનિસ્તાનની સામે પ્રથમ વનડે જીતવા માટે માત્ર 202 રનનો લક્ષ્ય હતો, પરંતુ પાકિસ્તાની બોલરોની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનના બેટરો ટકી શક્યા નહીં અને માત્ર 59 રન બનાવી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે બાબર આઝમની ટીમ ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે.
અફઘાનિસ્તાન માટે ઓપનર રહમતુલ્લાહ ગુરબાઝે સૌથી વધુ 18 રન બનાવ્યા હતા. તો અફઘાનિસ્તાનના 9 બેટર બે આંકડાનો સ્કોર પાર કરી શક્યા નહીં.
પાકિસ્તાનની ટીમ 201 રન બનાવી ઓલઆઉટ
આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમે 47.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 201 રન કર્યા હતા. પાકિસ્તાન માટે ઓપનર ઇમામ ઉલ હકે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ઇફ્તિકાર અહમદે 41 બોલમાં 30 રન ફટકાર્યા હતા. શાદાબ ખાને 50 બોલમાં 39 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
અફઘાનિસ્તાન માટે મુઝીબ ઉર રહમાને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ નબી અન રાશિદ ખાનને બે-બે વિકેટ મળી હતી. રહમત શાહ અને ફઝઉલ્લાહ ફારૂકીએ એક-એક બેટરોને આઉટ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે