Pro Kabaddi: યુવા ખેલાડીઓના દમ પર ઘરઆંગણે ધમાકેદાર પ્રદર્શન કરવા ગુજરાત તૈયાર

યુવા ખેલાડીઓથી ભરેલી ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સની ટીમ વીવો પ્રો કબડ્ડી સિઝન-7મા પોતાના હોમ ગ્રાઉન્ડમાં ધમાલ મચાવવા તૈયાર છે. 

Pro Kabaddi: યુવા ખેલાડીઓના દમ પર ઘરઆંગણે ધમાકેદાર પ્રદર્શન કરવા ગુજરાત તૈયાર

અમદાવાદઃ ભારતમાં આઈપીએલ પછી સૌથી વધુ જાણીતી બનેલી અન્ય કોઈ સ્પોર્ટ્સ લીગ હોય તો તે કબડ્ડી છે. આ પ્રો કબડ્ડીની સાતમી સિઝન ચાલી રહી છે. 20 જુલાઈથી શરૂ થયેલી સિઝન હૈદરાબાદ, મુંબઈ અને પટના બાદ હવે અમદાવાદ આવી પહોંચી છે. છેલ્લી બે સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ પોતાના ઘરઆંગણે ધમાલ મચાવવા તૈયાર છે. છેલ્લી બે સિઝનમાં ગુજરાતનું પ્રદર્શન સારૂ રહ્યું અને ટીમ બંન્ને વખત ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ હજુ સુધી ટીમનું ટ્રોફી જીતવાનું સ્વપ્ન પૂરુ થઈ શક્યું નથી. ઘરણાંગણે ગુજરાત ફોર્ચ્યુન જાયન્સનો રેકોર્ડ પણ શાનદાર છે. 

ઘરણાંગણે શરૂ થઈ રહેલી સિઝન પહેલા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના કોચ મનપ્રીત સિંહ અને કેપ્ટન સુનીલ કુમારે મીડિયા સાથે વાત કરી હતી. ગુજરાતના કોચ મનપ્રીત સિંઘે જણાવ્યું કે, અમારી ટીમ મજબૂત છે. ગુજરાતની ટીમમાં અનેક મેચ વિનર ખેલાડીઓ છે. જે ગમે તે સમયે ટીમને વિજય અપાવી શકે છે. અમે કોઈ એક ખેલાડી પર નિર્ભર રહેતા નથી. 

આ સાથે તેમણે કહ્યું કે, હોમ ગ્રાઉન્ડમાં રમવાનો એક જુસ્સો હોય છે. ઘરેલૂ દર્શકોનું સમર્થન મળે છે. ત્યારે ખેલાડીઓને પણ સારુ પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે. આ સિઝનમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે. પ્રથમ ત્રણ મેચ જીત્યા બાદ છેલ્લી બે મેચમાં ટીમે પરાજયનો સામનો કર્યો હતો. આ અંગે વાત કરતા કોચે કહ્યું કે, અમે છેલ્લી બે મેચોમાં કેટલિક ભૂલો કરી જેથી અમારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઘરઆંગણે અમે ચારેય મેચ જીતવાનો પ્રયત્ન કરીશું. 

કબડ્ડી અને ગુજરાતની ટીમ અંગે વાત કરતા કેપ્ટને કહ્યું કે, અમારી ટીમ યુવા ખેલાડીઓની ભરમાર છે. મોટા ભાગના ખેલાડીઓ 18થી 25 વર્ષ સુધીના છે. અમારી પાસે ડિફેન્ડર અને રેડરનું સારૂ કોમ્બિનેશન છે. ખેલાડીઓ કોઈપણ સ્થિતિમાં સારૂ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. આ સિઝનમાં અમે કેટલાક નવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કર્યાં છે. સોનુ જાગલાન, હરમનજીત, જીબી મોરે જેવા ખેલાડીઓ પણ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. 

ટીમના કેપ્ટન સુનીલ કુમારે કહ્યું કે, ટીમમાં દરેક ખેલાડીઓ સારા છે. જેને પણ પ્લેઇંગ-7મા તક મળે છે તે હંમેશા ટીમને વિજય અપાવવાનો પ્રયત્ન કરે છે. તો ટીમના અન્ય ખેલાડી રેડર સચિન તંવરે કહ્યું કે, અત્યાર સુધી અમને હોમ લેગમાં સારો સપોર્ટ મળ્યો છે, આ વર્ષે પણ આશા છે કે અમને સમર્થન મળશે. બે સિઝન પટનામાં રમ્યા બાદ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સમાં પોતાની પ્રથમ સિઝન રમી રહેલા જીબી મોરેએ કહ્યું કે આ ટીમમાં આવીને સારૂ લાગી રહ્યું છે. ટીમનું વાતાવરણ સારૂ છે અને સારી તાલિમ પણ મળી રહી છે. મહત્વનું છે કે, જીબી મોરે એક શાનદાર ઓલરાઉન્ડર ખેલાડી છે. 

ગુજરાતના આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે નજર
સુનીલ કુમાર, પરવેશ ભૈંસવાલ, સચિન તંવર, રોહિત ગુલિયા, જીબી મોરે. 

ઘરઆંગણે ગુજરાત ફોર્ગ્યુન જાયન્ટ્સનો રેકોર્ડ
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ ટ્રાન્સ સ્ટેડિયામાં રમે છે, ત્યારે તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ અત્યાર સુધી ઘરઆંગણે માત્ર એક મેચ હારી છે. ગુજરાતની ટીમે ટ્રાન્સ સ્ટેડિયામાં અત્યાર સુધી કુલ 12 મેચ રમી છે, જેમાં 9 મેચમાં વિજય, 2 મેચ ટાઈ અને એક મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ
ડિફેન્ડરઃ સુનીલ કુમાર (કેપ્ટન), અમિત ખરાબ, અંકિત, પરવેશ ભૈંસવાલ, સોનુ ગહવાલત, સુમિત મલિક, રુતુરાજ કોરાવી, 
રેડરઃ અબોલફઝલ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંગ, લલિત ચૌધરી, જીબી મોરે, સચિન તંવર, સોનુ જાગલાન, 
ઓલરાઉન્ડરઃ મોહમ્મદ શાઝિદ હુસૈન, વિનોદ કુમાર, પંકજ, રોહિત ગુલિયા

અમદાવાદમાં રમાનારી તમામ મેચોનો સંપૂર્ણ કાર્યક્રમ

(પ્રથમ મેચ સાંજે 7.30 કલાકે અને બીજી મેચ રાત્રે 8.30 કલાકે શરૂ થશે.)

10 ઓગસ્ટ
ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ vs તમિલ થલાઇવસ

પૂનેરી પલ્ટન vs દબંગ દિલ્હી

11 ઓગસ્ટ

બેંગલુરૂ બુલ્સ vs હરિયાણા સ્ટીલર્સ

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ vs તેલુગૂ ટાઇટન્સ

12 ઓગસ્ટ

બેંગાલ વોરિયર્સ vs તેલુગૂ ટાઇટન્સ

યૂપી યોદ્ધા vs બેંગલુરૂ બુલ્સ

14 ઓગસ્ટ

યૂપી યોદ્ધા vs હરિયાણા સ્ટીલર્સ

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ vs બેંગાલ વોરિયર્સ

15 ઓગસ્ટ 

જયપુર પિંક પેન્થર્સ vs પૂનેરી પલ્ટન

16 ઓગસ્ટ

યૂ મુંબા vs પટના પાઇરેટ્સ

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસ vs જયપુર પિંક પેંથર્સ 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news