વાપસી મેચમાં રાહુલ 13 રને આઉટ, ભારત એ 60 રનથી જીત્યું

પ્રતિબંધ બાદ પરત ફરેલા લોકેશ રાહુલે માત્ર 13 રન બનાવ્યા હતા પરંતુ ભારતીય એ ટીમે ઈંગ્લેન્ડ લાયન્સને 60 રનથી હરાવીને સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી છે. 

વાપસી મેચમાં રાહુલ 13 રને આઉટ, ભારત એ 60 રનથી જીત્યું

તિરૂવનંતપુરમઃ પ્રતિબંધ બાદ વાપસી કરનાર લોકેશ રાહુલ માત્ર 13 રન બનાવી આઉટ થયો પરંતુ ભારતીય-એ ટીમે ઓછા સ્કોરવાળા મેચમાં અહીં ઈંગ્લેન્ડ લાયન્સ (એ ટીમ)ને 60 રનથી હરાવીને પાંચ મેચોની વનડે સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. 

પ્રથમ બેટિંગ કરતા ભારત એ ટીમ 47.1 ઓવરમાં 172 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ 30.5 ઓવરમાં 112 રન બનાવી શકી હતી. સ્પિનરોને મદદગાર પિચ પર ઈંગ્લેન્ડના બેટ્સમેનો કૃણાલ પંડ્યા (21 રનમાં ચાર વિકેટ) અને અક્ષર પટેલ (26 રનમાં બે વિકેટ)ની ફિરકીનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. દીપક ચહરે એક અને નવદીપ સૈનીએ બે બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. 

ભારત એ ટીમ એક સમયે 110 રન પર સાત વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારબાદ દીપક ચહરે 39 રનની ઈનિંગ રમી અને સ્કોર 170ને પાર પહોંચાડ્યો હતો. વિકેટકીપર ઇશાન કિશને 30 અને મેન ઓફ ધ મેચ પંડ્યાએ 21 રન બનાવ્યા હતા. 

કેપ્ટન રહાણે શૂન્ય પર આઉટ થયો હતો. મેચમાં તમામની નજર ટેલિવિઝન કાર્યક્રમ કોફી વિથ કરણમાં વિવાદિત નિવેદન આપીને સસ્પેન્ડ થનાર રાહુલ પર હતી. 

કર્ણાટલના આ ઓપનિંગ બેટ્સમેને 25 બોલ પર બે બાઉન્ડ્રીની મદદથી 13 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. રાહુલની પાસે પોતાને સાબિત કરવાની વધુ બે તક છે. અંતિમ બે મેચોમાં કિશનની જગ્યાએ રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news