RCB vs MI: હર્ષલ પટેલની હેટ્રિક, કોહલી સેનાનો 54 રને ધમાકેદાર વિજય


આખરે વિરાટ કોહલીની ટીમને યૂએઈની ધરતી પર જીત મળી છે. સાત મેચ હાર્યા બાદ મુંબઈને હરાવી બેંગલોરે શાનદાર વિજય મેળવ્યો છે. 

RCB vs MI: હર્ષલ પટેલની હેટ્રિક, કોહલી સેનાનો 54 રને ધમાકેદાર વિજય

દુબઈઃ હર્ષલ પટેલની હેટ્રિક (4/17) અને ગ્લેન મેક્સવેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન (56 રન, બે વિકેટ) ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2021ની 39મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 54 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી જીત મેળવી છે. આ સાથે યૂએઈની ધરતી પર સતત સાત હાર બાદ વિરાટ કોહલીની ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે. આ જીત સાથે બેંગલોરની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ 8 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  

સારી શરૂઆત બાદ પંજાબનો ધબડકો
મુંબઈ ઈન્ડિયન્સને ડિ કોક અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 56 રન જોડ્યા હતા. મુંબઈને પ્રથમ ઝટકો 57 રન પર લાગ્યો હતો. ડિ કોક 23 બોલમાં 24 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 79 હતો ત્યારે રોહિત શર્મા 28 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 43 રન બનાવી આઉટ થયો હતો. રોહિતને મેક્સવેલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

મુંબઈના મિડલ ઓર્ડરનો ધબડકો
ઈશાન કિશન 9 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ (8)ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. કૃણાલ પંડ્યા (5)ને ગ્લેન મેક્સવેલે બોલ્ડ કર્યો હતો. 

હર્ષલ પટેલની બીજી હેટ્રિક
હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે ઈનિંગની 17મી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. હર્ષલે પહેલા હાર્દિક પંડ્યા (3)ને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પોલાર્ડ (7) ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હર્ષલે રાહુલ ચાહર (0)ને LBW આઉટ કરી પોતાની હેટ્રિક પૂરી કરી હતી. જસપ્રીત બુમરાહ (5)ને યુજવેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો. હર્ષલ પટેલે એડન મિલ્ને (0)ને બોલ્ડ કરી પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. 

પડિક્કલ શૂન્ય પર આઉટ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. દેવદત્ત પડિક્કલ શૂન્ય રને બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને એસ ભરતે ઈનિંગ સંભાળી હતી. આરસીબીએ પાવરપ્લેમાં 1 વિકેટે 48 રન બનાવ્યા બતા. 

વિરાટની અડધી સદી
કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન કોહલીએ ટી20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી 42 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 51 રન બનાવી મિલ્નેનો શિકાર બન્યો હતો. એસ ભર 24 બોલમાં 2 ફોર અને બે સિક્સ સાથે 32 રન બનાવી આઉટ થયો હતો. 

મેક્સવેલનું શાનદાર ફોર્મ
ગ્લેન મેક્સવેલે પણ આજે આકર્ષક શોટ્સ ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગ્લેન મેક્સવેલની આ સીઝનમાં ત્રીજી અડધી સદી છે. મેક્સવેલે 37 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 56 રન બનાવ્યા હતા. ડિવિલિયર્સ 1 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ડેનિયલ ક્રિસ્ટિયન 1 અને જેમિન્સન બે રન બનાવી અણનમ રહ્યા હતા. 

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહે 36 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય બોલ્ટ, મિલ્ને અને રાહુલ ચહરને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news