આ ખેલાડીનું નસીબ ચમક્યુ! ટી20 વિશ્વકપમાં લઈ શકે છે હાર્દિક પંડ્યાની જગ્યા?

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) શરૂ થતાં પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ ઉઠી રહ્યાં છે. જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફિટ નહીં હોય તો તેના સ્થાને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી શકે છે. 
 

આ ખેલાડીનું નસીબ ચમક્યુ! ટી20 વિશ્વકપમાં લઈ શકે છે હાર્દિક પંડ્યાની જગ્યા?

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) આગામી મહિનાથી યૂએઈ અને ઓમાનમાં રમાશે. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા એક દાવેદારના રૂપમાં મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની ટીમ 24 ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની સામે એક મોટી મુશ્કેલી આવી છે. હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ આ સમાચાર બધા માટે એટલા ખરાબ નથી. 

ચમકી શકે છે આ ખેલાડીનું ભાગ્ય!
હાર્દિક પંડ્યાની ફિટનેસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આઈપીએલમાં તે પ્રથમ બે મેચ રમ્યો નથી. તેવામાં ટી20 વિશ્વકપમાં હાર્દિક કેટલો ફિટ હશે તે મોટો સવાલ છે. પરંતુ હાર્દિક અનફિટ થાય તો શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલ હાલ શાનદાર ફોર્મમાં છે અને તે ઓલરાઉન્ડર છે. શાર્દુલને વિશ્વકપ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. 

શાર્દુલને મળી શકે છે તક
પરંતુ હાર્દિક પંડ્યા જો ફિટ નહીં હોય તો તેના સ્થાને શાર્દુલને તક મળી શકે છે. શાર્દુલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં પણ બે મેચ રમી હતી. તેણે બે અડધી સદી સાથે કુલ 117 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં શાર્દુલના રનની સંખ્યા રહાણેના રનથી પણ વધુ છે. રહાણેએ 109 રન બનાવ્યા હતા. 

બોલિંગની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં 4 ઈનિંગમાં 22ની એવરેજથી સાત વિકેટ ઝડપી હતી. શાર્દુલ એક ઓલરાઉન્ડર તરીકે છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે આઈપીએલમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. 

ફિટ નથી હાર્દિક
ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં ફિટ નથી. છેલ્લા ઘણા સમયથી તેની ફિટનેસને લઈને સતત સવાલ ઉઠી રહ્યા છે. હાર્દિક પંડ્યા યૂએઈમાં શરૂ થયેલી આઈપીએલમાં પ્રથમ બે મેચ રમ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ પણ હાર્દિકની વાપસીની આશા કરી રહ્યા છે. હાર્દિકને શું સમસ્યા છે તેની કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. 

ઉઠી રહ્યા છે સવાલ
ભારતના પૂર્વ ક્રિકેટર સબા કરીમે આગામી મહિને યૂએઈ અને ઓમાનમાં શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ હોવા છતાં તેને ભારતીય ટીમમાં સામેલ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી બોલિંગ પણ કરી રહ્યો નથી. જો તે ફિટ નહીં હોય તો વિશ્વકપ પહેલા ભારતને મોટો ઝટકો લાગી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news