SL vs IND: સૂર્યકુમાર-ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ટી-20માં ભારતનો 38 રને વિજય

ભારતીય ટીમે શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં વિજય સાથે શરૂઆત કરી છે. સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ ભુવનેશ્વરની શાનદાર બોલિંગની મદદથી ભારતે 38 રને જીત મેળવી છે. 

Updated By: Jul 25, 2021, 11:31 PM IST
SL vs IND: સૂર્યકુમાર-ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ટી-20માં ભારતનો 38 રને વિજય
ફોટો સાભાર (@BCCI)

કોલંબોઃ ભારતે વનડે સિરીઝ જીત્યા બાદ ટી20 સિરીઝમાં પણ શાનદાર શરૂઆત કરી છે. શિખર ધવનની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં યજમાન શ્રીલંકાને 38 રને પરાજય આપી ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 126 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

શ્રીલંકાની ખરાબ શરૂઆત
ભારતે આપેલા 165 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને મિનોદ ભાનુકાના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ભનુકા 10 રન બનાવી કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. ધનંજય ડિ સિલ્વા માત્ર 9 રન બનાવી યુદવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. શ્રીલંકાએ પાવરપ્લેમાં 46 રન બનાવ્યા હતા. 

પાવરપ્લે બાદ પણ શ્રીલંકાની ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ટીમનો સ્કોર 50 રન હતો ત્યારે આવિષ્કા ફર્નાન્ડો 26 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. અશેન બન્ડારા 19 બોલમાં 9 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો હતો. 

આ પણ વાંચોઃ Tokyo Olympics: ઇવેન્ટમાં ભાગ લીધા બાદ એથલીટ કોરોના પોઝિટિવ, ટોક્યો ઓલિમ્પિકમાં હડકંપ!

દીપક ચહરે એક ઓવરમાં બે વિકેટ ઝડપી
ઈનિંગની 16 ઓવર ફેંકવા આવેલી દીપક ચહરે શાનદાર બોલિંગ કરી એક ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. દીપકે પહેલા શાનદાર બેટિંગ કરી રહેલા ચરિથા અસલન્કા 44ને બાઉન્ડ્રી પર કેચઆઉટ કરાવ્યો હતો. અસલન્કાએ 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હસરંગા શૂન્ય રન બનાવી ચહરનો શિકાર બન્યો હતો. 

ચમિકા કરૂણારત્ને 3 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં બોલ્ડ થયો હતો. દસુન શનાકા 16 રન બનાવી વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. ઉડાના (1)ને ભુવનેશ્વરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 22 રન આપી 4 વિકેટ ઝડપી હતી. દીપક ચાહરને બે તથા કૃણાલ, હાર્દિક, ચહલ અને વરૂણ ચક્રવર્તીને એક-એક સફળતા મળી હતી. 

આ પણ વાંચોઃ Tokyo Olympics: અંગદ બાજવા, ભવાની અને મનિકા પર રહેશે નજર, આ છે 26 જુલાઈનો કાર્યક્રમ

પર્દાપણ મેચમાં પૃથ્વી શો શૂન્ય પર આઉટ
શ્રીલંકા સામે પ્રથમ ટી20 મેચમાં પૃથ્વી શોને ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. પરંતુ ફટાફટ ક્રિકેટમાં આ યુવા ખેલાડીની શરૂઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો ઈનિંગના પ્રથમ બોલ પર શૂન્ય રને ચમીરાનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં 1 વિકેટે 51 રન બનાવ્યા હતા. 

શિખર ધવન અને સંજૂ સેમસને સંભાળી ઈનિંગ
ઈનિંગના પ્રથમ બોલ પર વિકેટ ગુમાવ્યા બાદ શિખર ધવન અને સંજૂ સેમસને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. બંનેએ પાવરપ્લેમાં 51 રન જોડ્યા હતા. પાવરપ્લે બાદ સંજૂ સેમસન 20 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 27 રન બનાવી આઉટ થયો હતો. શિખર ધવન 36 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 46 રન બનાવી કરૂણારત્નેનો શિકાર બન્યો હતો. 

સૂર્યકુમારની શાનદાર અડધી સદી
વનડે સિરીઝમાં પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કરનાર સૂર્યકુમાર યાદવે ટી20 મેચમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. સૂર્યાએ પોતાની ઈનિંગમાં આકર્ષક શોટ ફટકાર્યા હતા. સૂર્યકુમાર 34 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 50 રન બનાવી આઉટ થયો હતો.

હાર્દિક પંડ્યા 12 બોલમાં 10 રન બનાવી ચમીરાનો શિકાર બન્યો હતો. ઈશાન કિશને 14 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે અમનમ 20 રન બનાવ્યા હતા. કૃણાલ 3 રન બનાવી અમનમ રહ્યો હતો. 

શ્રીલંકા તરફથી વાનિંદુ હસરંગા અને ચમીરાએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય કરૂણારત્નેને એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube