શ્રીલંકાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 12 વર્ષ બાદ જીતી ટેસ્ટ શ્રેણી, 2-0થી કર્યો સફાયો
જીત માટે 490 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમ બીજી ઈનિંગમાં 290 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
Trending Photos
કોલંબોઃ રંગાના હેરાથની છ વિકેટની મદદથી શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને બીજી ટેસ્ટમાં 199 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી. 2006 બાદ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેનો પ્રથમ શ્રેણી વિજય છે. બે ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકા 278 રને જીત્યું હતું.
જીત માટે 490 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમ બીજી ઈનિંગમાં 290 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાએ 12 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું, ત્યાર બાદ તેણે પ્રથમવાર સફાયો કર્યો છે.
દક્ષિણ આફ્રિકાએ સોમવારે પાંચ વિકેટ પર 139 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટી ડે બ્રૂઇન અને તેમ્બા બાવુમાએ શ્રીલંકન સ્પિનરોને ખૂબ રાહ જોવડારી. સ્ટ્રાઇક રોટેટ કરતા બાવુમાએ 63 રન બનાવ્યા, જે હેરાથના બોલ પર કેચઆઉટ થયો હતો. હેરાથે લંચ પહેલા ડી કોક (8)ને પણ આઉટ કરીને શ્રીલંકાને સાતમી સફળતા અપાવી હતી.
લંચ બાદ બ્રૂઇને પોતાની પ્રથમ સદી ફટકારી, જે આ શ્રેણીમાં કોઇપણ દક્ષિણ આફ્રિકી બેટ્સમેનની પ્રથમ સદી પણ છે. હેરાથે તેને 101 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કર્યો. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 338, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 124 રન બનાવ્યા હતા. અકિલા ધનંજયે પાંચ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાએ બીજી ઈનિંગ પાંચ વિકેટ પર 275 રને ડિકલેર કરી હતી. શ્રીલંકાએ ગોલમાં પ્રથમ ટેસ્ટ માત્ર ત્રણ દિવસમાં જીતી લીધી હતી, જેમાં આફ્રિકા બીજા દાવમાં તેના સૌથી ઓછા સ્કોર 73 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે