IPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત
સનરાઇઝર્સ હૈદરાબાદે આખરે આઈપીએલ 2020ની સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. તો દિલ્હીનો આ સીઝનમાં પ્રથમ પરાજય થયો છે.
Trending Photos
અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની અહીં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહેલી દિલ્હી કેપિટલ્સ (DC)ને 15 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 147 રન બનાવી શકી હતી. આ જીત સાથે હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે.
દિલ્હીની ખરાબ શરૂઆત
હૈદરાબાદે આપેલા 163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરમાં પૃથ્વી શો (2)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. તેને ભુવનેશ્વર કુમારે બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર (17) અને ધવન વચ્ચે 40 રનની ભાગીદારી થઈ હતી. અય્યરને રાશિદ ખાને આઉટ કર્યો હતો. અય્યરે 21 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. ધવન (34)ને રાશિદ ખાને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ધવને 31 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ શિમરોન હેટમાયર (21) અને રિષભ પંતે દિલ્હીનો સ્કોર 100ને પાર કરાવ્યો હતો. ઈનિંગની 16મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે હેટમાયરને આઉટ કર્યો હતો. રિષભ પંત (28)ને રાશિદ ખાને આઉટ કર્યો હતો. પંતે 27 બોલનો સામનો કરતા 1 ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા.
સ્ટોઇનિસ (11)ને નટરાજને આઉટ કર્યો હતો.
રાશિદ-ભુવીને દમદાર બોલિંગ
હૈદરાબાદ તરફથી રાશિદ ખાન અને ભુવનેશ્વર સૌથી સફળ બોલર રહ્યાં હતા. રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. તો ટી નટરાજન અને ખલીલ અહમદને એક-એક સફળતા મળી હતી.
વોર્નર અને બેયરસ્ટોની ધીમી શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ માટે ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ આ મેચમાં ધીમી બેટિંગ કરી હતી. પાવરપ્લેમાં હૈદરાબાદની ટીમ માત્ર 38 રન બનાવી શકી હતી. દિલ્હીની ટીમને પ્રથમ સફળતા 10મી ઓવરમાં ડેવિડ વોર્નર (45)ના રૂપમાં મળી હતી. તેને અમિત મિશ્રાએ આઉટ કર્યો હતો. વોર્નરે 33 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
બેયરસ્ટોની ટૂર્નામેન્ટમાં બીજી અડધી સદી
વોર્નર અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 77 રન જોડ્યા હતા. બેયરસ્ટોએ ટૂર્નામેન્ટની બીજી અડધી સદી ફટકારતા 53 રન બનાવ્યા હતા. તેણે 48 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. બેયરસ્ટોને રબાડાએ 18મી ઓવરમાં આઉટ કર્યો હતો. તો આ સીઝનમાં પ્રથમ વાર ઉતરેલા કેન વિલિયમસને આકર્ષક બેટિંગ કરી હતી. કેને 26 બોલમાં 5 ચોગ્ગા સાથે 41 રન બનાવ્યા હતા.
અંતમાં અબ્દુલ સમાદ 12 અને અભિષેક શર્મા 1 રન બનાવી અણનમ રહ્યાં હતા. દિલ્હી તરફથી કગિસો રબાડા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 21 રન આપીને બે તથા અમિત મિશ્રાએ 4 ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે