વર્લ્ડકપ 2019: બાબર આઝમની અણનમ સદી, પાકે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

બાબર આઝમ (101*) અને હારિસ સોહેલ (68)ની વિજયી ભાગીદારીની મદદથી પાકિસ્તાને અહીં રમાયેલી વિશ્વકપ-2019ની 33મી મેચમાં ન્યૂઝીલેન્ડને વિકેટે પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે.

વર્લ્ડકપ 2019: બાબર આઝમની અણનમ સદી, પાકે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

બર્મિંઘમઃ બાબર આઝમ (101*) અને હારિસ સોહેલ (68)ની વિજયી ભાગીદારીની મદદથી પાકિસ્તાને અહીં રમાયેલી વિશ્વકપ-2019ની 33મી મેચમાં ન્યૂઝીલેન્ડને વિકેટે પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 237 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 49.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

આ જીતની સાથે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનના 7 મેચોમાં 7 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 7 મેચમાં 5 વિજય અને એક પરાજય સાથે કુલ 11 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 

બાબર-સોહેલની વિજયી ભાગીદારી
પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને હારિસ સોહેલે શાનદાર બેટિંગ કરી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 126 રનની ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો હતો. હારિસ સોહેવ 76 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 68 રન બનાવી રનઆઉટ થયો હતો. બાબર આઝમ 127 બોલમાં 11 ચોગ્ગા સાથે 101 રન બનાવી અણનમ રહ્યો હતો.  

પાકની ખરાબ શરૂઆત
પાકિસ્તાને 19 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ફખર જમાન (9) રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઇમામ ઉલ હક (19)ને લોકી ફર્ગ્યુસને માર્ટિન ગુપ્ટિલના હાથે કેચ કરાવીને પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બાબર આઝમ અને મોહમ્મદ હફીઝે ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. હફીઝ (32)ને કેન વિલિયમસને ફર્ગ્યુસનના હાથે કેચ કરાવીને પાકને ત્રીજો ઝટકો આપ્યો હતો. હફીઝે 50 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 

બાબર આઝમે વનડેમાં પૂરા કર્યાં 3000 રન
બાબર આઝમે શાનદાર બેટિંગ કરી હતી. હફીઝ બાદ હારિસ સોહેલ સાથે પણ મોટી ભાગીદારી કરી હતી. બાબરે આ દરમિયાન વનડેમાં 3000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. તે વનડે ક્રિકેટમાં સૌઝી ઝડપી 3000 રન પૂરા કરવામાં બીજા સ્થાને આવી ગયો છે. તેણે 68 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે આફ્રિકાના હાશિમ અમલાએ 57 ઈનિંગમાં વનડે ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યાં હતા. આ સાથે બાબર આઝમે પોતાના વનડે કરિયરની 10મી અને વિશ્વકપમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. 

ન્યૂઝીલેન્ડના ઓપનરોનો ફ્લોપ-શો જારી
આ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડનાં બંન્ને ઓપનરો માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરોનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. આ મેચમાં પણ માર્ટિન ગુપ્ટિલ (5) રન બનાવી આમિરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ કોલિન મુનરો (12)ને શાહિન આફ્રિદીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. અનુભવી બેટ્સમેન રોસ ટેલર (3) રન બનાવી શાહિન આફ્રિદીનો શિકાર બન્યો હતો. તો ટોમ લાથમ માત્ર 1 રન બનાવી શાહિન આફ્રિદીની બોલિંગમાં આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 46 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેન વિલિયમસન 41 રન બનાવી આઉટ થયો હતો. 

ડિ ગ્રાન્ડહોમ-નીશમે ન્યૂઝીલેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું
ન્યૂઝીલેન્ડે 83 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જેમ્સ નીશમ અને કોલિન ડિ ગ્રાન્ડહોમે શાનદાર બેટિંગ કરતા ટીમને 200ને પાર પહોંચાડી હતી. બંન્નેએ છઠ્ઠી વિકેટ માટે 128 બોલમાં 132 રનની ભાગીદારી કરી હતી. કોલિન ડિ ગ્રાન્ડહોમ 71 બોલમાં 64 રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જેમ્સ નીશમ 112 બોલમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 97 રન બનાવી અણનમ રહ્યો હતો. 

શાહિન આફ્રિદીની ત્રણ વિકેટ
પાકિસ્તાન તરફથી યુવા ફાસ્ટ બોલર શાહિન આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 3 મેડન સાથે 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે કોલિન મુનરો, રોસ ટેલર અને ટોમ લાથમને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news