દુબઈ બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત, મૃતકોની સૂચિ જાહેર કરાઈ

સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં ગુરુવારે થયેલા બસ અકસ્માતમાં 17 લોકો માર્યા ગયા જેમાંથી 12 ભારતીયો છે.

દુબઈ બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત, મૃતકોની સૂચિ જાહેર કરાઈ

દુબઈ: સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં ગુરુવારે થયેલા બસ અકસ્માતમાં 17 લોકો માર્યા ગયા જેમાંથી 12 ભારતીયો છે. અકસ્માતમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ અને અહીં કાર્યરત ભારતીય મિશને શુક્રવારે આ જાણકારી આપી. 

આ અકસ્માત ગુરુવારે સાંજે થયો. કમનસીબ બસ ઓમાનની રાજધાની મસ્કતથી દુબઈ આવી રહી હતી. બસ ચાલક બસ માટેના પ્રતિબંધિત વિસ્તાર અલ રશીદિયા મેટ્રો સ્ટેશન તરફ જતા રસ્તે બસ લઈ ગયો. દુબઈ પોલીસના જણાવ્યાં મુજબ મૃતદેહોની ઓળખ હજુ થઈ શકી નથી અને મૃતકોમાં ભારતીયોનો આંકડો હજુ વધી શકે છે. 

દુબઈમાં મહાવાણિજ્ય દૂત વિપુલે ટ્વિટ કરીને કહ્યું કે અમને સૂચના આપતા ખુબ દુ:ખ થઈ રહ્યું છે કે દુબઈ બસ અકસ્માતમાં મૃતક ભારતીયોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હાલ અમારા પ્રયત્નો છે કે જેમ બને તેમ જલદી ઔપચારિકતા પૂરી થાય જેથી કરીને મૃતદેહોની સોંપણી થઈ શકે. ગલ્ફ ન્યૂઝના જણાવ્યાં મુજબ પર્યટક બસમાં 31 લોકો સવાર હતાં. તે એક બેરિયર સાથે અથડાઈ. તેનો ડાબો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો જેનાથી ડાબી બાજુ બેઠેલા મુસાફરોના મોત થયાં. 

જુઓ LIVE TV

દુબઈ પોલીસે આ ઘટનામાં ઓમાની બસ ચાલકને દોષિત ઠેરવ્યો છે. તેને પણ સામાન્ય ઈજા થઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, "દુબઈમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનાથી ખુબ દુ:ખ થયું છે. પરિજનો પ્રત્યે મારી ઊંડી શોક સંવેદનાઓ."

મૃતકોની યાદી
મહાવાણિજ્ય દૂતાવાસે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની યાદી પણ જાહેર કરી છે. મૃતકોના નામ આ પ્રકારે છે. વિક્રમ જવાહર ઠાકુર, વિમલકુમાર, કાર્તિકેય કેસવાપિલાઈકર, કિરણ જોની જોન વલ્લીથોટ્ટાથિલ પાઈલી, ફિરોઝ ખાન અઝીઝ પઠાણ, રેશમા ફિરોઝ ખાન પઠાણ, જમાલુદ્દીન અરક્કાવેતિલ, વાસુદેવ વિષ્ણુદાસ, રાજન પુથીયાપુરાયિલ ગોપાલન, પ્રભુલા માધવન દીપાકુમાર, રોશની મુલચંદાની, ઉમ્મેર ચોનોકાટાવથ મામૂદ  પુથેન, નબી ઉમ્મેર ચોનોકાટાવથ સામેલ છે. 

વિપુલે કહ્યું કે દૂતાવાસના અધિકારીઓ જેમ બને તેમ જલદી તમામ ઔપચારિકતાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મૃત્યુ પ્રમાણપત્ર જારી થયા બાદ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલી દેવામાં આવશે. 

દુબઈમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસે પણ એક નાગરિક શફીકના માર્યા ગયા હોવાની ખરાઈ કરી છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ અધિકારીઓએ કહ્યું કે શફીક પોતાના યુએઈના વિઝાના રિન્યુઅલ માટે ઓમાન ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news