ડોનાલ્ડ ટ્રમ્પની જનરલ મોટર્સને ધમકીઃ ચીનમાં પણ કાર ઉત્પાદન બંધ કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર નિર્માતા કંપની જનરલ મોટર્સને તેના 7 ઉત્પાદન પ્લાન્ટ બંધ કરવાના નિર્ણય મુદ્દે ઠપકો આપ્યો છે

ડોનાલ્ડ ટ્રમ્પની જનરલ મોટર્સને ધમકીઃ ચીનમાં પણ કાર ઉત્પાદન બંધ કરો

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર નિર્માતા કંપની જનરલ મોટર્સ (GM)ને તેના દ્વારા પોતાના 7 ઉત્પાદન પ્લાન્ટને બંધ કરવાના નિર્ણય મુદ્દે ઠપકો આપ્યો છે. આ સાત પ્લાન્ટમાંથી 4 અમેરિકામાં આવેલા છે. ટ્રમ્પે વ્હાઈસ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે, તેમણે GMના 7 એસેમ્બલી અને ઉત્પાદન પ્લાન્ટ બંધ કરવાના નિર્ણય મળ્યા બાદ કંપનીના અધ્યક્ષ અને CEO મેરી બેરા સાથે ચર્ચા કરી છે. ટ્રમ્પે જનરલ મોટર્સને ચીનમાં પોતાનું ઉત્પાદન બંધ કરવા જણાવ્યું છે. 

ટ્રમ્પે જણાવ્યું કે, કંપનીના આ પગલાથી અમેરિકા અને કેનેડામાં લગભગ 14,500 કામદાર સીધી રીતે પ્રભાવિત થશે. ટ્રમ્પે જણાવ્યું કે, "હું મારા અભિપ્રાય પર દૃઢ હતો. મેં તેમની સાથે ચર્ચા કરી છે અને તેમને જણાવ્યું કે તમે જાણો છો કે આ દેશે જનરલ મોટર્સ માટે ઘણું બધું કર્યું છે."

ટ્રમ્પે 2008ની મંદી બાદ કંપનીને સંઘીય બેલઆઉટ પેકેજ આપવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અમેરિકાએ જનરલ મોટર્સને બચાવી છે અને તેના બદલામાં કંપની દ્વારા ઓહાયોમાંથી નિકળી જવું ઉચિત નથી. 

GMએ સોમવારે જણાવ્યું હતું કે, કંપની ઓશાવા, ઓન્ટારિયોમાં પોતાનાં પ્રોડક્શન અને એસેમ્બલી પ્લાન્ટ બંધ કરશે. તેની સાથે જ ઉત્તર અમેરિકાની બહારના પણ બે એકમો બંધ કરવામાં આવશે. જોકે, હજુ સુધી આ બે એકમોની ઓળખ થઈ નથી. 

કંપનીને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી 
કંપનીને તેના નિર્ણય પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે જનરલ મોટર્સને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે જણાવ્યું છે. જનરલ મોટર્સે 2020 સુધી પોતાના ખર્ચમાં 4.5 અબજ ડોલરની બચત કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી ઓહિયો અને મિશિગન જેવા રાજ્યોમાં મોટા પ્રમાણમાં નોકરીઓ પ્રભાવિત થવાની છે. 

વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટ્રમ્પે જનરલ મોટર્સના કાર્યકારી પ્રમુખ મેરી બર્રાને જણાવ્યું કે, તે ચીનમાં કારોનું ઉત્પાદન બંધ કરે અને તેના સ્થાને ઓહિયોમાં એક નવો પ્લાન્ટ શરૂ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news