ફ્રાન્સમાં કટોકટી લાગવાના એંધાણ, દેશમાં હિંસા પર ઉતરેલા લોકો બેકાબૂ

પ્રદર્શનકર્તાઓ દ્વારા ચાલી રહેલી તોડફોડને કારણે અત્યાર સુધી 133થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે, સરકાર દ્વારા કરવેરાના દરમાં વધારો ઝીંકવાને કારણે થઈ રહેલા વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે 

ફ્રાન્સમાં કટોકટી લાગવાના એંધાણ, દેશમાં હિંસા પર ઉતરેલા લોકો બેકાબૂ

પેરિસઃ ઈમેન્યુઅલ મેન્ક્રો સરકાર દ્વારા કરવેરાના દરમાં વધારો કરવાને કારણે સમગ્ર દેશમાં લોકો વિરોધ કરવા સડકો પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકર્તાઓએ પેરિસ શહેરને બાનમાં લઈ લીધું છે. ચારેય તરફ આગચંપી અને સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વિરોધ કરવા નિકળેલા લોકો ચહેરા ઉપર માસ્ક અને હાથમાં લોખંડનો સળિયો લઈને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. 

શનિવારે લગભગ એક ડઝન કરતાં વધુ ગાડીઓને આગ લગાડી દેવાઈ હતી. પ્રદર્શનકર્તાઓ દ્વારા કરવામાં આવતી તોડફોડને કારણે અત્યાર સુધી 133થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. પરિસ્થિતી ધીમે-ધીમે કાબુ બહાર જઈ રહી હોવાને કારણે ફ્રાન્સની સરકાર કટોકટી લાગુ કરવાનો વિચાર કરી રહી છે. સરકારી પ્રવક્તા બેન્જામિને શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહેલા લોકોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે. આ પ્રદર્શન 17 નવેમ્બરથી ચાલુ છે. 

રવિવારે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેન્ક્રો પ્રદર્શનકર્તાઓને મળવાના હતા. તેઓ આર્જેન્ટિનામાં ચાલી રહેલા જી20 સંમેલનમાં ભાગ લેવા ગયા હોવાથી અધિકારીઓ કોઈ નિર્ણય લેવામાં અક્ષમ હતા. 

તાજેતરના આંકડા અનુસાર પેરિસ પોલીસે શનિવારથી અત્યાર સુધીના સૌથી ખરાબ તોફાનોમાં 412 લોકોને અટકમાં લીધા છે. આ અગાઉ 378 લોકોને પણ પોલીસ પકડી ચૂકી છે. તોફાનમાં ઘાયલ થયેલા 133 લોકોમાં 23 સુરક્ષા દળના કર્મચારીઓ છે. 

ઈમેન્યુઅલ મેન્ક્રોએ પેરિસ આગમન પહેલા જણાવ્યું કે, "અધિકારીઓ પર હુમલા, વાણિજ્ય-વેપારમાં લૂટફાટ, નાગરિકો કે પત્રકારો પર હુમલા કે ધમકી આપવી, આર્ક ધ ટ્રાયમ્ફનું ઉલ્લંઘન કરવું કોઈ પણ સ્થિતીમાં સમજી શકાય એવી ઘટના નથી."

પેરિસમાં મોટી સંખ્યામાં લોકો કટોકટીમાં પહેરવામાં આવતા પીળા રંગના જેકેટ પહેરીને પ્રદર્શન કરી રહ્યા છે. બ્યુનસ આયર્સમાં જળવાયુ પરિવર્તનની દિશામાં સમાન વિચારધારા ધરાવતા તમામ દેશોને સાથે લાવવા માટે મેન્ક્રો ભરપુર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને વારંવાર ફ્રાન્સમાં ચાલી રહેલા પ્રદર્શન અંગે પુછવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news