PM Modi કોને કરતા હતા પોતાના મનની વાત! દુનિયાના દેશોના રાષ્ટ્ર પ્રમુખો કેમ મોદીને માને છે Best Friend?

પ્રધાનમંત્રી મોદી જે દેશની મુલાકાતે જાય ત્યાં એટલી આત્મીયતા કેળવી લે છે કે તે દેશના નેતા મોદીના ખાસ મિત્ર બની જાય છે, આ યાદીમાં અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓ સામેલ છે કે જેઓ મોદીને ખાસ મિત્ર ગણાવે છે. ફ્રેન્ડશિપ ડે નિમિતે જાણીએ મોદી અને તેમના વૈશ્વિક મિત્રો કોણ કોણ છે, અને તેમની સાથે તેઓ કેવા સંબંધ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળમાં અનેક દેશોને વેક્સિન આપી મૈત્રી નિભાવી હતી. મોદી અને તેમની મિત્રતાની ભારે ચર્ચા થાય છે. જાણો કેમ મિત્રો બનાવવામાં છે મોદીની મહારથ...

Updated By: Aug 1, 2021, 10:33 AM IST
PM Modi કોને કરતા હતા પોતાના મનની વાત! દુનિયાના દેશોના રાષ્ટ્ર પ્રમુખો કેમ મોદીને માને છે Best Friend?

ઝી બ્યૂરો, અમદાવાદઃ મિત્રતા માટે કોઈ એક ખાસ દિવસની જરૂર નથી, તેમ છતાં આ સંબંધને વધુ મજબૂત બનાવવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલાં રવિવારે ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 1 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવી રહ્યો છે. દોસ્તી વિશે એમ કહેવાય છેકે, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય...આજે દુનિયાના દેશોના પ્રમુખોને મોદીની દોસ્તી ઢાલ સરખી લાગે છે. મોદી હંમેશા કોઈકને કોઈક રીતે પોતાની મિત્રતા નિભાવતા આવ્યાં છે. રેડિયો પ્રોગ્રામ થકી મોદી નિયમિત અલગ અલગ વર્ગના લોકો સુધી પોતાના મનની વાત પણ કરતા રહે છે. પણ એક સવાલ એ થાય છેકે, મોદી પોતાના કપરાં સમયમાં કોને પોતાના મનની વાત કરતા હતા? દોસ્તી એક એવો સંબંધ છે જેમાં અનેક રૂપ જોવા મળે છે. 

Obama, Trump, Biden બધા જ કેમ છે PM Modi ના Fan? જાણો અમેરિકાના સાથે મોદીની દોસ્તીની કહાની
 

No description available.

PM મોદી સતત બીજીવાર જબરદસ્ત જનમત હાંસલ કરીને દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારત દેશના પ્રધાનમંત્રી બન્યા છે. એક સામાન્ય ચા વાળો સતત બે વાર આટલાં મોટા દેશનો પ્રધાનમંત્રી કઈ રીતે બની ગયો એ સવાલનો જવાબ કોઈ રાજકીય પંડિતો પાસે પણ નથી. અને અમેરિકા, રશિયા, બ્રિટન, જાપાન, ઈઝરાયેલ સહિતના સમૃદ્ધ દેશોના પ્રમુખો પણ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવી ચૂક્યાં છે. કોરોના કાળમાં જ્યાં આખી દુનિયા જીવલેણ વાયરસની મહામારી સામે લડી રહી હતી એવા કપરાં સમયે પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં કોરોનાની વેક્સિનનું નિર્માણ કરાવીને દુનિયાના અનેક દેશોને વેક્સિન આપીને પોતાની મિત્રતા નિભાવી હતી. 

હંમેશા દુનિયાના દેશોના મુસીબતના સમયમાં મોદી ભારત દેશ વતી તેમને સાથ આપતાં રહ્યાં છે. એજ કારણ છેકે, પ્રધાનમંત્રી મોદીની અન્ય દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથેની દોસ્તી હંમેશાથી ચર્ચાનો વિષય રહી છે. પછી તે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામા, ડોનલ્ડ ટ્રંપ અને જો બાયડેનની સાથેના સંબંધોની વાત હોય કે પછી પુતિન, શિંજો આબે, નેતન્યાહૂ, નવાજ શરીફ સાથેની દોસ્તીની વાત હોય આ દરેક કિસ્સાઓ હંમેશા ચર્ચામાં રહ્યાં છે.

નરેન્દ્ર મોદી કોને કરતા હતા પોતાના મનની વાત? 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મિત્રોની વાત હંમેશા ચર્ચાનો મુદ્દો રહે છે. એક પત્રકારે પીએમ મોદીને સવાલ કર્યો હતો કે તમારો સૌથી સારો મિત્ર કોણ? જેની સાથે તેઓ પોતાની તમામ વાત શેર કરે છે. તો PM મોદીએ પોતાના જૂનાં દિવસોને યાદ કરતા પોતાના મિત્ર અંગે જણાવ્યું. PMએ જણાવ્યું કે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં હતા ત્યારે ત્યાં તેમની સાથે લક્ષ્મણરાવ ઈનામદાર હતા. PMએ કહ્યું કે તેઓ તેમની સાથે પોતાના મનની વાત શેર કરતા હતા.

મિત્રો બનાવવામાં મોદીની મહારથ:
પ્રધાનમંત્રી મોદી જે દેશની મુલાકાતે જાય ત્યાં એટલી આત્મીયતા કેળવી લે છે કે તે દેશના નેતા મોદીના ખાસ મિત્ર બની જાય છે, આ યાદીમાં ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકાના નેતાઓ સામેલ છે કે જેઓ મોદીને ખાસ મિત્ર ગણાવે છે. ફ્રેન્ડશિપ ડે નિમિતે જાણીએ મોદી અને તેમના વૈશ્વિક મિત્રો કોણ કોણ છે, અને તેમની સાથે તેઓ કેવા સંબંધ ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મોદીની મિત્રતાઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા ઘણી જ ચર્ચિત છે. ટ્રમ્પ PM મોદીને એક સાચો મિત્ર ગણાવી ચુક્યા છે. વડાપ્રધાન મોદી જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાની પહેલી અમેરિકા યાત્રા પર ગયા હતા ત્યારે તેમનું સ્વાગત એકદમ ઉમળકાથી કરવામાં આવ્યું હતું. ટ્રમ્પના શપથ બાદ અમેરિકાની પહેલી યાત્રા દરમિયાન મોદી ન માત્ર ભારત-અમેરિકાને રણનીતિક રીતે નજીક લાવ્યા પરંતુ આંતરરાષ્ટ્રીય નીતીઓમાં પણ ભારત-અમેરિકા વચ્ચે સારા સંબંધ જોઈ શકાય છે. આ ઉપરાંત ટ્રમ્પના સમર્થનમાં PM મોદી 2019માં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં અને મોટી સંખ્યામાં અમેરિકી-ભારતીયોના દિલ જીત્યા. તો 2020માં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે PM મોદીએ તેમના વતન ગુજરાતમાં ટ્રમ્પ પરિવારનું સ્વાગત કર્યું હતું. સાબરમતિ આશ્રમની વિઝિટર બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે, 'મારા વ્હાલા મિત્ર વડાપ્રધાન મોદી, આ અદ્ભુત ભ્રમણા માટે તમારો ખૂબ ખૂબ આભાર.' અમદાવાદના સાબરમતિ આશ્રમની વિઝિટર બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પને PM મોદીને ગ્રેટ ફ્રેન્ડ કહ્યાં હતા. આ પહેલાં ટ્રમ્પે અનેક વખત મોદી સાથેની તેમની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે. વ્હાઈટ હાઉસમાં દિવાળીના જશ્ન દરમિયાન તેઓએ કહ્યું હતું કે, 'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરું છું. તેઓ મારા સારા મિત્ર છે.'

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો રહ્યાં છે મોદીના જબરા ફેન...
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે કબુલ્યું કે, રાજનીતિમાં મોદી સૌ કોઈના ગુરુ છે. બરાક ઓબામાએ કહ્યું હતુંકે, વિશ્વને ભારતના પ્રધાનમંત્રી મોદી પાસે ઘણી આશાઓ છે. પ્રધાનમંત્રી મોદી મારા સારા મિત્ર છે. જો બાઈડેન કહ્યું હતુંકે, મોદીની નિર્ણય લેવાની ક્ષમતા, તેમની કાર્યપ્રણાલી, તેમની લોકચાહનાથી હું ખુબ પ્રભાવિત છું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પીએમ મોદીની મિત્રતાઃ
આમ તો ભારત અને રશિયાની મિત્રતા દશકાઓ જૂની છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પ્રધાનમંત્રી મોદીની મિત્રતા બંને દેશની વચ્ચે આ સંબંધને ખાસ બનાવે છે. હાલમાં જ જ્યારે વડાપ્રધાન મોદી રશિયાની મુલાકાતે ગયા હતા ત્યારે રાષ્ટ્રપતિ પુતિને તેમનું સ્વાગત 'વડાપ્રધાન દોસ્ત! રશિયામાં તમારું સ્વાગત છે. મને ખુશી છે કે આપણે સેન્ટ પીટર્સબર્ગમાં મળી રહ્યાં છીએ. મને ખબર છે કે તમે આ શહેરમાં પહેલી વખત આવ્યા છો અને હું આશા કરું છું કે તમારી પાસે અહીંના મહત્વપૂર્ણ સ્થળોને જોવાનો સમય હશે.'

જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે સાથે પીએમ મોદીની દોસ્તીઃ
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ વડાપ્રધાન મોદીને પોતાના સૌથી વિશ્વપાત્ર મિત્રમાંથી એક ગણાવ્યા હતા. PM મોદીની જાપાન યાત્રા દરમિયાન એક ન્યૂઝપેપરને આપેલા મેસેજમાં આબેએ કહ્યું હતું કે ભારત એક વૈશ્વિક શક્તિ તરીકે ક્ષેત્ર અને દુનિયાની સમૃદ્ધિના રસ્તે ચાલી રહ્યાં છે. આબેએ કહ્યું હતું કે તેઓ સ્વતંત્ર અને ઓપન હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવા માટે ઈચ્છુક છે. આબેએ કહ્યું હતું કે જે દિવસે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે તે દિવસ ભારત-જાપાનની ગાઢ મિત્રતાનો સંકેત હશે. હાલમાં જ વારાણસીના રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરની શરૂઆત કરતા પ્રધાનમંત્રી મોદીએ શિંજો આબેને યાદ કર્યા હતા. આ કન્વેન્શન સેન્ટર જાપાનની મદદથી તૈયાર કરાયું છે. પોતાના સંબોધનમાં PM મોદીએ જાપાનની પ્રશંસા કરી, સાથે જ પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પણ યાદ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જાપાનના મારા મિત્ર શિંજો આબે એવી વ્યક્તિ છે, જેમનું નામ ભૂલી ન શકાય.' શિંજો આબે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી હતા ત્યારે તેઓ વારાણસીની મુલાકાતે આવ્યા હતા, તે સમયે આ સેન્ટરનો પાયો નાખવામાં આવ્યો હતો.

ઇઝરાયેલના પૂર્વ PM બેન્જામિન નેતન્યાહૂ સાથે મોદીની મિત્રતાઃ
ઇઝરાયેલના પૂર્વ PM બેન્જામિન નેતન્યાહૂ સાથેની વડાપ્રધાન મોદીની મિત્રતા કોઈનાથી છુપાયેલી નથી. PM મોદી જ્યારે ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા ત્યારે તેલ અવીવમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નેતન્યાહૂએ મોદીને પોતાના મિત્ર તરીકે સંબોધતા કહ્યું હતું કે, 'ભારતના વડાપ્રધાન અને મારા મિત્ર નરેન્દ્ર મોદી.' PM મોદીને વોટર પ્લાન્ટ દેખાડતા સમયે ઇઝરાયેલના તત્કાલિન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાની સાથે સમુદ્ર કિનારે લઈ ગયા હતા. દરિયા કિનારાની બંનેની ફોટો ઘણી જ ચર્ચામાં રહી હતી.

ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રિયૂવેન રિવલિનએ મોદીને કહ્યું.....તેરે જૈસા યાર કહાં...
મોદી-નેતન્યાહૂ વચ્ચેની જ મિત્રતા નહીં પરંતુ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રિયૂવેન રિવલિન પણ મોદીને પોતાના મિત્ર ગણાવે છે. ગત વર્ષે ફ્રેન્ડશિપ ડેનાં દિવસ ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી અને ભારતીયોને બોલીવુડના એક જાણીતા ગીત વડે અભિનંદન આપ્યા હતા. રિવલિને મોદીને ટેગ કરતા અંગ્રેજી અને હિંદીમાં ટ્વીટ કર્યા હતા. તેઓએ હિંદીમાં લખ્યું હતું કે, "મિત્રતા દિવસ પર મારા તરફથી તમને અને ભારતની જનતાને ખૂબ ખૂબ અભિનંદન." તેઓએ PM મોદીની સાથે પોતાની એક તસવીર પણ ટ્વીટર પર પોસ્ટ કરી હતી. આ તસવીર 2016ની છે જ્યારે રિવલિને ભારતની મુલાકાતે આવ્યા હતા. રિવલિનના ટ્વીટના જવાબદમાં મોદીએ જવાબમાં આભાર માન્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે, "તમારી સાથે-સાથે ઇઝરાયેલના અદ્ભુત લોકોને શુભેચ્છા. આશા કરું છું કે આવનારા સમયમાં ભારત-ઇઝરાયેલની મિત્રતા વધુ મજબૂત બને."

નવાઝ શરીફ સાથે મોદીની દોસ્તીઃ
ભારત-પાકિસ્તાન વચ્ચે હવે સંબંધ જેવું કંઈ રહ્યું નથી, પરંતુ નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચેની મિત્રતા ઘણી જ ચર્ચિત રહી છે. હાલમાં જ પેગાસસ વડે કેન્દ્ર સરકારે કથિત રીતે ફોન હેક કર્યા હોવાની દેશમાં જોરદાર બબાલ જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દો પાકિસ્તાનમાં પણ તૂલ પકડી રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ફોન હેકિંગની વાત પણ સામે આવી છે, જે માટે ઈમરાન ખાને ભારતને જવાબદાર ગણાવ્યું છે. પાકિસ્તાનના IB મિનિસ્ટર ફારૂક હબીબે કહ્યું કે શક્ય છે કે ઈમરાન ખાનનો ફોન પૂર્વ PM નવાઝ શરીફે તેમના મિત્ર મોદીની મદદથી હેક કરાવ્યો હોય. નવાઝ શરીફ અને પ્રધાનમંત્રી મોદીની મિત્રતા પણ ઘણી જ જાણીતી છે અને એટલે જ 2015માં PM મોદી ઓચિંતા જ પાકિસ્તાન પહોંચી ગયા હતા. હકિકતમાં PM મોદી ત્યારે અફઘાનિસ્તાનની યાત્રાએ ગયા હતા ત્યારે ત્યાંથી પરત ફરતા સમયે તેઓ ઈસ્લામાબાદ રોકાયા હતા. તે દિવસે નવાઝ શરીફનો જન્મદિવસ પણ હતો. PM મોદી શરીફના ઘરે ગયા હતા, તેમજ તેમની માતા માટે સાડી પણ લઈ ગયા હતા. 2019ના નવેમ્બરમાં નવાઝ શરીફની માતાનું નિધન થયું, ત્યારે PM મોદીએ પત્ર લખી સાંત્વના ફાટવી હતી. PM મોદીએ પત્રમાં લખ્યું, 'પ્રિય મિયાં સાહેબ, 22 નવેમ્બરે તમારી માતા બેગમ શમીમ અખ્તરના નિધન અંગે જાણીને મને ઘણું જ દુઃખ થયું. હું દુઃખની આ ઘડીમાં સંવેદના વ્યક્ત કરું છું.' પત્રમાં PM મોદીએ નવાઝ શરીફની માતા સાથે 2015ની મુલાકાતને પણ યાદ કરી હતી.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે મોદીના સંબંધોઃ
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન વડાપ્રધાન મોદીને પોતાના એક સારા મિત્ર ગણાવે છે. હોળીના તહેવાર પર મોરિસને મોદીને શુભેચ્છા આપી હતી, સાથે જ કોવિડ-19ની વેક્સિન બનાવવા જેવું મોટું કામ કરવાને લઈને ભારતની પ્રશંસા કરી હતી. અને જણાવ્યું હતું કે આ વેક્સિન દુનિયાના અનેક વિસ્તારોમાં મદદ પહોંચાડે છે. મોરિસને ટ્વીટ કર્યું હતું કે, 'હિંદુ ઓસ્ટ્રેલિયાઈ સમુદાય, સારા મિત્ર નરેન્દ્ર મોદી અને આ તહેવારને મનાવનારા તમામ લોકોને ખુશહાલ તેમજ રંગીન હોળીની શુભેચ્છા.' તેઓએ હિંદીમાં હોળીની શુભકામના પાઠવી હતી. આ વીડિયો સંદેશમાં મોરિસને ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ચતુષ્કોણીય સંગઠવ ક્વાડમાં ભારતની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોરિસને કહ્યું હતું કે, 'આપણે સાથે મળીને આગળનો રસ્તો તૈયાર કરતા રહીશું. એકતાની ભાવના અંતર્ગત હું તમામને હોળીની શુભેચ્છા આપું છું.'

થેરેસા મે સાથે મોદીની મિત્રતાંઃ
બ્રિટનના પૂર્વ PM થેરેસા મેએ પણ ભારતને બ્રિટનના નજીકનું મિત્ર ગણાવ્યું છે. 2016માં પોતાની ભારત યાત્રા પહેલાં થેરેસા મેએ લખ્યું હતું કે, 'અમારા સૌથી મહત્વપૂર્ણ અને નજીકના મિત્રોમાંથી એક ભારત છે. ભારત વિશ્વમાં એક અગ્રણી શક્તિ છે, જેની સાથે અમે ઈતિહાસ, સંસ્કૃતિને શેર કરીએ છીએ. બીજા શબ્દોમાં આપણે મજબૂત સંબંધ, પરિપકવ સંબંધો બનાવવા માટે એક અવસરવાળા બે દેશ છીએ.'