સાદા સમારોહમાં શપથ લેશે ઈમરાન ખાન, PM મોદી સહિત વિદેશી નેતાઓને ન બોલાવવાનો નિર્ણય
ઈમરાન ખાન સાવ સાદા સમારોહમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ લેવા માંગે છે અને તેઓ વિદેશી નેતાઓ તથા મશહૂર હસ્તીઓને તેમાં બોલાવવાના પક્ષમાં નથી.
Trending Photos
ઈસ્લામાબાદ: ઈમરાન ખાન સાવ સાદા સમારોહમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ લેવા માંગે છે અને તેઓ વિદેશી નેતાઓ તથા મશહૂર હસ્તીઓને તેમાં બોલાવવાના પક્ષમાં નથી. ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટી હાલમાં યોજાયેલી નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. 65 વર્ષના નેતા ઈમરાન ખાન 11મી ઓગસ્ટે શપથ લે તેવી સંભાવના છે.
તેમની પાર્ટીએ અગાઉ શપથગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન, અને કપિલ દેવ, સુનીલ ગાવસ્કર તથા નવજોતસિંહ સિદ્ધુ જેવા ભારતીય ક્રિકેટરોને આમંત્રિત કરવાની યોજના બનાવી હતી.
ડોન અખબારના અહેવાલ મુજબ આજે પોતાનું સ્ટેન્ડ બદલતા હવે ખાને સાદા સમારોહમાં શપથ લેવાનો ફેસલો લીધો છે. ડોનએ પીટીઆઈ પ્રવક્તા ફવાદ ચૌધરીના હવાલે કહ્યું કે પીટીઆઈ ચેરમેને સાદગીભર્યો શપથગ્રહણ સમારોહ આયોજિત કરવાના નિર્દેશ આપ્યા છે. તેઓ એવાન એ સદર (રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન)માં સાદા સમારોહમાં શપથ લેશે.
તેમણે કહ્યું કે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમારોહમાં કોઈ પણ વિદેશી ગણમાન્ય વ્યક્તિને આમંત્રિત કરાશે નહીં. સંપૂર્ણ રીતે રાષ્ટ્રીય સમારોહ હશે. માત્ર ઈમરાન ખાનના કેટલાક નજીકના મિત્રોને આમંત્રણ અપાશે. સમારોહમાં ફાલતુ ખર્ચ કરાશે નહીં. જો કે તેમણે કહ્યું કે કાર્યક્રમમાં ઈમરાન ખાનના કેટલાક વિદેશી મિત્રોને આમંત્રણ અપાશે. ચૌધરીએ કહ્યું કે 'ઈમરાન ખાનના કેટલાક વિદેશી મિત્રો છે જેમને સમારોહમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.' રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન ઈમરાન ખાનને વડાપ્રધાન પદના શપથ લેવડાવશે.
ચૂંટણીમાં પીટીઆઈની જીત બાદ ખાને કરદાતાઓના નાણા બચાવવા માટે કડક પગલાં લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તેમણે જાહેરાત કરી કે તેઓ વડાપ્રધાન આવાસમાં રહેવા જશે નહીં અને ઈમારતના ભવિષ્ય અંગે છેલ્લો નિર્ણય પાર્ટી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે