ભારતીય મૂળની મિસ જમૈકા બની Miss World 2019, ભારતની સુમન રાવ સેકન્ડ રનર અપ

શનિવારે લંડનમાં આયોજિત મિસ વર્લ્ડ 2019 (Miss World 2019) સૌંદર્ય સ્પર્ધામાં જમૈકાની ટોની એન સિંહે (Toni-Ann Singh)  મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ફ્રાન્સની ઓફેલી મેજિનો ફર્સ્ટ રનર અપ બની જ્યારે ભારતની સુમન રાવ સેકન્ડ રનર અપ બની. ટોની એન સિંહનો ભારત સાથે સંબંધ છે. 

Updated By: Dec 15, 2019, 05:17 PM IST
ભારતીય મૂળની મિસ જમૈકા બની Miss World 2019, ભારતની સુમન રાવ સેકન્ડ રનર અપ
તસવીર-સાભાર ટ્વીટર @MissWorldLtd

લંડન: શનિવારે લંડનમાં આયોજિત મિસ વર્લ્ડ 2019 (Miss World 2019) સૌંદર્ય સ્પર્ધામાં જમૈકાની ટોની એન સિંહે (Toni-Ann Singh)  મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ફ્રાન્સની ઓફેલી મેજિનો ફર્સ્ટ રનર અપ બની જ્યારે ભારતની સુમન રાવ સેકન્ડ રનર અપ બની. ટોની એન સિંહનો ભારત સાથે સંબંધ છે. તેમના પિતા ભારતીય કેરેબિયન મૂળના છે. જમૈકાના મોરાંટ બેમાં જન્મેલી ટોની એન સિંહ જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેમનો આખો પરિવાર અમેરિકાના ફ્લોરિડામાં શિફ્ટ થઈ ગયો. ટોની એન સિંહે ફ્લોરિડાની સ્ટેટ યુનિવર્સિટીમાંથી મહિલા શિક્ષણ અને મનોવિજ્ઞાનમાં સ્નાતક કર્યું છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદથી ટોની એન સિંહ (Toni-Ann Singh) સોશિયલ મીડિયાના ટોપ ટ્રેન્ડમાં સામેલ છે. ટ્વીટર અને ફેસબુક પર લોકો ટોની એન સિંહ વિશે ખુબ સર્ચ પણ કરી રહ્યાં છે. ટોની એન સિંહને 2018ની મિસ વર્લ્ડ વનેસા પોન્સે તાજ પહેરાવ્યો હતો. 

આ સ્પર્ધામાં કુલ 120 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. અત્રે જણાવવાનું કે 2019માં મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ બંને અશ્વેત સુંદરીઓ પસંદ થઈ છે. આ અગાઉ 8 ડિસેમ્બરના રોજ 26 વર્ષની જોજિબિની ટુંજી મિસ યુનિવર્સ 2019 બની છે. 

ટોની એન સિંહ તેની માતાની ખુબ નજીક છે અને પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય માતાને આપે છે. ટોની એન સિંહની માતા જમૈકાની છે અને આફ્રિકી કેરેબિયન મૂળની છે. જ્યારે પિતા બ્રેડ શો સિંહ ભારતીય કેરેબિયન મૂળના છે. 

ટોની એન સિંહે મિસ જમૈકા 2019નો ખિતાબ જીત્યો હતો અને મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધામાં પણ તે જમૈકાનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. જમૈકાની સુંદરીએ લાંબા સમય બાદ મિસ વર્લ્ડના ખિતાબ પર કબ્જો જમાવ્યો છે. આ અગાઉ વર્ષ 1993માં લીઝા હેન્નાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તે પહેલા વર્ષ 1963 અને વર્ષ 1976માં જમૈકાની સુંદરીઓએ મિસ વર્લ્ડના ખિતાબ પર કબ્જો જમાવ્યો હતો. 

(સુમન રાવ)

ભારતની સુંદરી બની સેકન્ડ રનરઅપ
ફેમિના મિસ ઈન્ડિયા 2019 સુમન રાવે પણ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર ઊંચુ કર્યું છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં સુમન ત્રીજા નંબરે રહી. સુમન 2019માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી હતી. સુમન મિસ વર્લ્ડ એશિયા-2019નો તાજ પણ પોતાના નામે કરી ચૂકી છે. સુમને ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકની પણ તાલીમ લીધી છે. મિસ ઈન્ડિયા 2019નો તાજ સુમન રાવને મિસ ઈન્ડિયા 2018 અનુકૃતિ વાસે પહેરાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube