ઈઝરાયેલના PM નેતન્યાહૂના ભારત પ્રવાસથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, આપ્યું 'આ' નિવેદન

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારત પ્રવાસે છે. નેતન્યાહૂના ભારત પ્રવાસ પર પાકિસ્તાન બરાબર નજર જમાવીને બેઠુ છે. 

  • ઈઝરાયેલ એક વિશાળ ક્ષેત્ર પર કબ્જો જમાવી રહ્યું છે-ખ્વાજા
  • ભારત અને ઈઝરાયેલનો ઉદ્દેશ્ય એક જ છે- ખ્વાજા આસિફ
  • કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના અસ્તિત્વ સંબંધિત-પાક વિદેશમંત્રી ખ્વાજા

Trending Photos

 ઈઝરાયેલના PM નેતન્યાહૂના ભારત પ્રવાસથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, આપ્યું 'આ' નિવેદન

ઈસ્લામાબાદ/નવી દિલ્હી: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારત પ્રવાસે છે. નેતન્યાહૂના ભારત પ્રવાસ પર પાકિસ્તાન બરાબર નજર જમાવીને બેઠુ છે. ભારત સાથે ઈઝરાયેલના થયેલા કરારો અને ગાઢ મિત્રતાથી પાકિસ્તાનની અકળામણ બુધવારે ત્યારેબરાબર દેખાઈ આવી, જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ભારત અને ઈઝરાયેલ વચ્ચે ગઠબંધન થવ છતાં પાકિસ્તાન પોતાનો બચાવ કરી શકે છે. 

પાકિસ્તાનના ટેલિવિઝન જિયો ટીવીના એક કાર્યક્રમમાં વાતચીત કરતા તેમણે કહ્યું કે ઈઝરાયેલ એક વિશાળ ક્ષેત્ર પર કબ્જો કરી રહ્યું છે, જે મુસલમાનોનું છે. આ જ રીતે ભારતે કાશ્મીરમાં મુસ્લિમોની જમીન પર કબ્જો કર્યો. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને ઈઝરાયેલનો ઉદ્દેશ્ય એક જ છે. 

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાને ક્યારેય ઈઝારેયલને માન્યતા આપી નથી. આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભારત-ઈઝરાયેલનું ગઠબંધન ઈસ્લામની સાથેની શત્રુતા પર આધારિત છે. પાકિસ્તાની રાષ્ટ્રનો પેલેસ્ટાઈનના લોકો સાથે ભાવનાત્મક સંબંધ છે જ્યારે કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના અસ્તિત્વ સંબંધિત છે. આસિફે કહ્યું કે પાકિસ્તાનના સૈન્ય બળ આતંકવાદ વિરુદ્ધ સંપૂર્ણ રીતે જંગ લડી રહ્યાં છે અને દેશની વ્યુહાત્મક ક્ષમતા વધે છે. ખુબ કુરબાનીઓ બાદ અમે આતંકવાદ વિરુદ્ધ જીત હાંસલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ભારત પ્રવાસે આવેલા ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે કહ્યું હતું કે ઈસ્લામી કટ્ટરવાદ અને તે સંબંધિત આતંકીઓનો ખતરો આંતરરાષ્ટ્રીય તાણાવાણાને પ્રભાવિત કરી શકે છે તથા આ પડકારને પહોંચી વળવા માટે ભારત તથા ઈઝરાયેલ વચ્ચે વધુ મજબુત સંબંધોની જરૂર છે. રાયસીના સંવાદના ઉદ્ઘાટન સત્રને સંબોધતા નેતન્યાહૂએ ભારતને 'ઈઝરાયેલનો સ્વાભાવિક મિત્ર અને ભાગીદાર' ગણાવ્યો હતો. તેમના આ કથન પર પીએમ મોદી મરક મરક હસી પડ્યાં હતાં. 

નેતન્યાહૂએ કહ્યું હતું કે નવોન્મેષ માટે કરવામાં આવેલા પ્રયત્નને ઈસ્લામી કટ્ટરવાદ અને આ સંબંધિત આતંકવાદીઓ પડકાર આપી રહ્યાં છે. તેઓ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને અશાંત કરી શકે છે. તેમણે એ વાત ઉપર ખુબ ભાર મૂક્યો હતો કે એક મજબુત રાષ્ટ્ર તરીકે ઉભરવા માટે આર્થિક, સૈન્ય અને રાજનીતિક તાકાત વિક્સાવવાની જરૂરિયાત છે. ત્યારબાદ નેતન્યાહૂ પીએમ મોદી સાથે આજે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ ગત વર્ષે ઈઝરાયેલનો પ્રવાસ કર્યો હતો.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news