75 વર્ષના ઈતિહાસમાં 21 પ્રધાનમંત્રી, કોઈ કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં, આ છે પાકિસ્તાનની કહાની

Pakistan Ki Kahani: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ખુરશી સંકટમાં છે. વિપક્ષી પાર્ટીઓ તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે અને 3 એપ્રિલે સંસદમાં મતદાન થઈ શકે છે. પાકિસ્તાન આઝાદ થયાના 75 વર્ષ થયા છે, પરંતુ દેશમાં હજુ કોઈ પ્રધાનમંત્રી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. 

75 વર્ષના ઈતિહાસમાં 21 પ્રધાનમંત્રી, કોઈ કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં, આ છે પાકિસ્તાનની કહાની

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વર્તમાન પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાસેહ વે પદ પર થોડા કલાકોનો સમય બાકી છે. તેમની સરકાર અલ્પમતમાં છે અને તે કોઈપણ ક્ષણે રાજીનામુ આપી શકે છે અથવા વિશ્વાસ મત બાદ તેમણે સત્તા છોડવી પડી શકે છે. દેશની જનતાને એક નવા પાકિસ્તાનનું સપનું દેખાડનાર ઇમરાન ખાન પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. પરંતુ પાકિસ્તાનનો ઈતિહાસ એવો રહ્યો છે અને તે રહેવાની આશંકા સતત બની રહે છે. 75 વર્ષના ઈતિહાસમાં આજ સુધી પાકિસ્તાનમાં 22 પ્રધાનમંત્રી ખુરશી પર બેસી ચુક્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યું નથી. એટલું જ નહીં 1958, 1977 અને 1999માં સેના ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા કબજે કરી ચુકી છે. એટલે કે પાકિસ્તાનમાં આર્મી રાજનો પણ મોટો ઈતિહાસ રહેલો છે. 

હકીકતમાં એક અલગ રાષ્ટ્રના રૂપમાં સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ઘણીવાર સેના સત્તા પોતાના હાથમાં લઈ ચુકી છે. 75 વર્ષના ઈતિહાસમાં દાયકાઓ સુધી પાકિસ્તાનમાં આર્મી સત્તાનું કેન્દ્ર રહી છે. પાકિસ્તાનમાં 1958થી 1971 સુધી સૈન્ય શાસન રહ્યુ. 1977થી 1988 સુધી અને 1999થી 2008 સુધી પાકિસ્તાનમાં લોકતંત્રને કચડીને સેના સત્તામાં રહી. આ સિવાય પણ 1951, 1980 અને 1995માં પાકિસ્તાની સેનાએ સત્તા લેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં 1953-54માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ એકવાર તખ્તાપલટ કરી ચુક્યા છે. જનરલ અયૂબ ખાન, જનરલ આહયા ખાન, જનરલ ઝિયા ઉલ હક અને જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના એવા સૈન્ય અધિકારી રહ્યા, જેણે આર્મીની મદદથી લોકશાહીને કચડી દીધી હતી. 

75 વર્ષમાં 22 પ્રધાનમંત્રી, કોઈ કાર્યકાળ પૂરો કરી શક્યું નહીં
- વાત શરૂ કરીએ, જેથી તસવીર સ્પષ્ટ થઈ શકે. 14 ઓગસ્ટ 1947ના એક અલગ રાષ્ટ્રના રૂપમાં પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. પાકિસ્તાનના કાયદે આઝમ અને તત્કાલીન ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝિન્નાએ લિયાકત અલી ખાનના હાથમાં પાકિસ્તાનની સત્તા સોંપી. વર્ષ 1951માં લિયાકત અલી ખાનની હત્યા કરી દેવામાં આવી. તેમનો કાર્યકાળ 4 વર્ષ 61 દિવસ સુધી ચાલ્યો. લિયાકત અલી ન માત્ર પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી હતા, પરંતુ પાકિસ્તાનના અત્યાર સુધીના ઈતિહાસમાં આ પદ પર સૌથી વધુ સમય પસાર કરવાના મામલામાં તે બીજા સ્થાને છે. લિયાકલ અલી ખાનની હત્યા બાદ સર ખ્વાઝા નિઝામુદ્દીનને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ 1953માં ગવર્નર જનરલ મલિક ગુલામ મુહમ્મદે તેમની સરકારને ભંગ કરી દીધી. ત્યારબાદ એક ડિપ્લોમેટ રહેલા મોહમ્મદ અલી બોગરાને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ 1954માં ચૂંટણી બાદ ગવર્નર જનરલે 1955માં તેમને પદ પરથી હટાવી દીધા. ચૌધરી મોહમ્મદ અલી 1955માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા અને તે દેશના ચોથા પ્રધાનમંત્રી હતા. પરંતુ તેમની પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને તેમને હટાવી દીધા. 

- 1956માં હુસૈન શહીદ સુહરાવર્દી પાકિસ્તાનના 5માં પ્રધાનમંત્રી બ્યા, તેમની પણ પોતાની પાર્ટી પર પકડ ઢીલી પડી અને સમર્થન આપી રહેલી પાર્ટીઓએ સમર્થન પરત ખેંચી લીધુ, જેના કારણે તેમની ખુરશી પણ ગઈ. 1957માં ઇબ્રાહિમ ઇસ્માઇલ ચુંદ્રીગાર પાકિસ્તાનના પીએમ બન્યા અને તેમનો કાર્યકાળ બે મહિના ચાલ્યો. સર ફિરોઝ ખાન જૂન 1957માં પાકિસ્તાનના સાતમાં પ્રધાનમંત્રી બન્યા અને તેમની પાર્ટીના રાષ્ટ્રપતિ બનેલા ઇશ્કિંદર મિર્ઝાએ 1958માં પોતાનો કાર્યકાળ આગળ વધારવા માટે બંધારણીય તખ્તાપલટ કરી દીધો અને નૂનની ખુરશી જતી રહી. આ સમયે પાકિસ્તાન 7 પ્રધાનમંત્રી જોઈ ચુક્યુ હતું, જ્યારે ભારતમાં પંડિત જવાહરલાલ નહેરૂ પ્રથમ પ્રધાનમંત્રીના રૂપમાં દેશને મજબૂતીથી આગળ વધારી રહ્યા હતા. 

- તમે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપીની 13 દિવસની સરકાર વિશે સાંભળ્યું હતું. પરંતુ તેની પહેલા વર્ષ 1971માં નૂરૂલ ઇસ્લામ માત્ર 13 દિવસ માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. તે પાકિસ્તાનના 8માં પ્રધાનમંત્રી હતા. રાષ્ટ્રપતિ પદ છોડીને 1973માં ઝુલ્ફીકાર અલી ભટ્ટો પાકિસ્તાનના નવમાં પ્રધાનમંત્રી બન્યા, પરંતુ તેમની સરકાર ચાર વર્ષ પહેલા પડી ગઈ. જનરલ ઝિયાએ 1977માં સત્તા પોતાના હાથમાં લીધી અને ભુટ્ટોને હટાવી દીધા. મોહમ્મદ ખાન જુનેઝો 1985માં પાકિસ્તાનના 10માં પ્રધાનમંત્રી બન્યા અને ત્રણ વર્ષ કરતા વધુ સમય માટે આ પદ પર રહ્યા. 1988મા બેનજીર ભુટ્ટો પાકિસ્તાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા, પરંતુ તેમનો કાર્યકાળ 18 મહિના સુધી ચાલ્યો હતો. 

- 1990માં નવાઝ શરીફે દેશની કમાન સંભાળી અને તે 12માં પ્રધાનમંત્રી બન્યા, પરંતુ રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાને એપ્રિલ 1993માં તેમની સરકારને ભંગ કરી દીધી. 1993માં ફરી પાકિસ્તાનની કમાન બેનજીર ભુટ્ટોના હાથમાં આવી, પરંતુ નવેમ્બર 1996માં રાષ્ટ્રપતિ ફારૂક લેધારીએ ભુટ્ટોને હટાવી દીધા. 1997માં નવાઝ શરીફે ફરી સત્તામાં વાપસી કરી પરંતુ 1999માં જનરલ પરવેઝ મુશર્રફે તેમની સરકારને ઉખાડી દીધી અને દેશમાં સૈન્ય કાયદો લાગૂ કર્યો. 

- વર્ષ 2002માં મીર ઝફરુલ્લા ખાન જમાલી પાકિસ્તાનના 15માં પ્રધાનમંત્રી બન્યા, પરંતુ જૂન 2004માં તેમણે રાજીનામુ આપી દીધુ. ત્યારબાદ પાકિસ્તાની સંસદે સુઝાત સુહૈતને પ્રધાનમંત્રી પસંદ કર્યા, પરંતુ તે 57 દિવસ સુધી ખુરશી પર રહ્યા. ઓગસ્ટ 2004માં શૌકત અઝીઝ દેશના 17માં પ્રધાનમંત્રી બન્યા, તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ અઢી મહિના ચાલ્યો. આ રીતે તે પ્રથમ પ્રધાનમંત્રી હતા, જેણે ગૃહનો કાર્યકાળ પૂરો થવા પર રાજીનામુ આપ્યું હતું. 2008ની ચૂંટણીમાં પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીને બહુમતી મળી અને યૂસુફ રઝા ગિલાની પાકિસ્તાનના 18માં પ્રધાનમંત્રી બન્યા. તેમનો કાર્યકાળ ચાર વર્ષ 3 મહિના ચાલ્ય. ગિલાની પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી વધુ સમય પ્રધાનમંત્રીની ખુરશી પર રહ્યા. ગિલાની બાદ રાજા પરવેઝ અશરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા. અશરફે આશરે 9 મહિના પોતાની સત્તા ચલાવી હતી. 

- જૂન 2013માં નવાઝ શરીફને એકવાર ફરી ચૂંટણીમાં જીત મળી અને તે સત્તામાં આવ્યા. પરંતુ પનામા પેપર લીક મામલામાં સુપ્રીમ કોર્ટે જુલાઈ 2017માં તેમને પદ માટે અયોગ્ય જાહેર કરી દીધા. આ રીતે તેમના 4 વર્ષ અને બે મહિનાના કાર્યકાળનો અંત આવ્યો. પાર્ટીએ શાહિદ ખકાન અબ્બાસીને સત્તા સોંપી અને તે 300 દિવસ કરતા વધુ સમય દેશના પીએમ રહ્યા. વર્ષ 2018ની ટૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવી અને ઇમરાન ખાન દેશના 22માં પ્રધાનમંત્રી બન્યા હતા. હવે તેમની ખુરશી પણ જઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news