MOSSADના આ ઓપરેશન બાદ ઈઝરાયલના પુર્વ PM નેતનયાહૂના ભાઈ શહિદ થયા હતા દુશમનોનો છુટી ગયો હતો પસીનો
આજે અમે તમને ઈઝરાયલની ખુફિયા એજન્સી મોસાદના એવા ઓપરેશન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને દુનિયાનું સૌધી ખતરનાક હવાઈ ઓપરેશન માનવામાં આવે છે. ઈઝરાયલથી ઉડેલા એક વિમાનને હાઈજેક કરીને યુગાન્ડા ઉતારવામાં આવ્યું હતું
Trending Photos
યશ કંસારા/ અમદાવાદ: આજે અમે તમને ઈઝરાયલની ખુફિયા એજન્સી મોસાદના એવા ઓપરેશન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને દુનિયાનું સૌધી ખતરનાક હવાઈ ઓપરેશન માનવામાં આવે છે. ઈઝરાયલથી ઉડેલા એક વિમાનને હાઈજેક કરીને યુગાન્ડા ઉતારવામાં આવ્યું હતું. યુગાન્ડાનો તાનાશાહ ઈદી અમીન હાઈજેકર્સના સમર્થનમાં હતો. વિમાનમાં સવાર તમામ ઈઝરાયલીઓને બચાવવાના હતા. તે પણ દુશ્મન દેશમાં ઘુસીને. કામ લગભગ અશક્ય હતું. પણ મોસાદ અને ઈઝરાયલી કમાન્ડોની 100 લોકોની ટીમે માત્ર 100 ફીટની ઉંચાઈ પર પ્લેન ઉડાવીને તે રાતે જે કારનામો કર્યો તેની ચર્ચા આજે પણ દુનિયામાં થાય છે. અને દુશ્મનો આજે પણ મોસાદના પ્લાનથી ડરે છે.
27 જૂન, 1976 એર ફ્રાન્સનું એક વિમાન ઈઝરાયલના શહેર તેલ અવીવથી ગ્રીસની રાજધાની એથન્સ માટે રાત્રે 11 વાગ્યે ઉડાન ભરે છે. વિમાનમાં કુલ 246 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. મોટેભાગના મુસાફરો ઈઝરાયલી અને યહુદીઓ હતા. લગભગ દોઢ કલાકની ઉડાન બાદ વિમાન એથન્સ પહોંચે છે. અને ત્યાંથી વિમાને પેરિસ માટે ઉડાન ભરવાની હતી. એથન્સથી બીજા 58 મુસાફરો આ વિમાનમાં સવાર થયા. જેમાંથી 4 લોકો આ પ્લેનને હાઈજેક કરવા માટે ચઢ્યા હતા.
પ્લેન થયું હાઈજેક
ચારમાંથી 2 આતંકવાદીઓ ફિલીસ્તીની લિબ્રેશનના હતા અને 2 જર્મન રેવોલ્યુશનરી સેલ સાથે જોડાયેલા હતા. રાત્રે 12:30 વાગ્યે એથન્સથી વિમાન પેરિસ માટે ટેક ઓફ કરે છે અને તે જ સમયે તમામ ચાર લોકો પ્લેનને હાઈજેક કરે છે. જેમાંથી, એક વિમાનના કૉકપિટમાં ધૂસે છે અને કો-પાયલટને બહાર કાઢી પોતે તેની સિટ પર બેસી જાય છે. હવે પ્લેન હાઈજેકર્સના કબ્જામાં હતું. વિમાન પર કબ્જો મેળવ્યા બાદ હાઈજેકર્સ વિમાનને પેરિસની જગ્યાએ બેંગ્હાજી લઈ ગયા. બેંગ્હાજીમાં વિમાનમાં ફ્યુલ ભરવામાં આવ્યું. દરમિયાન હાઈજેકર્સ વિમાનમાં સવાર એક બિમાર મહિલાને મુક્ત કરે છે. બેંગ્હાજીમાં 7 કલાક રોકાયા બાદ વિમાને ફરીવાર ઉડાન ભરી છે અને હવે વિમાનને યુગાન્ડા તરફ લઈ જવાયું.
28 જૂન, 1976: બપોરે 3:15 વાગ્યે વિમાન યુગાન્ડાના એન્ટબી એરપોર્ટ પર લેન્ડ થયું. જ્યાં, તાનાશાહ ઈદી અમીન આ ફિલીસ્તીની આતંકીઓના સમર્થનમાં ઉભો હતો. ઈઝરાયલ સરકાર કઈ વિચારી શકે તે પહેલાં જ યુગાન્ડાના સૈન્યએ એન્ટબી એરપોર્ટને ચારો તરફથી ઘેરી લીધુ હતું. કારણ હતું કે, કોઈપણ રેસ્કયું ઓપરેશન શરૂ થાય તે પહેલાં જ તેને ખત્મ કરવામાં આવે.
ઈદી અમીનનું આતંકીઓને સમર્થન
એન્ટબી એરપોર્ટ પર લગભગ 100 જેટલા યુગાન્ડાના સૈનિક હાજર હતા. ત્યારબાદ, એક એક કરી મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા અને તમામને એરોપોર્ટના ટ્રાન્ઝીટ હોલમાં રાખવામાં આવ્યા. વિમાન હાઈજેક થયાને 24 કલાક થઈ ચુક્યા હતા અને તે અંગેના સમાચાર દુનિયાભરમાં ફેલાયા હતા. યુગાન્ડાના તાનાશાહે વિમાન હાઈજેકના પ્લાનને ન માત્ર સમર્થન આપ્યું હતું, પણ તેને આ પ્લાનની જાણ પહેલાંથી જ હતી. કહેવામાં આવે છે કે, પરિસ્થિતીનો તાગ મેળવવા ઈદી અમીન રોજ એન્ટબી એરપોર્ટ પર આવતો હતો.
આ હતી આતંકીઓની માંગ
વિમાનને હાઈજેક કર્યા બાદ 28 જૂનના રોજ હાઈજેકર્સે પ્રથમવાર પોતાની માગ ઈઝરાયલી સરકાર સમક્ષ મુકી. જેમાં, પ્રથમ માગ ઈઝરાયલી જેલમાં બંધ 40 ફિલીસ્તીની આતંકવાદીઓને છોડવાની હતી. સાથે જ કેન્યા, ફ્રાન્સ, વેસ્ટ જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની જેલોમાં બંધ અન્ય 13 સાથીઓને છોડાવાની પણ માગ કરી. વધુમાં આતંકીઓએ પાંચ મિલિયન અમેરિકન ડોલરની માગ પણ કરી હતી. માગ પુરી ના કરવા પર હાઈજેકર્સે 1 જુલાઈ 1976ના રોજથી એક એક કરી મુસાફારોને મારવાની ધમકી આપી હતી. એટલે ઈઝરાયલ સરકાર પાસે કોઈ પણ નિર્ણય લેવા માટે માત્ર 48 કલાક હતા.
ઈઝરાયલી અને અન્ય મુસાફરોને કરાયા અલગ
યુગાન્ડાના સૈનિકોએ એરપોર્ટ ટ્રાન્ઝીટ હોલમાં કેદ મુસાફરોને 2 ગૃપમાં વહેંચી દિધા. ઈઝરાયલ નાગરિકો સિવાયના જેટલા પણ અન્ય યાત્રીઓ હતા તેમને એરપોર્ટના વેઈટિંગ રૂમમાં રાખવામાં આવ્યા. જ્યારે, એર ફ્રાન્સના ક્રૂના 12 મેમ્બર અને 94 ઈઝરાયલી નાગરિકોને એક સાથે ટ્રાન્ઝીટ હોલમાં બંધક બનાવાયા. ત્યારે, 30 જુલાઈના રોજ ઈઝરાયલી નાગરિકો સિવાયના 48 લોકોને મુક્ત કરાયા અને તમામ લોકોને સ્પેશ્યલ વિમાન મારફતે પેરિસ મોકલવામાં આવ્યા.
અંતે ઈઝરાયલ સરકાર વાતચીત કરવા થઈ તૈયાર
હાઈજેકર્સે આપેલી ડેડલાઈનને ખત્મ થવામાં થોડો સમય બાકી હતો. ત્યારે, ઈઝરાયલી સરકારે હાઈજેકર્સને મેસેજ મોકલી થોડાં વધારે સમય આપવાની માગ કરી. આતંકીઓ ઈઝરાયલી સરકારની વાત માની અને ડેડલાઈન વધારીને 4 જુલાઈ કરી. માત્ર આટલું જ નહિ પણ બીજા ઈઝરાયલી નાગરિક સિવાયના 100 લોકોને મુક્ત કરવામાં આવ્યા. આ તમામ લોકોને પણ સ્પેશ્યલ વિમાનમાં પેરિસ મોક્લવામાં આવ્યા. હવે એન્ટબી એરપોર્ટના ટ્રાન્ઝીટ હોલમાં માત્ર 94 ઈઝરાલયલી નાગરિક, ફ્રાન્સના 10 યુવા નાગરિક અને 12 એર ફ્રાન્સના ક્રૂ મેમ્બર એટલે 116 લોકો બચ્યા હતા.
ઈઝરાયલ સરકાર મુકાઈ ચિતામાં
ઈઝરાયલ સરકાર માટે આ સમય મુશ્કેલી ભર્યો હતો. કેમ કે સરકાર ના તો પોતાના દેશના નાગરિક અને ક્રૂ મેમ્બરોને મોતના મુખમાં નાખવા માંગતી હતી ના તો આતંકીઓની વાતને માનવા તૈયાર હતી. કેમ કે ઈઝરાયલી સરકારનો નિયમ રહ્યો છે કે તે આતંકીઓ સાથે કોઈપણ ડીલ નહીં કરે. સવાલે એ હતો કે ઈઝરાયલ આટલા દૂર પોતાના નાગરિકોને કેવી રીતે દુશ્મન દેશમાંથી છોડાવે. લગભગ અશક્ય હતું આ.
બંધકોને છોડાવવા તૈયાર કરાયો એક્શન પ્લાન
બંધકોને છોડાવવા માટેના તમામ રસ્તાઓ બંધ હતા. ત્યારે, 3 જુલાઈની સાંજે ઈઝરાયલી કેબિનેટે છેલ્લો નિર્ણય લીધો. નિર્ણય હતો રેસ્કયું ઓપરેશન હાથ ધરવાનો. બ્રિગેડિયર જનરલ ડાન શોમરોનને ઓપરેશનના કમાન્ડર બનાવાયા. પ્લાન જોખમ ભર્યો હતો. કેમ કે, આ દુનિયાના કોઈ પણ એરપોર્ટ પર આટલો મોટું બચાવ ઓપરેશન આ પહેલાં થયું ન હતું. ઈઝરાયલી કમાન્ડોએ આ મિશન વીજળીની તેજીથી કરવાનું હતું. એટલે જ ઓપરેશનને નામ અપાયું ઓપરેશન ઠંડરબોલ્ટ (THUNDERBOLT)
MOSSADએ તૈયાર કર્યો હતો સંપૂર્ણ પ્લાન
આટલા સમયમાં ઈઝરાયલની સીક્રેટ એજન્સી મોસાદે પોતાની પુરી તૈયારી કરી લીધી હતી. જેટલા પણ લોકોને એન્ટબી એરપોર્ટ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે લોકો સાથે વાતચીત કરી હતી અને ત્યાંની પરિસ્થિતી શું છે તે સમજી હતી. સાથે જ હાઈજેકર્સ અને યુગાન્ડાના સૈનિકો કેટલી સંખ્યામાં છે તેની માહિતી પણ મોસાદે મેળવી લીધી હતી. મોસાદને પોતાના રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 1960 અને 1970 દરમિયાન ઈઝરાયલની જ એક કન્સ્ટ્રક્શન કંપનીએ આફ્રિકાના કેટલાક દેશોમાં બહુ બધી ઈમારતો બનાવી હતી. જ્યારે, યુગાન્ડાના એન્ટબી એરપોર્ટનું ટ્રાન્ઝીટ ટર્મીનલ પણ ઈઝરાયલી કંપનીએ જ બનાવ્યું હતું. ત્યારે, કંપનીના એન્જીન્યરોની મદદથી મોસાદે સમગ્ર મેપ બનાવી લીધો હતો. જ્યાં, બંધકોને રાખવામાં આવ્યા હતા.
ઓપરેશન THUNDER BOLTનો પ્લાન
પ્લાન મુજબ 100 ઈઝરાયલી કમાન્ડોની એક ટીમ 4 સી-130 હરક્યુલસ ટ્રાન્સપોર્ટ વિમાનથી શર્મ અલ શેખ એરપોર્ટથી એન્ટબી માટે ઉડાન ભરે છે. આ વિમાનમાં કાળા રંગની એક મર્સિડીસ કાર અને લેન્ડ રોવર કાર પણ હતી. મોસાદને જાણવા મળ્યું હતું કે, ઈદી અમીન કાળા રંગની મર્સિડીસ કારનો શોખીન છે અને હમેશા એ જ કારમાંથી બહાર નીકળે છે. જ્યારે, તેની સાથેના લોકો લેન્ડ રોવર કારનો ઉપયોગ કરતા હતા. એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ આ ગાડીઓમાં ટર્મિનલ તરફ કૂચ કરવાનો પ્લાન બનાવાયો હતો.
પણ આટલી શાંતિથી 4 વિમાન સાથે એન્ટબી એરપોર્ટ પર લેન્ડ કરવું મુશ્કેલ હતું. યુગાન્ડાના એર સ્પેસમાં ધૂસ્વાનું હતું એ પણ એન્ટબી એર ટ્રાફિક કંટ્રોલની જાણ બહાર. અને આ ત્યારે જ શક્ય હતું જ્યારે, વિમાન 100 ફીટની ઉંચાઈથી વધારે ના ઉડે. ઈઝરાયલી એરફોર્સના ચાર કાર્ગો વિમાન સાથે 2 બોઈંગ 707 વિમાને પણ ઉડાન ભરી. પ્રથમ બોઈંગ વિમાન નૈરોબી એરપોર્ટ પર ઉતર્યું. જેમાં, મેડિકલ ટીમ હતી. જ્યારે, બીજુ બોઈંગ વિમાન એન્ટબી એરપોર્ટ પર ઉતર્યું. જેમાં બંધકોને પાછા લાવવાના હતા.
શરૂ થયું ઓપરેશન THUNDER BOLT
3 જુલાઈની રાતે 11 વાગ્યે 4 ઈઝરાયલી કાર્ગો વિમાન એન્ટબી એરપોર્ટ પર લેન્ડ થયા. વિમાન એવી રીતે લેન્ડ કરવામાં આવ્યા કે ના તો યુગાન્ડાના સૈનિકોને કોઈ જાણ થઈ ના તો કોઈ આતંકીને. વિમાનમાંથી પહેલાં મર્સિડીસ કાર ઉતરી પછી એક બાદ એક લેન્ડ રોવર કાર ઉતરી જેમાં પહેલાંથી જ ઈઝરાયલી કમાન્ડો બેઠા હતા. આ તમામ કમાન્ડોને 3 ટીમોમાં વહેચવામાં આવ્યા હતા. જેમાં, પ્રથમ ટીમનું કામ હતું એરપોર્ટ ટર્મિનલ પરથી બંધકોને છોડાવવાનું. બીજી ટીમનું કામ હતું રન વે પર તૈનાત યુગાન્ડના સૈનિકો અને આંતકીઓ સાથે મુકાબલો કરવાનું. અને ત્રીજી ટીમનું કામ હતું છોડાયેલા બંધકોને ખાલી બોઈંગ વિમાનમાં બેસાડવાનું.
કાર્ગો પ્લેનમાંથી ઉતર્યા બાદ મર્સિડીસ કાર જૂના ટર્મિનલ તરફ જતી હતી. ત્યારે જ યુગાન્ડના બે સૈનિકો કારને રોકવાનો ઈશારો કરે છે. હકિકતમાં થોડાં દિવસો પહેલાં જ ઈદી અમીને એક નવી સફેદ મર્સિડીસ કાર લીધી હતી અને તે સફેદ મર્સિડીસ કાર ચલાવતો હતો. આ વાત યુગાન્ડાના સૈનિકોને ખબર હતી, પણ ઈઝરાયલી કમાન્ડો આ વાતથી અજાણ હતા. જોકે, ઈઝરાયલી કમાન્ડોએ રોકાયા વગર સાઈલેન્સરવાળી ગનથી બંને સૈનિકોને મારી નાખ્યા હતા. પણ યુગાન્ડાના સૈનિકો દ્વારા થયેલા AK47ના ફાયરિંગથી બીજા યુગાન્ડાના સૈનિકો એલર્ટ થયા હતા.
ટર્મિનલ બિલ્ડીંગમાં પ્રવેશ્તા જ ઈઝરાયલી કમાન્ડોએ ફાયરિંગ શરૂ કર્યું. અને માઈક પર બૂમો પાડી કે, અમે ઈઝરાયલી સૈનિક છે.. જમીન પર સુઈ જાઓ.. કમાન્ડોની ટીમે 3 આતંકીઓને ગોળી મારી હતી. જ્યારે, 3 બંધકો પણ ક્રોસ ફાયરિંગનો શિકાર બન્યા હતા અને માર્યા ગયા હતા. કમાન્ડોની ટીમને જોઈ બીજા 3 આતંકી એક રૂમમાં છુપાયા હતો. જે રૂમને ગ્રેનેડથી હુમલો કરી ત્રણેય આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો.
જ્યારે, બીજી ટીમ પણ ખૂબ જ મજબૂતાઈથી યુગાન્ડાના સૈનિક સાથે લડી રહી હતી. માત્ર 30 મિનીટના સમયમાં આતંકીઓનો ખાત્મો કરી બંધકોને સુરક્ષિત વિમાનમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે, આ પુરા ઓપરેશનનું નિરીક્ષણ હવામાંથી પાંચમાં વિમાનમાં બેસીને ઓપરેશનના કમાન્ડર ખુદ કરી રહ્યા હતા.
વિમાનોને કર્યા ઈઝરાયલી કમાન્ડોએ તબાહ
આ ઓપરેશનમાં 7 આતંકી અને યુગાન્ડાના 48 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે, એરપોર્ટ પર ઉભેલા 30 વિમાનોને ઈઝરાયલી કમાન્ડોએ તબાહ કર્યા હતા. જેથી કોઈ તેમના વિમાનનો પીછો ના કરી શકે. જ્યારે, આ ઓપરેશનમાં ઈઝરાયલના 5 કમાન્ડો ઘાયલ થયા હતા અને ઈઝરાયલી યુનિટ કમાન્ડર યોનતન નેતન્યાહૂની શહિદ થયા હતા.
ઈઝરાયલના પૂર્વ PM બેન્જામિન નેતન્યાહૂના મોટા ભાઈ શહિદ
યોનતન નેતન્યાહૂ પૂર્વ PM બેન્જામિન નેતન્યાહૂના મોટા ભાઈ હતા. તેમની મોત બાદ ઓપરેશન ઠંડરબોલ્ટને તેમના સમ્માનમાં ઓપરેશન યોનતન નામ આપવામાં આવ્યું. આ ઓપરેશનની સફળતા અને યોનતનની શહિદીએ તેમને ઈઝરાયલના હિરો બનાવી દિધા હતા. યોનતન નેતન્યાહૂની શહિદી બાદ નેતન્યાહૂ પરિવારને એવી શોહરત મળી કે તેમના નાના ભાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા.
આ ઓપરેશન બાદ યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીનના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ હતી. તેને માનવામાં જ નહતો આવતું કે કોઈ તેના જ દેશમાં ધૂસીને તેના સૈનિકોને મારીને પોતાના નાગરિકોને બચાવીને લઈ જઈ શકે. સવાર થતાની સાથે જ આ ઓપરેશનની ખબર દુનિયાભરમાં ફેલાઈ હતી અને મોસાદના ઓપરેશનની સફળતાની કહાનીથી આજે પણ દુશ્મન દેશો કાંપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે