આ દેશે ભારતને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, મહત્વની ડીલ કરી નાખી રદ

આ પગલું એક રીતે ભારતના કૂટનીતિક પ્રયત્નોની અસફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ દેશે ભારતને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, મહત્વની ડીલ કરી નાખી રદ

નવી દિલ્હી: એક બાજુ સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફૌરેના 25 જૂનના રોજ ભારત પ્રવાસની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી બાજુ સેશલ્સે ભારતની સાથે પોતાના અઝમ્પશન આઈલેન્ડ પરના નેવલ બેઝ બનાવવાના કરારને રદ કરી નાખ્યો છે. આ મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ડેની ફોરેએ કહ્યું કે જ્યારે તેઓ ભારત આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અઝમ્પશન આઈલેન્ડ પ્રોજેક્ટને લઈને કોઈ ચર્ચા કરશે નહીં. સેશલ્સનું આ પગલું એક રીતે ભારતના કૂટનીતિક પ્રયત્નોની અસફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.

હજુ હાલમાં જ રશિયા સાથે મળીને નેક્સ્ટ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ ડેવલપ કરવાની ભારતની 9 અબજ ડોલરની ડીલ ટૂટવાના પણ અહેવાલો આવ્યાં હતાં. સેશલ્સ દ્વારા નેવલ બેઝનો કરાર તોડવાના કારણે ચીનને કાઉન્ટર કરવા માટે ડિફેન્સ ક્ષેત્રમાં પોતાના ફૂટપ્રિન્ટ વધારવામાં લાગેલા ભારતની કવાયતને મોટો આંચકો લાગ્યો છે. સેશલ્સના રાષ્ટ્રપતિએ એવી પણ જાહેરાત કરી છે કે આ પ્રોજેક્ટના તમામ ઉદ્દેશ્યો જ્યારે ખતમ થઈ ચૂક્યા છે તો હવે સેશલ્સ આગામી વર્ષે પોતાના ધનથી જ આ સૈન્ય અડ્ડાનું નિર્માણ કરશે.

તેમણે કહ્યું કે આગામી વર્ષે બજેટમાં અમે અઝમ્પશન આઈલેન્ડ પર કોસ્ટ ગાર્ડ સિક્યોરિટીના નિર્માણ માટે પોતે અલગ ફંડ રાખશે. આ વિસ્તારમાં અમારો સૈન્ય અડ્ડો હોવો જરૂરી છે. વિદેશ સચિવ વિજય ગોખલે હાલમાં જ વિક્ટોરિયા ગયા હતાં પંરતુ ડીલ જાળવી રાખવામાં અસફળ રહ્યા હતાં. ભારત અને સેશલ્સ વચ્ચે વર્ષ 2015માં આ કરાર થયો હતો. પીએમ મોદી તે સમયે સેશલ્સની મુલાકાતે ગયા હતાં. જો કે આ ડીલ પર પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરે ફરીથી ચર્ચા શરૂ કરી હતી અને તેમણે જ હસ્તાક્ષર કર્યા હતાં. જો કે તેમના પ્રવાસના અંત સુધીમાં એ માનવામાં આવી રહ્યું હતું કે આ કરારને બચાવી શકાશે નહીં.

સેશલ્સના મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર આ ડીલ તૂટવા માટે વિપક્ષના નેતા ભારતીય મૂળના રામકલાવનને જવાબદાર ઠેરવી રહી છે. જેમણે ભારતના પ્રવાસ બાદ આ કરાર માટે હા તો પાડી દીધી હતી પરંતુ ત્યારબાદ તેઓ પોતાની વાતથી ફરી ગયા. આ ડીલ વિપક્ષની મંજૂરી વગર પાસ થઈ શકે નહીં.

સૂત્રોનું માનીએ તો ભારત સેશલ્સ સાથે બીજા કરાર કરવાની તૈયારી કરી રહ્યું છે. એક ડિફેન્સ પોર્ટલ મુજબ સેશલ્સ સમુદ્રી સુરક્ષા માટે ફ્રાન્સ સાથે ડીલ કરી શકે છે. એક વરિષ્ઠ ફ્રેન્ચ ડિફેન્સ અધિકારીના જણાવ્યાં મુજબ ફ્રાન્સ સેશલ્સમાં એક નેવલ બેઝ બનાવવા માંગે છે જેથી કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં રહેનારા ફ્રાન્સિસી નાગરિકોની સુરક્ષા કરી શકે.

આ વર્ષની શરૂઆતમાં ભારતે ફ્રાન્સ સાથે એક કરાર કર્યો હતો. ત્યારબાદ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ફ્રાન્સના સૈન્ય ઠેકાણા સુધી ભારતની પણ પહોંચ થઈ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news