શિક્ષણ અને ટેક્નોલોજીનો સંગમઃ શિક્ષણક્ષેત્રે આવ્યું ધરમૂળથી પરિવર્તન
આજે આપણી આંગળીઓના વેઢે રહેલું ઈન્ટરનેટ તમને એક લાયબ્રેરી કરતાં પણ વધુ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યું છે, આજે માહિતીના પ્રચાર-પ્રસારની ઝડપ દિવસેને દિવસે વધતી જઈ રહી છે
Trending Photos
ન્યુયોર્કઃ શિક્ષણ આપણા મગજને એક નવી દિશા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે અને જેવી રીતે જીવનની અન્ય બાબતોમાં ટેક્નોલોજીએ પરિવર્તન લાવ્યું છે, એવી જ રીતે ટેક્નોલોજીએ શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં પણ કમ્પ્યૂટર અને ઈન્ટરનેટની શોધે તો શિક્ષણને એક નવા જ સ્તરે પહોંચાડી દીધું છે. આજે આપણી આંગળીઓના વેઢે રહેલું ઈન્ટરનેટ તમને એક લાયબ્રેરી કરતાં પણ વધુ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
આજે માહિતીના પ્રચાર-પ્રસારની ઝડપ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. તેનું કારણ છે, ટેક્નોલોજી. ટેક્નોલોજીએ શાળાઓમાં પણ પ્રવેશ કર્યો છે અને આજે મોટાભાગની સ્કૂલોનાં વર્ગખંડ (ક્લાસરૂમ)નો આકાર બદલાઈ ગયો છે. સ્કૂલની કક્ષાએ ટેક્નોલોજીનું પ્રદાન જોઈએ તો બ્લેકબોર્ડનું સ્થાન ઈલેક્ટ્રોનિક બોર્ડે લઈ લીધું છે, પુસ્તકોનાં સ્થાને ઈ-લર્નિંગ આવ્યું છે, પેનના બદલે હવે કી-બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે, હોમવર્ક પણ ઓનલાઈન આપવામાં આવે છે અને જમા કરવામાં આવે છે. સાથે જ તમે કેટલા ગ્રેડ મેળવ્યા છે તેના માટે હવે વધુ રાહ જોવી પડતી નથી, તમને તાત્કાલિક ઓનલાઈન ગ્રેડ જાણવા મળી જાય છે.
આજે શિક્ષણ મેળવવાના અનેક મોડલ આવી ચૂક્યાં છે. ટેક્નોલોજી એક જ જ્ઞાનને જુદી-જુદી હાંસલ કરવાના વિકલ્પો ઉપલબ્ધ કરાવી રહી છે. આજે દરેક બાળક તેને જે સ્રોત સરળ પડે અને સહેલું લાગે, જે વિઝ્યુઅલ ગમતા હોય ત્યાંથી જ્ઞાન મેળવી રહ્યું છે. બાળકો પુસ્તકોને ઓડિયો મારફતે સાંભળી રહ્યા છે અને ગ્રાફિક્સની મદદથી સ્ટોરી સમજી રહ્યા છે.
એજ્યુકેશન ક્ષેત્રે આવેલાં સોફ્ટવેરે તો શિક્ષણની આખી દુનિયા જ બદલી નાખી છે. આજે જે રીતે આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સનો વિકાસ થઈ રહ્યો છે તે જોતાં શિક્ષણ પુરું પાડવામાં તે મહત્વનો ભાગ ભજવી શકશે. દરેક વ્યક્તિની શિક્ષણ મેળવવાની સ્ટાઈલ પ્રમાણે તેને શિક્ષણ ઉપલબ્ધ બનશે.
(પ્રતિકાત્મક તસવીર)
ઈન્ટરનેટનો આજે સૌથી મોટો ફાયદો એ થઈ રહ્યો છે કે વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણામાં બેસીને વિશ્વના કોઈ પણ ખૂણામાં શિક્ષણ પૂરું પાડી શકે છે. એટલે કે શિક્ષકે સદેહે હાજર રહેવાની જરૂર નથી. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આ પદ્ધતિ ઘણી જ ફાયદાકારક થઈ શકે છે.
શિક્ષણ ક્ષેત્રે થયેલા ટેક્નોલોજીના વિકાસ અને તેના બહોળા ઉપયોગની પ્રારંભથી જ ટીકા કરવામાં આવી રહી છે. તેમ છતાં તેણે શિક્ષણનો મુખ્ય સ્રોત બનવામાં સફળતા મેળવી છે. આ વાત જ સાબિત કરે છે કે, શિક્ષણના ક્ષેત્રે ટેક્નોલોજી કેટલી મહત્વપૂર્ણ છે.
આજે ટેક્નોલોજી જે ઝડપ અને સંપર્ક સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેનું સ્થાન કોઈ અન્ય બાબત લઈ શકે એમ નથી. ટેક્નોલોજીના કારણે એક બહોળા વર્ગને આપણે શિક્ષણ સાથા સાંકળી શકવામાં સમર્થ બન્યા છીએ. ટેક્નોલોજીએ શિક્ષણની ભૂમિકાને માત્ર જ્ઞાન મેળવવાથી આગળ લઈ જઈને કૌશલ્ય મેળવવા સુધીની કરી નાખી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે