રશિયા અંગે ભારતના વલણથી નારાજ છે US!, જો બાઈડેને પહેલીવાર આ મામલે આપ્યું મોટું નિવેદન

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતે જે વલણ અપનાવેલું છે તેનાથી અમેરિકા નારાજ છે અને આ નારાજગી જો બાઈડેનના નિવેદનથી સ્પષ્ટ છલકાય છે.

રશિયા અંગે ભારતના વલણથી નારાજ છે US!, જો બાઈડેને પહેલીવાર આ મામલે આપ્યું મોટું નિવેદન

વોશિંગ્ટન: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતે જે વલણ અપનાવેલું છે તેનાથી અમેરિકા નારાજ છે અને આ નારાજગી જો બાઈડેનના નિવેદનથી સ્પષ્ટ છલકાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ભારત અમેરિકાના પ્રમુખ સહયોગીઓમાં અપવાદ છે અને યુક્રેન પર આક્રમ માટે રશિયાને દંડિત કરનારા પશ્ચિમી પ્રતિબંધો પર કેટલીક હદ સુધી અસ્થિર રહ્યું છે. અત્રે જણાવવાનું કે ભારતે આ મુદ્દે અત્યાર સુધીમાં ખુબ જ તટસ્થ રહીને પ્રતિક્રિયા આપી છે. તે રશિયાની ટીકા કરવાથી સતત બચી રહ્યું છે. 

જાપાન અને ઓસ્ટ્રેલિયાના કર્યા વખાણ
યુએસ બિઝનેસ લીડર્સની બેઠકને સંબોધિત કરતા જો બાઈડેને કહ્યું કે ક્વાડ સહયોગીઓમાં સંભવિત અપવાદ સાથે ભારત તેમાં કઈક અસ્થિર છે, પરંતુ જાપાન અને ઓસ્ટ્રેલિયા ખુબ મજબૂત રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે NATO આ પહેલા ક્યારેય આટલું શક્તિશાળી અને એકજૂથ રહ્યું નથી જેટલું આજે છે. 

બાઈડેને પુતિન વિશે કરી આ વાત
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે વ્લાદિમિર પુતિને એવો અંદાજો નહીં લગાવ્યો હોય કે યુક્રેન પર તેમના આક્રમણની વૈશ્વિક પ્રતિક્રિયામાં નાટો અને પશ્ચિમી સહયોગીઓ આ પ્રકારે એક સાથે આવી જશે. રશિયાએ જે કર્યું તેની સજા તેણે ભોગવવી પડશે. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં આયોજિત વર્ચ્યુઅલ ક્વાડ સંમેલનમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના નેતાઓએ રશિયાના આક્રમણની ટીકા કરી હતી. જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત અને કૂટનીતિના રસ્તે પાછા ફરવાની જરૂરિયાતને દોહરાવી હતી. 

ભારતે હુમલાની નથી કરી ટીકા
ભારત ક્વાડનો એકમાત્ર સભ્ય દેશ છે જેણે રશિયાના આક્રમણની ટીકા કરી નથી. ભારતને બાદ કરતા ક્વાડના તમામ સભ્ય દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા છે. એટલું જ નહીં ભારતે યુક્રેન સંકેટ પર સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વપૂર્ણ વોટિંગમાં પણ ભાગ લીધો નહતો. તેણે ફક્ત હિંસાને તત્કાળ સમાપ્ત કરવાનું અને વાતચીતની વાપસીનું આહ્વાન કર્યું છે. 

ભારત પાસેથી આ ઈચ્છે છે અમેરિકા
રશિયાને પાઠ ભણાવવા માટે અમેરિકા સહિત અનેક દેશોએ તેના પર પ્રતિબંધ લગાવ્યા છે. યુએસ ઈચ્છે છે કે તમામ દેશ તે પ્રતિબંધોનું સમર્થન કરે. અમેરિકાના રાષ્ટ્રપતિ પણ સ્પષ્ટપણે ઈચ્છે છે કે ભારત ખુલીને આ મુદ્દે બોલે અને રશિયાની ટીકા કરે. જો કે ભારતે પોતાના રણનીતિક હિતોને ધ્યાનમાં રાખીને આમ કરવામાં રસ દાખવ્યો નથી. આ જ વાત હવે બાઈડેનને ખટકી રહી છે. 

(ઈનપુટ-ANI)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news