Geneva Summit: હાથ મળ્યા, શું દિલ પણ મળશે? પુતિન અને બાઇડેન વચ્ચે પ્રથમવાર થઈ મુલાકાત

અમેરિકા અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યાં છે. આ વચ્ચે બન્ને દેશના રાષ્ટ્રપતિઓ વચ્ચે મુલાકાત થઈ છે. 
 

 Geneva Summit: હાથ મળ્યા, શું દિલ પણ મળશે? પુતિન અને બાઇડેન વચ્ચે પ્રથમવાર થઈ મુલાકાત

જિનેવાઃ વૈશ્વિક રાજનીતિમાં એકબીજાના કટ્ટર વિરોધી તરીકે ચર્ચિત અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિઓની બુધવારે જિનેવા સમિટ દરમિયાન મુલાકાત થઈ છે. આ સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેમના રશિયા સમકક્ષ વ્લાદિમીર પુતીન સાથે ઘણી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં બન્ને એકબીજાને હાથ મિલાવતા જોવા મળી રહ્યાં છે. પરંતુ હજુ સુધી બન્ને નેતાઓ વચ્ચે કોઈ મહત્વનો કરાર કે સમજુતીની માહિતી સામે આવી નથી. તેવામાં તે સવાલ જરૂર ઉઠે છે કે હાથ મિલાવ્યો પરંતુ શું દિલ પણ મળશે? પહેલાથી જ આ સમિટને લઈને વધુ આશા રાખવામાં આવી રહી નથી. પરંતુ બન્ને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. 

જિનેવા સમિટ પહેલા બન્નેએ આશા વ્યક્ત કરી હતી કે આ વાર્તા દ્વારા સંબંધો સ્થિર થઈ શકશે. અમેરિકી ચૂંટણીમાં રશિયાના દળકના આરોપો અને યૂક્રેનના મામલાને લઈને બન્ને દેશો વચ્ચે તણાવ જોવા મળ્યો છે. એક અમેરિકી અધિકારીએ કહ્યું કે, બન્ને નેતાઓ વચ્ચે 4થી 5 કલાક મુલાકાત થઈ શકે છે. સાથે તેમણે કહ્યું કે, આ બેઠકથી કોઈ મોટા પરિણામની વધુ આશા નથી. બુધવારે બપોરે બાઇડેન અને પુતિન સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. તો વ્લાદિમીર પુતિનના વિદેશ સલાહકાર યૂરી ઉશાકોવે કહ્યુ કે, તેમને આ વાતનો વિશ્વાસ નથી કે આ સમિટમાં કોઈ પરિણામ સુધી પહોંચી શકાશે. 

યૂક્રેન પર હુમલો કરી ક્રીમિયામાં રશિયા તરફથી 2014માં દખલ વધાર્યા બાદ બન્ને દેશોના સંબંધો નિચલા સ્તર પર પહોંચી ગયા હતા. આ સિવાય 2015માં સીરિયામાં રશિયાના દખલ  અને પછી 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદના આરોપો પણ રશિયા પર લાગ્યા હતા. પરંતુ પુતિન પ્રશાસને આ આરોપોને નકારી દીધા હતા. બન્ને દેશો વચ્ચે સંબંધ આ વર્ષે માર્ચમાં પણ ખરાબ થયા જ્યારે બાઈડેને પુતિનને કિલર ગણાવ્યા હતા. ત્યારબાદ રશિયા અને વોશિંગટને પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. તેના જવાબમાં એપ્રિલમાં અમેરિકાએ રશિયાથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news