ભારતમાં કોરોનાના ભયંકર પ્રકોપને પગલે અમેરિકાએ લીધો મોટો નિર્ણય, 4 મેથી થશે અમલ
ભારતમાં કોરોના (Corona) ના વધતા કેસને પગલે અમેરિકાએ હવાઈ મુસાફરી પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે.
Trending Photos
વોશિંગ્ટન: ભારતમાં કોરોના (Corona) ના વધતા કેસને પગલે અમેરિકાએ હવાઈ મુસાફરી પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે. જો બાઈડેન પ્રશાસન 4 તારીખથી ભારત મુસાફરી પર રોક લગાવવા જઈ રહ્યા છે. વ્હાઈટ હાઉસે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા 4 મેથી ભારતથી આવતા મુસાફરો પર રોક લગાવશે. આ ઉપરાંત એવા વિદેશીઓને પણ દેશમાં પ્રવેશ નહીં મળે જેમણે છેલ્લા 14 દિવસમાં ભારત પ્રવાસ કર્યો છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ એક નિવેદનમાં કહ્યું કે રોગ નિયંત્રક અને રોકથામ કેન્દ્રની સલાહ પર આ નિર્ણય લેવાયો છે.
India જવાથી બચવાની આપી હતી સલાહ
જેન સાકીએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં અસાધારણ રીતે વધારો થઈ રહ્યો છે અને ત્યાં કોવિડના અનેક પ્રકારના વેરિએન્ટ ફેલાઈ રહ્યા છે. જેને જોતા ભારતની મુસાફરી પર રોક લગાવવાનો આદેશ 4 મેથી પ્રભાવી થશે. નોંધનીય છે કે આ અગાઉ અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની મુસાફરી ન કરવાની અને જલદી દેશ છોડવાની સલાહ આપી હતી.
આ દેશોએ પણ લગાવ્યો છે પ્રતિબંધ
ભારત મુસાફરી પર પ્રતિબંધ લગાવનારો અમેરિકા પહેલવહેલો દેશ નથી. આ અગાઉ બ્રિટન, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, યુએઈ, પાકિસ્તાન અને સિંગાપુર સહિત અન્ય દેશોએ પણ આ પ્રકારના પ્રતિબંધ લગાવેલા છે. બીજી બાજુ કેનેડા, હોંગકોંગ અને ન્યૂઝીલેન્ડે પણ હાલ કોરોના મહામારીના જોખમના પગલે ભારત સાથે તમામ કોમર્શિયલ મુસાફરી સસ્પેન્ડ કરી છે.
છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,993 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,91,64,969 પર પહોંચ્યો છે. જ્યારે 1,56,84,406 લોકો રિકવર પણ થયા છે. એક જ દિવસમાં 3523 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,11,853 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 32,68,710 લોકો સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં 15,49,89,635 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે