બિન મૌસમ બરસાતથી ગુજરાતના ખેડૂતો પર આવી મોટી આફત, કેરીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો
Unseasonal Rain : ગુજરાતમાં અણધાર્યા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભીતિ સેવાઈ છે, ખાસ કરીને કેરી અને ચીકુના ખેડૂતોને પાક બચાવવા મથામણ કરવી પડી રહી છે... જો કમોસમી વરસાદ વધુ પડે તો કેરીનો 30 ટકા પાક પણ ફેલ જવાની ભીતિ છે
Trending Photos
Gujarat Farmers : ગુજરાતમાં બિન મૌસમ બરસાતથી અડધા રાજ્યમાં કમોસમી વરસાદ આવ્યો છે. આ માવઠું ગુજરાતના ખેડૂતો માટે મોટું સંકટ બનીને આવ્યો છે. ખાસ કરીને હાલ દક્ષિણ ગુજરાતમાં કેરીની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે. જિલ્લાના નવસારી, ગણદેવી, ચીખલી અને વાંસદા પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે ભેજ અને ગરમીનું પ્રમાણ વધ્યું છે, જેને લીધે કેરી અને ચીકુના પાકમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે એવી સંભાવના વધી છે.
ચીકુ ઉતરવાના સમયે જ વરસાદ આવ્યો
વાતાવરણમાં છેલ્લા થોડા વર્ષોથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સતત વધતી ગરમીને કારણે ઋતુચક્ર પર તેની અસર વર્તાઈ રહી છે. જેના કારણે ખેતીની મોસમ પણ પાછળ ઠેલાઈ રહી છે. ગત મહિનાઓમાં ગરમીને કારણે ચીકુમાં ફ્લાવરિંગ પર અસર થઈ હતી અને નવેમ્બરમાં શરૂ થતો ફાલ પાછળ ઠેલાયો હતો. હવે જ્યારે માર્ચ એપ્રિલમાં ચીકુનું ઉત્પાદન ઉતારવાનો સમય આવ્યો છે, ત્યારે વધુ પડતી ગરમી ચીકુ માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. કારણ ગરમીને કારણે ઝાડ પર જ ચીકુના ફળો પાકી જવા સાથે તેનું ખરણ થઈ રહ્યું છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વાદળછાયુ વાતાવરણ ઘેરાતા કમોસમી વરસાદ પડવાની ભીતિ વધી હતી અને થયું પણ એવું જ.
કેરીઓને લીગી શકે છે રોગ
જિલ્લાના નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાસદા પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મન મૂકીને વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. કારણ આ વર્ષે કેરીનો પાક 25 થી 30 ટકા જોવાઈ રહ્યો છે, એમાં પણ માવઠા સાથે જ ભેજ અને ત્યારબાદ ગરમી વધતા આંબાવાડીમાં સુકારાનો અને ફૂગજન્ય રોગ લાગવાની સંભાવના વધી છે. જેની સાથે જ કેરીનું ફળ પણ મોટું થવાને બદલે નાનું જ પાકી જાય એવી સ્થિતિ જોવાઈ રહી છે. જ્યારે ચીકુમાં પણ જીવાત લાગવા સાથે ખરણની સંભાવના વધી છે. જેથી ખેડૂતોને આ વર્ષે કેરી સહિત ચીકુમાં પણ નુકસાની વેઠવી પડશે.
વરસાદથી કેરીનો 30 ટકા પાક ફેલ જશે
વલસાડમાં કમોસમી વરસાદે લગ્નસરાની સીઝન બગાડી છે. વરસાદના કારણે લગ્નનું આયોજન કરતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એકાએક પડેલા કમોસમી વરસાદના કારણે વલસાડ ખાતે યોજાનાર 111 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્નમંડપનો સામાન તથા ડીજે ના સામાન ભીંજાઈ ગયો હતો. તો કેટલી જગ્યા ઉપર લગ્ન મંડપમાનો કિંમતી સામાન આયોજકો દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો. કમોસમી પડેલા વરસાદના કારણે વલસાડ જિલ્લામાં આવેલા તમામ મંડપોમાં ભારે નુકશાન થશે સાથે કેરીના પાકમાં પણ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ગરમીના કારણે વલસાડ જિલ્લામાં 30 ટકા જેટલી જ કેરી બચી છે. જો કમોસમી વરસાદ વધુ પડે તો કેરીનો 30 ટકા પાક પણ ફેલ જવાની ભીતિ સતાવી રહી છે. ત્યારે વલસાડના ધારાસભ્ય દ્વારા પણ ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જો કેરીના પાકમાં વધુ નુકસાન જાય તો તેમના દ્વારા રજૂઆત કરી ખેડૂતોને સહાય આપવામાં આવશે.
અણધાર્યા વરસાદથી લોકોના પ્રસંગો બગડ્યા
પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું. કાળઝાળ ગરમીના વાતાવરણમાં વહેલી સવારથી પ્રસરેલી ઠંડકે ગરમીમાં આંશિક રાહત આપી છે. મોરવા હડફ, કાલોલ, ગોધરા, ઘોઘંબા સહિતના ગ્રામ્ય પંથક કમોસમી વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં ચોમાસા જેવો બદલાવ આવ્યો છે. જોકે વરસાદી વાતાવરણથી લગ્ન સહિતના માંગલિક પ્રસંગના આયોજકો ચિંતિત થયા છે. આવતી કાલે અમિત શાહ ગોધરામાં આવવાના હોઈ વરસાદી વાતાવરણથી જિલ્લા ભાજપ સહિતના આયોજકો પણ ચિંતામાં મૂકાયા છે. ગોધરામાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. તો ઘાસચારો પલળી જતા ખેડૂતો અને પશુપાલકો પણ ચિંતામાં મૂકાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે