અમૂલના બિઝનેસમાં ભારે ઉછાળો, 2018-19માં 33,000 કરોડ રૂપિયાથી વધુનું કર્યું ટર્નઓવર
Trending Photos
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન કે જે બ્રાન્ડ અમૂલ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના ધ્વારા તા.૩૧મી માર્ચ ૨૦૧૯ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન રૂા.૩૩,૧૫૦ કરોડનુ પ્રોવિઝનલ ટર્નઓવર હાંસલ કરવામાં આવ્યુ છે. અમૂલ ફેડરેશન ધ્વારા હાંસલ કરવામાં આવેલું ટર્નઓવર ગત નાણાંકીય વર્ષની તુલનામાં ૧૩ ટકા જેટલુ વધારે છે. અમૂલ ફેડરેશન ધ્વારા દૂધના વધુ એકત્રીકરણ, નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતાનો ઉમેરો, નવાં બજારોનો સતત ઉમેરો કરીને તથા નવી દૂધ અને દૂધની બનાવટોને બજારમાં મુકીને છેલ્લા ૯ વર્ષથી ૧૭.૫ ટકાથી વધુ સરેરાશ વાર્ષિક સંચલિત વૃધ્ધિદર (CAGR) હાંસલ કરતું રહયુ છે.
અમૂલ ફેડરેશન અને તેના સંલગ્ન ૧૮ સભ્ય સંઘોએ રૂા.૪૫૦૦૦ કરોડથી વધુનુ પ્રોવિઝનલ, અનડુપ્લીકેટેડ ગ્રુપ ટર્નઓવર વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન કર્યુ છે જે ગત વર્ષની તુલનામાં ૧૩ ટકા વધારે છે. અમૂલ ફેડરેશનના ૧૮ સભ્યો દૂધ સંઘો ધ્વારા ગુજરાતના ૧૮,૭૦૦ થી વધુ ગામોમાં ૩૬ લાખથી વધુ દૂધ ઉત્પાદકો પાસેથી વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન દૈનિક સરેરાશ ૨૩૦ લાખ લીટર દૂધનુ એકત્રીકરણ કર્યું છે જે ગયાવર્ષની તુલનામાં ૧૦ ટકા વધારે છે.
અમૂલ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમૂલ ફેડરેશનને વ્યાપક વિસ્તરણના મંત્રનુ ખૂબ જ સમૃધ્ધ ડિવિડન્ડ હાંસલ થયું છે. બજારમાં અમૂલની પ્રોડકટસની માંગમાં થઈ રહેલા આંદાજીત વધારા અને અમારા ભવિષ્યના માર્કેટીંગના પ્રયાસોને ધ્યાનમાં લેતાં આગામી પાંચ વર્ષમાં અમૂલના બિઝનેસમાં ઓછામાં ઓછો ૨૦ ટકાનો એકંદર સરેરાશ વાર્ષિક સંચલિત વૃધ્ધિદર રહેવાની અપેક્ષા છે. અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન જેઠાભાઇ ભરવાડે વધુમાં જણાવ્યું કે અમૂલ તેની હાલની દૂધની પ્રોસેસિંગની દૈનિક ૩૫૦ લાખ લીટરની ક્ષમતા આગામી 2 વર્ષમાં વધારીને દૈનિક 380 થી 400 લાખ લીટર કરવા માગે છે.
અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર ડૉ. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે અમે તમામ પ્રોડકટ કેટેગરીના વેચાણમાં વધારો કર્યો છે. પાઉચ મિલ્ક કે જે સૌથી વધુ ટર્નઓવર ધરાવતી પ્રોડકટ છે, તેણે લગભગ તમામ બજારોમાં સારી વૃધ્ધિ દર્શાવી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે તમામ પ્રોડકટ કેટેગરીમાં અમે વેચાણ કદમાં બે આંકડાનો વૃધ્ધિ દર હાંસલ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮-૧૯ના નાણાંકિય વર્ષ દરમ્યાન અમે વિવિધ પ્રકારના ફ્લેવર્ડ મિલ્ક અને ચોકલેટ ઉપરાંત ફ્રૂટ આધારિત અમૂલ ટ્રુ, કેમલ મિલ્ક અને તદૃન નવી કૂલ્ફી રેન્જ બજારમાં મૂકી હતી. વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં રૂા.૫૦,૦૦૦ કરોડોનુ વેચાણ ટર્નઓવર હાંસલ કરવા માટે અમૂલ ફેડરેશન અને દૂધ સંઘો કટિબધ્ધ છે તેમ તેઓએ જણાવ્યુ હતું. અહીં એ નોંધવુ મહત્વનુ ગણાશે કે અમૂલ ફેડરેશન ધ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં પ્રતિકૂળ પરિસ્થિતી હોવા છતાં પણ આ સિધ્ધી હાંસલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે