FM Nirmala Sitharaman એ કહ્યું, ભારતીય અર્થતંત્રની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે SBI જેવી વધુ 4-5 બેન્કોની જરૂર
નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) જણાવ્યું છે કે આપણે અર્થતંત્ર અને ઉદ્યોગોની તાજેતરની બદલાતી વાસ્તવિકતાઓને નજર સમક્ષ રાખીને બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કોને વધારે સશક્ત બનાવવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) જણાવ્યું છે કે ભારતને SBI જેવી વધુ ચાર અથવા પાંચ બેન્કોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે અર્થતંત્ર અને ઉદ્યોગોની તાજેતરની બદલાતી વાસ્તવિકતાઓને નજર સમક્ષ રાખીને બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કોને વધારે સશક્ત બનાવવાની જરૂર છે.
નાણાં મંત્રી (Finance Minister) એ જણાવ્યું હતું કે, "જે રીતે અર્થતંત્ર એક સાથે જુદા-જુદા ક્ષેત્રે પરિવર્તન પામી રહ્યું છે, જે રીતે ઉદ્યોગો અનુકૂલન સાધી રહ્યાં છે, તે જોતા અનેક નવા પડકારો ઊભા થવાનું ચાલું રહેશે. આ પડકારોને પહોંચી વળવા માટે, આપણે માત્ર વધારે નહીં પરંતુ વધારે મોટી બેન્કોની જરૂર છે." મુંબઇ (Mumbai) માં ભારતીય બેન્ક સંગઠન (IBA)ની 74મી વાર્ષિક સામાન્ય સભામાં પોતાના વ્યક્તવ્ય દરમિયાન કેન્દ્રીય મંત્રીએ બેન્કિંગ (Banking) સમુદાય સમક્ષ પોતાના આ વિચારો રજૂ કર્યા હતા.
નાણાં મંત્રી (Finance Minister) એ બેન્કિંગ સમુદાયને વર્તમાન અને લાંબાગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતીય બેન્કિંગ ક્ષેત્રની કલ્પના કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "જો આપણે કોવિડ પછીની પરિસ્થિતિ પર નજર કરીએ તો, ભારતની બેન્કિંગ વ્યવસ્થાની રૂપરેખા ભારત (India) માટે ખૂબ જ વિશિષ્ટ જોવા મળે છે, જ્યાં ડિજિટાઇઝેશનની અત્યંત સફળ સ્વીકૃતિ જોવા મળે છે. એકતરફ જ્યાં અનેક દેશોમાં બેન્કો મહામારી દરમિયાન તેમના ગ્રાહકો સુધી પહોંચી શકી નથી ત્યારે ભારતીય બેન્કોમાં ડિજિટલ સેવાઓના સ્તરે આપણને DBT અને ડિજિટલ વ્યવસ્થાઓના માધ્યમથી નાના, મધ્યમ અને મોટા ખાતાધારકોને નાણાની હેરફેર કરવામાં મદદ કરી છે."
કેન્દ્રીય મંત્રી (Finance Minister) એ ભારતીય બેન્કિંગ ઉદ્યોગના ટકાઉ ભવિષ્યના સર્જનમાં અનંત અને આંતરસંકલિત ડિજિટલ વ્યવસ્થાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ભારતીય બેન્કિંગનું લાંબાગાળાનું ભવિષ્ય મોટાભાગે ડિજિટલ પ્રક્રિયાઓથી સંચાલિત થવા જઇ રહ્યું છે."
ડિજિટલ સેવાઓ (Digital Service) ના ફાયદાઓ અંગે નાણામંત્રીએ નિરીક્ષણ કર્યુ હતું કે, નાણાકીય સેવાઓની ઉપલબ્ધિમાં વ્યાપક પ્રમાણમાં અસમાનતાઓ રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે આપણાં દેશમાં તેવા અનેક ભાગો છે જ્યાં માળખાકીય બેન્કોની જરૂર છે. નાણામંત્રીએ IBAને તર્કસંગત અભિગમ અને ડિજિટલ ટેક્નોલોજીઓના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા દરેક જિલ્લાઓમાં બેન્કિંગની ઉપલબ્ધિ સુધારવા વિનંતી કરી હતી.
નાણાં મંત્રી (Finance Minister) એ IBAને સલાહ આપતાં જણાવ્યું હતું કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દેશના દરેક જિલ્લા માટે તમામ બેન્ક શાખાઓનું ડિજિટલ સ્થાન-આધારિત મેપિંગ હાથ ધરવાની ક્વાયત હાથ ધરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, "7.5 લાખ પંચાયતોમાં આશરે લગભગ ત્રીજા ભાગની પંચાયતો ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન ધરાવે છે, IBA આ બાબત વિચારણામાં લેવી જોઇએ અને ક્વાયત હાથ ધરીને નક્કી કરવું જોઇએ કે કયા સ્થળે બેન્કોની ભૌતિક હાજરીની જરૂર છે અને કયા સ્થળે ગ્રાહકોને ભૌતિક શાખા વગર સેવા પૂરી પાડી શકાય તેમ છે. IBAએ એક પહેલ હાથ ધરવી જોઇએ અને ખાસ કરીને સેવા નહીં અપાતા અને અપૂરતી સેવાઓ ધરાવતા ક્ષેત્રોમાં નાણાકીય સમાવેશ અને નાણાકીય સેવાઓની ઉપલબ્ધિ વધારવાના સરકારના પ્રયત્નોને પૂરક બનવું જોઇએ."
2030 સુધીમાં 1 ટ્રિલિયન ડૉલરનો નિકાસ લક્ષ્યાંક
નાણાં મંત્રી (Finance Minister) એ બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓને ઝડપથી બદલાતી ટેક્નોલોજી સાથે ઝડપથી અનુકૂળ બનવાની યાદ અપાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે આપણે જેને અદ્યતન સમજીએ છીએ તે એકાદ વર્ષમાં અપ્રચલિત બની જશે, આમ આપણે આપણી જાતને સતત અદ્યતન કરવા માટે વિવિધ સ્રોતો પ્રાપ્ત કરતા રહેવાની જરૂર પડશે."
આપણે જ્યારે આપણાં માટે મહત્ત્વાકાંક્ષી નિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા સક્ષમ બનવા માંગીએ છીએ ત્યારે ભારતમાં આવી કૂશળતા અને સ્ફૂર્તી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તેમણે જણાવ્યું હતું કે, "આપણે પોતાના માટે 2030 સુધી 2 ટ્રિલિયન ડૉલરનો નિકાસ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં વ્યાપાર ક્ષેત્રની નિકાસમાં 1 ટ્રિલિયન ડૉલર અને સેવા ક્ષેત્રની નિકાસમાં 1 ટ્રિલિયન ડૉલર નિકાસનો સમાવેશ થાય છે.
મહામારી પછી ઝડપથી પરિવર્તનના યુગમાં, આપણે ગ્રાહકો સામે કેવો દૃષ્ટિકોણ અપનાવીએ છીએ તેમાં અનેક પડકારો ઊભા થવાના છે. જ્યાં સુધી બેન્કો વિવિધ વ્યવસાયો અને ક્ષેત્રોની ઊંડાણપૂર્વક સમજણ સાથે કૂશળ નહીં બને ત્યાં સુધી આ પડકારોનો સામનો કરી શકાશે નહીં. આથી, વિવિધ ક્ષેત્રો અને અનેક વ્યવસાયો જે ઝડપથી ભારતમાં પુનઃસ્થાપિત કરી રહ્યાં છે તેમની વિશિષ્ટ વ્યાવસાયિક જરૂરિયાતો સમજવા માટે તજજ્ઞ બનવાની જરૂર છે."
નાણાં મંત્રી (Finance Minister) એ તાજેતરમાં રચાયેલી હિસાબી સંકલિત માળખાના લાભો અંગે પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "જો આ માળખાનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો આપણે વિશિષ્ટ ધીરાણ સહાયતાની જરૂર પડશે નહીં. સરકાર RBI સાથે મળીને નિયમનો અને માળખાની રચના કરવામાં અને ઉદ્યોગમાં ડિજિટલ વ્યવસ્થાઓ દ્વારા વધારે સશક્ત બનવામાં મદદ કરી રહી છે."
નાણાં મંત્રી (Finance Minister) એ દેશના પૂર્વીય ક્ષેત્રમાં બેન્કિંગની પહોંચ વધારવાની ઊચ્ચ સંભાવના અંગે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આ દેશનુ પૂર્વીય ક્ષેત્ર CASA (ચાલુ ખાતુ બચત ખાતુ)થી વધારે અનુકૂળતા ધરાવે છે, પરંતુ ત્યાં ધીરાણ લેનારું કોઇ નથી, તમારે આ સમસ્યાને ઉકેલવાની છે અને પછી તમે આ વિસ્તારોમાં બિહાર જેવા રાજ્યોની જેમ કેવી શરૂઆત કરો છો તે જૂઓ."
“UPIનું મજબૂતીકરણ”
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, UPIને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, “ચુકવણીની દુનિયામાં આજે, ભારતીય UPI એ વાસ્તવમાં ખૂબ મોટી છાપ ઉભી કરી છે. રૂપે (RuPay) કાર્ડ હાલમાં વિદેશી કાર્ડની જેમ આકર્ષક હોવાની સાથે સાથે દુનિયાના સંખ્યાબંધ ભાગોમાં તેને સ્વીકારવામાં પણ આવે છે, જે ભારતના ભવિષ્યવાદી ડિજિટલ ચુકવણીના ઇરાદાઓનું પ્રતિક છે.” નાણામંત્રીએ બેન્કરોને વિનંતી કરી હતી કે, ફીનટેક કંપનીઓ સમજે છે કે, UPI તેમની કરોડરજ્જૂ સમાન છે અને તમારે તેને તેની અપનાવવું પડશે, UPIને તમારે મજબૂત બનાવવાનું છે.
“તમે સુનિશ્ચિત કર્યું છે કે બેંકનું વિલીનીકરણ ઘર્ષણ વગર થયું છે”
નાણાં મંત્રી (Finance Minister) એ કોવિડ-19 મહામારીના સમય દરમિયાન પણ ગ્રાહકોને આપવામાં આવતી સેવામાં કોઇપણ પ્રકારનો વિક્ષેપ પહોંચ્યા વગર બેન્કોના વિલીનીકરણની કામગીરીનો અમલ કરવામાં આવ્યો તે માટે બેન્કોની પ્રશંસા કરી હતી. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, “વિલીનીકરણની પ્રક્રિયાના કારણે ગ્રાહકોને કોઇપણ પ્રકારની અસુવિધા ના આવે તે સુનિશ્ચિત કરવા બદલ તમે કરેલી કામગીરીની હું પ્રશંસા કરુ છુ. અલગ અલગ બેન્કોની સિસ્ટમ એકબીજાના આધાર બનીને કામ કરે તેવું તમે સુનિશ્ચિત કર્યું છે, તેમ મહામારીના સમયમાં પણ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા માટે તમારી જાતને ઉપબલ્ધ રાખી છે, અને સાથે સાથે કોઇપણ પ્રકારની ખામી વગર બેન્કોના વિલીનીકરણની કામગીરી ઘર્ષણ વગર પાર પડે તેવું પણ સુનિશ્ચિત કર્યું છે.”
“NARCL બેડ બેન્ક નથી”
નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યૂશન કંપની લિમિટેડની સ્થાપના કરવા માટે એકજૂથ થવા બદલ IBAનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “NARCL અને IDRCL સાથે મળીને કામ કરવાથી NPAને રિસ્ટ્રક્ચર કરી શકશે અને વેચી શકશે.”
નાણાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, NARCL બેડ બેન્ક નથી. તેમણે કહ્યું હતું કે, “આ એવું ફોર્મ્યુલેશન છે જેનો મૂળ ઇરાદો બેન્કોની અસ્કયામતોને સાફ કરવાનો અને ઝડપથી NPAનો નિકાલ કરવાનો છે. બેન્કો હવે બજારમાંથી તેમના નાણાં ઉભા કરી શકે છે જેથી બેન્કોનું પુનઃમુડીકરણ કરવાનું સરકાર પરનું ભારણ ઓછું થઇ જશે. આ કંઇક એવું છે કે બેન્કો આ રીતે કામ કરે તેવું અમે ઇચ્છતા હતા – એટલે કે ઘણા વધુ પ્રોફેશનલ રીતે, બદલાયેલી માનસિકતા સાથે.” નાણાં મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પ્રોફેશનલ બનવા માટે અત્યારે તદ્દન યોગ્ય સમય છે. તેમણે કહ્યું હતું કે, બેન્કોનું મૂલ્યાંકન એકદમ તીક્ષ્ણ હોવું જોઇએ, તમને યોગ્ય ખર્ચે યોગ્ય પ્રકારની રકમ ઉભી કરવા માટે સમર્થ બનાવે તેવું હોવું જોઇએ.
“વિકાસની જરૂરિયાતોને નાણાં પૂરા પાડવા માટે ખાનગી ક્ષેત્રના DFIની જરૂર છે”
નાણાં મંત્રીએ ખાનગી ક્ષેત્રમાં પણ વિકાસ નાણાકીય સંસ્થાઓના મહત્વ અને જરૂરિયાતને રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, "સરકાર વિકાસ નાણાકીય સંસ્થાઓ સાથે આવી રહી છે, અને સાથે સાથે, અમે ખાનગી ક્ષેત્રમાં આવવા માટે DFI માટે પણ પૂરતી જોગવાઈઓ કરી છે. અમને આશા છે કે, જાહેર અને ખાનગી ક્ષેત્રની DFI વચ્ચે સારી હરીફાઇ થશે, જેથી નાણાં સ્પર્ધાત્મક દરે ઉપલબ્ધ થઇ શકે.”
નાણાં મંત્રીએ યાદ કર્યું કે, પ્રધાનમંત્રીએ આપણી માનસિકતા અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂર હોવાનું કહ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે IBA પ્રધાનમંત્રીના આ આહ્વાનને અનુસરશે. તેમણે જણાવ્યું હતું કે, "આપણે ભારતના અર્થતંત્રના ખૂબ જ નિર્ણાયક તબક્કે આવીને ઉભા છીએ, તમે તેની કરોડરજ્જુ સમાન છો, આ પ્રસંગે હું શુભેચ્છા વ્યક્ત કરું છુ કે IBAનો ઉદય થાય અને ભારતને શ્રેષ્ઠ નાણાકીય સેવાઓ પ્રદાન કરે."
નાણાં મંત્રીએ નવા ડિજિટલ અને કનેક્ટેડ યુગની બદલાતી વાસ્તવિકતાઓને અનુરૂપ બેન્કોના કોર્પોરેટ કમ્યુનિકેશન્સ અંગે ફરીથી વિચાર કરવાનું અને તેમાં વૃદ્ધિ કરવાનું આહ્વાન કર્યું હતું. નિર્મલા સિતારમણે પોતાના સંબોધનના આરંભમાં, કોવિડ-19 મહામારી દરમિયાન રાષ્ટ્રની સેવા આપતી વખતે પોતાનો જીવ ગુમાવનારા બેંકિંગ ઉદ્યોગના તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે