Valentine Special: જાણો બોલીવુડના એવા સિતારાઓની કહાની જેમનો પહેલો પ્રેમ રહી ગયો અધૂરો

સામાન્ય રીતે રિયલ લાઈફની સ્ટોરી રિલ લાઈફ કરતા હટકે હોય છે. ઘણાં બોલીવુડના એવા નામચીન એક્ટર-એક્ટ્રેસીસ છે જેમને એકબીજા સાથે પ્રેમ થયો. પરંતુ સંજોગોવસાત તેઓ એક ન થઈ શક્યા. આજે અમે તમને આવી જ કેટલીક ટ્રેજિક લવસ્ટોરી વિશે જણાવીશું જે અધૂરી રહી અને નિષ્ફળ પ્રેમગાથાની લિસ્ટમાં શામેલ થઈ ગઈ.

Valentine Special: જાણો બોલીવુડના એવા સિતારાઓની કહાની જેમનો પહેલો પ્રેમ રહી ગયો અધૂરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રેમ...પ્રેમ કરવો અને તેને પામવો દરેકના નસીબની વાત નથી હોતી. હાં કેટલાક લોકો નસીબદાર હોય છે કે તેમનો જીવનસાથી તે જ વ્યક્તિ હોય છે જેને તેણે દિલથી પ્રેમ કર્યો હોય. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જેનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો હોય. આપણા બોલીવુડમાં પણ કેટલાક સેલિબ્રિટી એવા છે અને એવા થઈ ગયા જેમણે પોતાના દિલોજાનથી કોઈને પ્રેમ કર્યો હોય. પરંતુ ક્યાંક સમાજ, પરિવાર કે પછી પોતાના જ અહંકારનાં કારણે વિખૂટા પડવાનો દિવસ આવ્યો હોય છે.

સામાન્ય રીતે રિયલ લાઈફની સ્ટોરી રિલ લાઈફ કરતા હટકે હોય છે. ઘણાં બોલીવુડના એવા નામચીન એક્ટર-એક્ટ્રેસીસ છે જેમને એકબીજા સાથે પ્રેમ થયો. પરંતુ સંજોગોવસાત તેઓ એક ન થઈ શક્યા. આજે અમે તમને આવી જ કેટલીક ટ્રેજિક લવસ્ટોરી વિશે જણાવીશું જે અધૂરી રહી અને નિષ્ફળ પ્રેમગાથાની લિસ્ટમાં શામેલ થઈ ગઈ. તો ચાલો વેલેન્ટાઈન વીકમાં જોઈએ એવા બોલીવુડ સ્ટાર્સની લવ સ્ટોરી જે પડદા પર તો હીટ થઈ પરંતુ રિયલ લાઈફમાં નહીં. તેમ છતાં પણ આજે બોલીવુડના બી ટાઉનથી માંડીને સામાન્ય લોકોની જીભે તેમની લવસ્ટોરી અમર થઈ ગઈ.

અમિતાભ બચ્ચન-રેખા
આ લિસ્ટમાં પહેલુ નામ આવે છે મહાનાયક અમિતાભ બચ્ચન અને એવરગ્રીન એક્ટ્રેસ રેખાનું. બંનેની લવસ્ટોરીના કિસ્સા આજે પણ ટોક ઓફ ધ ટાઉન છે. અમિતાભ અને રેખાનું અફેર લગ્ન બાદ પણ ચાલતુ રહ્યું. તમને જણાવી દઈએ કે, બંને એકબીજાની નજીક ફિલ્મ ‘દો અનજાને’થી આવ્યા. એટલુ જ નહીં વર્ષ 1981માં યશ ચોપડાએ અમિતાભ અને રેખાના સંબંધોને લઈ ફિલ્મ ‘સિલસિલા’ બનાવી હતી. આ ફિલ્મમાં બિગ બીની પત્ની જયાએ મહત્વનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં છેલ્લીવાર અમિતાભ અને રેખા છેલ્લીવાર સાથે દેખાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી બંને ક્યારેય ઓફસ્ક્રીન કે ઓનસ્ક્રીન પર એકબીજા સાથે ક્યાંય દેખાયા નથી.

દેવ આનંદ-સુરૈયા
દેવ આનંદ અને સુરૈયાની પ્રેમ કહાની કોઈનાથી છુપાયેલી નથી. દેવ ખુલ્લેઆમ કહેતા હતા કે સુરૈયા તેમનો પહેલો પ્રેમ હતી. પરંતુ તેઓ ક્યારેય એક નથી થઈ શક્યા. 1948માં આવેલી ફિલ્મ ‘વિદ્યા’માં પહેલીવાર બંનેએ સાથે કામ કર્યુ. ત્યારબાદ બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી. આ દરમિયાન બંને વચ્ચેનો પ્રેમ પણ વધુને વધુ ગાઢ થતો ગયો. પરંતુ દેવ અને સુરૈયાની લવ સ્ટોરીમાં વિલન બન્યા સુરૈયાના નાની. બંનેના ધર્મ અલગ હોવાના કારણે સુરૈયાના નાનીએ આ સંબંધને આગળ વધારવાની મનાઈ ફરમાવી દીધી. સુરૈયાના જીવનમાં દેવ આનંદની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી હતી. તે જમાનામાં સુરૈયા એક સફળ એક્ટ્રેસ બની. જ્યારે સુરૈયાના નાનીને તેના પ્રેમ પ્રકરણની ખબર પડી ત્યારે તેમણે દેવ માટે ઘરના બારણાં બંધ કરી દીધા. સુરૈયાને પણ ઘરમાં બંધ કરી દીધી. તેઓ જલ્દીથી જલ્દી સુરૈયાના લગ્ન કરાવવા માગતા હતા. જ્યારે દેવ આનંદ સુરૈયા સાથે ભાગીને કોર્ટ મેરેજ કરવા માંગતા હતા. બંને બાજુની સ્થિતિને જોતા છેલ્લો નિર્ણય સુરૈયાએ જ કરવાનો હતો. પરિવારના દબાણની આગળ સુરૈયાને નમતુ જોખવુ પડ્યું. તેણે દેવ સાથે પોતાના પ્રેમ સંબંધોનો છેડો ફાડી નાંખ્યો. પરંતુ સાથે જ તેણે આખી ઉંમર અવિવાહિત રહેવાનો નિર્ણય લીધો.

રાજકપૂર- નરગિસ
નરગિસ અને રાજકપૂરની લવ સ્ટોરી પણ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચાઈ. આજે પણ લોકો તેમની લવસ્ટોરીને યાદ કરે છે. બંને એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા. પરંતુ તેમના સંબંધોનો અંત દુઃખદ આવ્યો. નરગિસ સાથે પ્રેમ થયો તે પહેલાથી રાજકપૂર પરણિત હતા. તેઓ ન તો નરગિસને છોડવા માગતા હતા ન કે પરિવારને છોડવા માગતા હતા. જ્યારે નરગિસને આ વાતની ખબર પડી ત્યારે તે હિંમત હારી ગઈ. નરગિસના લગ્ન સંજય દત્તના પિતા સુનીલ દત્ત સાથે થયા.

સલમાન ખાન-એશ્વર્યા રાય
સલમાન ખાન અને એશ્વર્યાની લવ સ્ટોરી એવી સ્ટોરીઓ પૈકીની એક છે જે ક્યારેય ભૂલી ન શકાય. પોતાની જ ભૂલોના કારણે સલમાને પોતાના સુંદર સંબંધોનો અંત લાવી દીધો. સલમાન અને એશ્વર્યાની પ્રેમગાથા વર્ષ 1997માં શરૂ થઈ હતી. ત્યારે સલમાન ખાન સુપરસ્ટાર બની ચૂક્યા હતા. જ્યારે એશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને બોલીવુડમાં એન્ટ્રી કરી જ હતી. એવુ પણ સાંભળવા મળ્યુ છે કે ત્યારે સલમાન ખાને એશ્વર્યાનું કરિયર બનાવવાનું બીડુ ઝડપ્યુ હતું. ઘણાં પ્રોડ્યુસર પાસે સલમાન ખાને એશ્વર્યાની શિફારિશ પણ કરી હતી. બંને ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી મોટી ફિલ્મમાં પહેલીવાર એકસાથે જોવા મળ્યા.આ એ જ ફિલ્મ હતી, જ્યાંથી સલમાન અને એશ્વર્યાની લવસ્ટોરીની શરૂઆત થઈ. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એખબીજાની નજીક આવ્યા. એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા. ઘણા લોકો તો એવુ પણ કહે છે કે ફિલ્મમાં બંનેની જે કેમેસ્ટ્રી જોવા મળી હતી તેની પાછળનું સાચુ કારણ બંનેનો પ્રેમ જ હતો. એક દિવસ અડધી રાત્રે સલમાન ખાન એશ્વર્યાના ઘરે પહોંચી ગયો. જોરજોરથી દરવાજો પછાડવા લાગ્યો. ગુસ્સામાં 19મા માળેથી કૂદવાની ધમકી આપી હતી. સલમાનનું આવુ વર્તન અડધી રાત્રે શરૂ થયાથી લઈને પરોઢનાં 3 વાગ્યા સુધી ચાલતુ રહ્યું. દરવાજો પછાડતા પછાડતા તેના હાથે ઈજા પણ થઈ હતી. છેવટે સવારે 6 વાગ્યે ઘરનો દરવાજો ખુલ્યો. સલમાનનાં હંગામા પાછળનું કારણ એમ બતાવવામાં આવે છે કે, તે એશ્વર્યા સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ ત્યારે એશ્વર્યા સફળતાની સીડીઓ ચઢી રહી હતી એટલા માટે લગ્ન કરવા માગતી ન હતી. આ ઘટના અંગે વર્ષો બાદ સલમાન ખાને જાતે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં કબૂલ કર્યુ હતુ કે તે એશ્વર્યાના ઘરે પહોંચ્યો હતો.

મહેશ ભટ્ટ-પરવીન બાબી
મહેશ ભટ્ટ અને પરવીન બાબીની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મી લવસ્ટોરીથી ઓછી નથી. પરવીન મહેશ ભટ્ટની જિંદગીમાં આવી ત્યારે તેની ગણતરી સૌથી મોંઘી ફી લેનારી અભિનેત્રીઓમાં થતી હતી. પરંતુ મહેશ ભટ્ટના કારણે પરવીન બાબીનું કરિયર બર્બાદ થઈ ગયુ. તેનું નામ ઘણા સ્ટાર્સ સાથે જોડાયુ હતું પરંતુ સૌથી વધારે મહેશ ભટ્ટ સાથે નામ ચર્ચામાં રહ્યું. જે સમયે પરવીન બાબીનું દિલ મહેશ ભટ્ટ પર આવ્યુ ત્યારે તે પોતાના કરિયર ટોચ પર હતું. વર્ષ 1977માં બંનેનો ઈશ્ક પરવાન ચઢવા લાગ્યો. ત્યારે મહેશ ભટ્ટ પરણિત હતા. ખબરોની વાત માની લઈએ તો, મહેશ ભટ્ટ અને પરવીન લીવ-ઈનમાં રહેતા હતા. પરંતુ બંને ક્યારેય એક ન થઈ શક્યા. આ સંબંધની સાથે પરવીન એક માનસિક બિમારીનો શિકાર બન્યા જેને મહેશ ભટ્ટે ઘણા ઈન્ટરવ્યૂમાં પૈરાનાયડ સ્કિત્જોફ્રેનિયા ગણાવી.

દિલીપ કુમાર-મધુબાલા
આ લિસ્ટમાં દિલીપ કુમાર અને મધુબાલાનું નામ પણ સામેલ છે. દિલીપ મધુબાલાના દિવાના હતા. એકબીજા પર જીવ ન્યોચ્છાવર કરી દેનારા પ્રેમી પંખીડા ક્યારેય લગ્નના બંધનમાં ન બંધાઈ શક્યા. મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાનને આ સંબંધ મંજૂર ન હતો. દિલીપ કુમાર અને મધુબાલાની વાત સગાઈ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ લગ્ન પહેલા દિલીપ કુમારે મધુબાલા સામે શરત મૂકી દીધી. તે લગ્ન બાદ ફિલ્મોમાં કામ નહીં કરે અને પોતાના પિતા સાથે સંબંધ પણ નહીં રાખે. મધુબાલા પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેને દિલીપકુમારની વાત બિલકુલ પણ પસંદ ન આવી. બંનેના સંબંધમાં કડવાહટ આવવા લાગી. થોડા સમય બાદ દિલીપકુમાર અને મધુબાલા વચ્ચેના પ્રેમસંબંધોનો પણ અંત આવી ગયો.

આજના જમાનાની વાત કરીએ તો એવા ઘણા બોલીવુડ સ્ટાર્સ છે જેમની લવસ્ટોરી અધૂરી રહી ગઈ. આ લિસ્ટમાં રણબીર-દિપીકા, રણબીર-કેટરિના, શાહિદ કપૂર-કરિના, સની દેઓલ-અમૃતાસિન્હા, અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી, રવિના ટંડન-અક્ષયકુમાર, કરિશ્મા કપૂર-અભિષેક બચ્ચન, જોન અબ્રાહમ-બિપાશા બાસુ સહિતનાનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news