દીપિકાએ લગ્નમાં પહેરેલી કાંજીવરમ સાડી પર કોહરામ મચ્યો, જાણો શું છે મામલો
જાણીતા ડ્રેસ ડિઝાઈનર સબ્યસાચી મુખરજીએ આખરે સ્પષ્ટતા કરવી પડી કે અભિનેત્રી દીપિકા પાદૂકોણે તેના લગ્નમાં જે સાડી પહેરી હતી તે તેમણે ડિઝાઈન કરી નહતી.
Trending Photos
મુંબઈ: જાણીતા ડ્રેસ ડિઝાઈનર સબ્યસાચી મુખરજીએ આખરે સ્પષ્ટતા કરવી પડી કે અભિનેત્રી દીપિકા પાદૂકોણે તેના લગ્નમાં જે સાડી પહેરી હતી તે તેમણે ડિઝાઈન કરી નહતી પરંતુ આ અભિનેત્રીની માતાએ દીપિકાને ભેટમાં આપી હતી. મુખરજીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગ્ન સમારોહની એક તસવીર શેર કરી હતી. ડિઝાઈનરે દીપિકાની સાડીવાળા ફોટા પર કેપ્શન આપ્યું હતું કે 'માથાથી પગ સુધી સબ્યસાચી'. દીપિકાએ રણવીર સિંહ સાથે કોંકણી રીત રિવાજથી લગ્ન વખતે તે સાડી પહેરી હતી.
ઓનલાઈન પોર્ટલ વોઈસ ઓફ ફેશને અહેવાલમાં જણાવ્યું છે કે દીપિકાએ પહેરેલી લાલ કલરની કાંજીવરમની સાડી તેની માતા ઉજ્જવલાએ બેંગ્લુરુના એક શોરૂમ અંગાડી ગેલ્લેરિયામાંથી ખરીદી હતી. આ અહેવાલ સામે આવ્યાં બાદ સબ્યસાચીએ સ્પષ્ટતા કરવી પડી કે દીપિકાની માતાએ કોંકણી પરંપરા મુજબ આ સાડી તેમની પુત્રીને ભેટમાં આપી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે દીપિકાના લગ્નવાળી સાડી માતા ઉજ્જવલા પાદૂકોણે અમને આપી હતી. અમને હાલ આ જાણકારી મળી છે કે સાડીને અંગાડી ગેલ્લેરિયા, બેંગ્લુરુથી ખરીદવામાં આવી હતી અને અમે તેમને શ્રેય આપવા માંગીએ છીએ.
અત્રે જણાવવાનું કે દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ છેલ્લા 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તેઓએ ગત સપ્તાહે ઈટાલીના લેક કોમોમાં આયોજિત બે સમારોહમાં કોંકણી અને સિંધી રીત રિવાજથી લગ્ન કર્યા હતાં. 14 નવેમ્બરે બંને દક્ષિણ ભારતીય પરંપરા મુજબ અને ત્યારબાદ 15 નવેમ્બરે ઉત્તર ભારતીય પરંપરા મુજબ તેમના લગ્ન થયાં. દીપિકા અને રણવીરનું બુધવારે રાતે ધી લીલા હોટલ બેંગ્લુરુમાં રિસેપ્શન યોજાયુ હતું. બીજુ રિસેપ્શન મુંબઈમાં પહેલી ડિસેમ્બરે યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે