વાપી જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત
જય કેમિકલ કંપનીના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે. આમ વીઆઇએના પ્રમુખની જ કંપનીમાં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા
Trending Photos
વાપી: વાપી જીઆઇડીસીના સેકન્ડ કેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે જય કેમિકલ કંપનીના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે. આમ વીઆઇએના પ્રમુખની જ કંપનીમાં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં જ મૃતક મુકેશ મંડલ અને મોન્ટુ માંહોતો નામના બે કામદારોના પરિવારજનો કંપની પર પહોંચ્યા હતા અને સાથે સાથી કામદારો રોષે ભરાયાં હતાં.
કંપનીના ગેટ સામે બેસી અને મૃતક કામદારોના પરિવારજનોને મોટા વળતરની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. કંપનીના સંચાલકોના જણાવ્યા પ્રમાણે કંપનીમાં ઉત્પાદન દરમ્યાન કેમિકલ લીકેજ થયું હતું અને નજીક કામ કરી રહેલ કામદારોમાંથી બે કામદારનું મોત થયું હતું. જ્યારે 5 કામદારોને ગંભીર અસર થતાં તેમને સારવાર માટે વાપીની રેનબો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર ઘટના બાદ વાપી જીઆઇડીસી પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે