સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા
બાળકી શનિવારે સાંજે ઘર પાસે રમતાં-રમતાં અચાનક ગાયબ થઈ ગઈ હતી, સુરત પોલીસે સમગ્ર ઘટના બાબતે પોલીસની 21 ટીમને કામે લગાડવામાં આવી હતી, સીસીટીવી ફુટેજ ચકાસ્યા બાદ બાળકી જે ઘરમાં રહેતી હતી એ ઘરમાંથી જ તેની લાશ મળી આવી
Trending Photos
સુરતઃ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે સાંજે એક સાડા ત્રણ વર્ષની બાળકી ઘરની બહાર રમતાં-રમતાં અચાનક ગુમ થઈ ગઈ હતી. બાળકીના પરિવારજનોએ અહીં-તહીં શોધખોળ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ તપાસ કરતાં તે જે બિલ્ડિંગમાં રહેતી હતી તેના નીચેના માળના એક બંધ રૂમમાં તપાસ કરતાં બાળકીની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરાઈ હોવાનું પોલીસનું માનવું છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં શનિવારે સાંજે સાડા ત્રણ વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બાળકીના માતા-પિતા મહારાષ્ટ્રના વતની છે અને સુરત શહેરમાં રોજી-રોટી માટે આવ્યા હતા.
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 21 ટીમ બનાવીને બાળકીને શોધવા માટે કામે લગાડી હતી. દરેક ટીમમાં એક પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મચારીને સામેલ કરાયા હતા. લિંબાયત પોલીસ સહિત ડીસીબી, એસઓજી અને ક્રામ બ્રાન્ચની ટીમોને પણ તપાસમાં લગાડવામાં આવી હતી.
પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસમાં જાણવા મળ્યું કે, બાળકી ઘરની બહાર નિકળી જ નથી. ત્યાર બાદ સીસીટીવીમાં જોવા મળી રહેલા શંકાસ્પદ વ્યક્તિઓ ચકાસવામાં આવ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે, બાળકી જે ઘરમાં રહેતી હતી એ જ બિલ્ડિંગમાં બોળકી ખોવાઈ એ દિવસથી એક મકાન બંધ હતું.
પોલીસે શંકાને આધારે સોમવારે આ બંધ મકાનું તાળું તોડ્યું ત્યારે અંદરથી બાળકીની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં નાનકડી બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરાઈ હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિને શોધી રહી છે. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. પોલીસે તપાસ ચાલુ હોવાના કારણે આરોપી અંગેની પણ કોઈ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો.
સુરત પોલીસે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અત્યારે હત્યા અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને ડીસીપી તેનું મોનિટરિંગ કરશે. પોલીસે સીસીટીવી કેમેરા ચકાસ્યા બાદ જોયું કે, બાળકી બહાર આવતી નથી. પ્રાથમિક શંકાસ્પદ વ્યક્તિ સામે તપાસ ચાલી રહી છે અને પાકા પુરાવા પ્રાપ્ત થયા બાદ અપરાધીની જાહેરાત કરાશે. બાળકી પહેલા માળે રહેતી હતી અને તેનો મૃતદેહ નીચેના માળેથી મળ્યો છે. વધુ વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરવામાં આવશે.
બાળકીની માતાએ આ અંગે જણાવ્યું કે, મારી છોકરી શનિવારે સવારે 8 કલાકથી ગુમ થઈ ગઈ હતી. પહેલાં તો મેં અહીં આજુ-બાજુમાં શોધખોળ કરી હતી. બાળકી ક્યાંય ન દેખાયા બાદ તેના પિતાને બોલાવીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ પણ બે દિવસથી તપાસ કરી રહી હતી. ત્યાર બાદ આજે તેની લાશ મળી આવી હતી. નરાધમને હું જાતે જ સજા આપીશ.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નાની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાની આ બીજી ઘટના છે. આ અગાઉ હિંમતનગર પાસે પણ એક ત્રણ વર્ષની બાળકીની દુષ્કર્મ ગુજારીને હત્યા કરી દેવાઈ હતી. હિંમતનગરની આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા અને પરપ્રાંતિય લોકોને રાજ્યમાંથી હાંકી કાઢવા માટે તેમને ધાક-ધમકી પણ અપાઈ હતી. પરપ્રાંતિયો પરના હુમલાએ રાજકીય સ્વરૂપ પણ ધારણ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે