SURAT ના 400 કરોડ રૂપિયા અફઘાનિસ્તાનમાં ફસાયા, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
Trending Photos
તેજસ મોદી/સુરત : અફઘાનિસ્તાનને જે રીતે તાલિબાનોએ કબ્જે લીધું છે, તેને કારણે માત્ર અફઘાનિસ્તાન જ નહીં પરંતુ તેની સાથે ઔદ્યોગિક રીતે જોડાયેલા દેશોના વેપારીઓ પર પણ આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. જેમાં સુરતના વેપારીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં વધારે માગ છે. કોરોના આવ્યો તે પહેલા સુધી મહિલાઓ માટેના તૈયાર કપડા ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવાર-નવાર સુરતની મુલાકાત લેતા હતા.
વેપારીઓ સુરત આવી કાપડ સહિતની વસ્તુઓની પસંદગી કરતા હતા અને બાદમાં દિલ્હી સ્થિત સહયોગીઓના માધ્યમથી રૂપિયા ચુકવતા હતા. એવું કહેવામાં આવે છે કે લગભગ આખું વર્ષ ઉત્પાદન થતા લગભગ 36 કરોડ મીટર સિન્થેટિક કાપડમાંથી લગભગ 50 લાખ મીટર કાપડ તો માત્ર આફઘાનિસ્તાન જતું હતું. આ કાપડ વાયા અમૃતસર, દિલ્હી, મુંબઈ, જયપુર સહિતથી એક્સપોર્ટ થાય છે. બાંગ્લાદેશ અને ઈરાનના વિવિધ બંદરો પર કાપડ ઉતર્યા બાદ માલવાહક જહાજો કાબુલ, કંદહાર, ગઝની અને અફઘાનિસ્તાનના અન્ય શહેરોમાં પહોંચે છે. ત્યારે અફઘાનિસ્તાન પર આતંકી સંગઠન તાલિબાને કબ્જો કરી લેતા દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઈ છે.
સુરતની ટેક્સટાઈલ માર્કેટમાંથી અફઘાનિસ્તાનમાં મોટી માત્રામાં સિન્થેટિક સહિતના દુપટ્ટા, બુરખા અને શાલને લગતું કાપડ મોકલવામાં આવતું હતું. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓના લગભગ અંદાજે 100 થી 400 કરોડ રૂપિયા ફસાયા હોવાનું વેપારીઓ કહી રહયા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અફઘાનિસ્તાનમાં કાપડનું મૂલ્ય વાર્ષિક હજાર-બારસો કરોડ થાય છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો જમાવ્યો હોવાથી આ તમામ ધંધો અટકી ગયો છે. ભારતના કાપડ બજારના વેપારીના ટેક્સટાઇલ માલનું કન્ટેનર અહીંથી થોડા દિવસ પહેલા ઈરાનના ચાબહાર પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું. કાપડથી ભરેલું કન્ટેનર પણ બંદર પર પહોંચી ગયું હતું, પરંતુ ત્યાંથી માર્ગ દ્વારા જવું શક્ય નહોતું. આમ હવે જ્યા સુધી અફઘાનિસ્તાનમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી સુરત સહિત દેશના અલગ અલગ ઉદ્યોગકારો કે જે ત્યાં વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમને આર્થિક નુકસાન ભોગવવું પડશે તે વાત ચોક્કસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે