આકરી ગરમી સહન ન કરી શકનારા 500 ચામાચીડિયા ટપોટપ જમીન પર પડ્યા, 20 કોથળામાં ભરી લાશ

ગરમીનો આકરો તાપો લોકોનો પરસેવો નહિ, પણ આખેઆખો નિચોવી રહ્યો છે. એપ્રિલના અંતમાં ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. માત્ર જનજીવન જ નહિ, પણ અબોલ પશુઓ પર પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. ત્યારે તાપી-સોનગઢ તાલુકામાં વિચિત્ર બનાવ બન્યો છે. ઉકાઈ પંથકમાં કાળઝાળ ગરમીને કારણે 500થી વધુ ચામાચીડિયાના મોત થયા છે. 

Updated By: Apr 29, 2019, 08:02 AM IST
આકરી ગરમી સહન ન કરી શકનારા 500 ચામાચીડિયા ટપોટપ જમીન પર પડ્યા, 20 કોથળામાં ભરી લાશ

વિનાયક જાદવ/તાપી :ગરમીનો આકરો તાપો લોકોનો પરસેવો નહિ, પણ આખેઆખો નિચોવી રહ્યો છે. એપ્રિલના અંતમાં ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. માત્ર જનજીવન જ નહિ, પણ અબોલ પશુઓ પર પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. ત્યારે તાપી-સોનગઢ તાલુકામાં વિચિત્ર બનાવ બન્યો છે. ઉકાઈ પંથકમાં કાળઝાળ ગરમીને કારણે 500થી વધુ ચામાચીડિયાના મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગરમીનો પારો જો લોકોને અકળાવી રહ્યો છે, તો પ્રાણીઓ પર તેની કેવી અસર થતી હશે. સતત પાણીની પીતા રહેવું જોઈએ તેવા તંત્રની સલાહ સામે અબોલ પશુઓને કોણ પાણી પીવડાવે છે તે સવાલ મહત્વનો છે. તંત્ર દ્વારા પ્રાણીઓ માટે ગરમીમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે તાપી-સોનગઢ તાલુકામા 43 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. પરંતુ ગરમીનો માર આ પંથકના ચામાચીડિયા સહન ન કરી શક્યા. ઉકાઈ પંથકમાં કાળઝાળ ગરમીમાં 5૦૦થી વધુ ચામાચીડિયાના મોત થયા છે. 

ઉકાઈ ડેમના થર્મલ પાવર વિસ્તારમાં ચામાચીડિયાના મોતનો બનાવ બન્યો છે. ગઈકાલે 43 ડિગ્રી તાપમાન વચ્ચે થર્મલ પાવર સ્ટેશનના કેન્ટીન વિસ્તારથી થર્મલ ઓફિસ વચ્ચે આવેલા વૃક્ષો પર લટકતા ચામાચીડિયાને અસર થઈ હતી, અને ટપોટપ તેઓ નીચે પડવા લાગ્યા હતા. 4-5 કલાકમાં 500થી વધુ ચામાચીડિયાના મોત થયા છે. અતિશય ગરમીથી અસર થતા વૃક્ષ પર ઊંધા લટકતા ચામાચીડિયા ટપોટપ જમીન પર પડી ગયા હતા. લોકોએ જોયું તો ચારેતરફ ચામાચીડિયા મૃત હાલતમાં વિખેરાયેલા હતા. ત્યારે ગરમીમાં પાણીના અભાવે ચામાચીડિયાના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ બનાવને પગલે તંત્ર દોડતું થયું હતું. અન્ય પ્રાણીઓને તો તેની અસર થઈ છે કે નહિ, તે ચકાસવામાં આવ્યું હતું. તો બીજી તરફ, થર્મલ પાવરના સ્ટેશન વિસ્તારમાં 20 જેટલા કોથળામાં મૃત ચામાચીડિયાને ભરવામાં આવ્યા હતા.