કરોડોની જાહેરાતનું સૂરસૂરિયું! ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકનાં ટપોટપ મોત

ગુજરાત કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય-સુવિધા માટેના નાણાં ભાજપ સરકારના મળતિયાના સ્વાસ્થ્ય સુવિધા માટે સગેવગે થઈ રહ્યા છે.

કરોડોની જાહેરાતનું સૂરસૂરિયું! ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકનાં ટપોટપ મોત

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત સરકારે બાળ મૃત્યુ દર અને કુપોષણની સમસ્યા સામે લડવા માટે વિવિધ યોજના ચલાવી રહી છે, પરંતુ શું આ તમામ યોજનાથી રાજ્યમાં બાળ મૃત્યુ દર – કુપોષણની સમસ્યામાં ઘટાડો આવ્યો છે ખરો? ત્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય-સુવિધા માટેના નાણાં ભાજપ સરકારના મળતિયાના સ્વાસ્થ્ય સુવિધા માટે સગેવગે થઈ રહ્યા છે.

ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પર્ફોર્મન્સ સારું
ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોનાં ટપોટપ મોત થયા છે. બાળ મૃત્યુ દર – કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા-સંશાધનો ઉભા કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મનિષ દોશીએ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ્લ નંબરે છે. દેશના ગ્રોથ એન્જિન મનાતા વાઈબ્રન્ટ ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પર્ફોર્મન્સ આના કરતાં વધુ સારું છે.

કુપોષણ અને બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ
મનિષ દોશીએ કહ્યું કે કુપોષણ અને બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ કરવા છતાં ઠોસ પરિણામ જોવા મળી રહ્યું નથી. ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે દાહોદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, અમદાવાદ શહેર ટોચ ઉપર આવે છે. છેલ્લા એક મહિનામાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 53 નવજાત શિશુએ અંતિમ શ્વાસ લીધા છે. એ જ રીતે મહેસાણા અને કચ્છ જીલ્લામાં 41-41, બનાસકાંઠામાં 31, આણંદમાં 24, પંચમહાલ અને અમદાવાદ શહેરમાં 23-23 જ્યારે રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22-22 નવજાત શિશુએ દમ તોડ્યો છે.

વર્ષ 2020માં 12,119 નવજાત શિશુના મોત રજિસ્ટર્ડ
દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની અનેકવિધ યોજનાઓ છતાં કુપોષણ-બાળ મૃત્યુના કલંકને દૂર કરવામાં હજુ ઠોસ પરિણામ મળ્યા નથી, તે પણ એક હકીકત છે. ગુજરાતમાં વર્ષ 2020માં 12,119 નવજાત શિશુના મોત રજિસ્ટર્ડ થયા હતા નવજાત શિશુના મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13,807 નવજાતના શિશુના મોત થયા હતા. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં 11,585, રાજસ્થાનમાં 11,187 બાળકના મોત રજિસ્ટર્ડ થયા હતા.

ગુજરાતમાં જન્મ લેતાં દર એક હજાર બાળકે 31 શિશુના મૃત્યુ
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુ દર 31 છે એટલે કે જન્મ લેતાં દર એક હજાર બાળકે 31 શિશુના મૃત્યુ થાય છે. બાળકીઓમાં મૃત્યુ દર 30.7 અને બાળકોમાં 31.7 છે. દેશના 17 રાજ્યો એવા છે જ્યાં નવજાત શિશુ મૃત્યુ દર ગુજરાત કરતા ઓછો છે. આવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ વગેરે સામેલ છે. સૌથી ઓછો નવજાત મૃત્યુદર 50 છે. બિહારમાં 46.8, છત્તીસગઢમાં 44.2, મધ્યપ્રદેશમાં 41.3, અને ઉત્તરાખંડમાં 39.1 છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news