હરામીનાળા પર પાકિસ્તાનની નાપાક નજર, 34 કલાકના BSF ના સર્ચ ઓપરેશનમાં 6 પાકિસ્તાની ઝડપાયા
Trending Photos
- હરામીનાળામાં બીએસએફનું મેગા સર્ચ ઓપરેશન
- ક્રીક વિસ્તારમાં 34 કલાકથી સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ
- ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 11 પાકિસ્તાની બોટ પકડાઈ
- બીએસએફના આ મેગા ઓપરેશનમાં વધુ 3 પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ભારત પ્રવેશતી દરેક બોર્ડર પર પાકિસ્તાનની નજર હોય છે. તેમાં પણ ખાસ કરીને કચ્છના સરહદી વિસ્તાર ઘૂસણખોરોને વધુ માફક આવે છે. ત્યારે BSF દ્વારા કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 11 બોટને એક મેગા ઓપરેશન દ્વારા ઝડપી લેવામાં આવી છે અને સાથે કુલ 6 પાકિસ્તાની માછીમારોને પણ કબજે કરવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનાને સેટેલાઇટ દ્વારા પાકિસ્તાનની 2 0થી 22 બોટ અને 30 થી 35 માછીમાર ભારતીય જળસીમા અંદર પ્રવેશ કરી રહ્યા છે તેવી માહિતી મળી હતી. જે ઈનપુટના આધારે બીએસએફ તથા પોલીસ સહિતની એજન્સીઓએ એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય સીમામાં છુપાયેલા પાકિસ્તાનીઓને શોધવા માટે બીએસએફે વાયુ સેનાના હેલિકોપ્ટર મારફતે હરામીનાળાના ક્રીક વિસ્તારોમાં ક્રોકોડાઇલ કમાન્ડોની ત્રણ ટીમો ઉતારી હતી, જેમાં 40 કમાન્ડો આ ઓપરેશનમાં જોડાયા હતા.
બીએસએફ દ્વારા આ ઓપરેશન અંગે બહાર પાડવામાં આવેલ સત્તાવાર અખબારી યાદી મુજબ, હરામીનાળાની કાદવથી લથપથ નાની-મોટી ક્રીક ચેરિયાના જંગલો અને ભરતીના પાણીમાં આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇનપુટ મળતાની સાથે જ 300 ચોરસ કિલોમીટરના દુર્ગમ હરામીનાળાની ક્રીકમાં બીએસએફના કમાન્ડો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટીયરના વડા જી.એસ.મલિક પણ હરામીનાળા વિસ્તારમાં ધસી આવ્યા હતા.
બીએસએફના કમાન્ડોને જોઈને પાકિસ્તાની માછીમારો બોટ છોડીને અટપટી ક્રીકમાંથી નાસી ગયા હતા. પરંતુ બીએસએફના કમાન્ડો દ્વારા આ વખતે તેમને ઝડપી લેવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં અત્યાર સુધીમાં 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયામાં તેમજ વિસ્તારમાં સારી ગુણવત્તાવાળી તેમજ મોટા પ્રમાણમાં માછલીઓ હોવાથી પાકિસ્તાની માછીમારો માછલીઓની લાલચમાં અવારનવાર ભારતીય સીમામાં ઘૂસી આવતા હોય છે. આ ઉપરાંત મધદરિયે પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીએ છેલ્લા થોડા દિવસોથી ભારતીય માછીમારોનાં અપહરણ કરવાના પગલાં પણ વધાર્યા છે. જેનાથી ભારતીય માછીમારોમાં ભયની લાગણી ફેલાઈ છે, તો બીજી બાજુ પાકિસ્તાની માછીમારો પરિવાર હરામીનાળા મારફતે ભારતમાં ઘૂસીને માછીમારી કરવા નું શરુ કર્યું છે.
બીએસએફના કમાન્ડો દ્વારા હાલમાં હજુ પણ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે. તેમજ આગામી સમયમાં હરામીનાળામાંથી કુલ કેટલા પાકિસ્તાની માછીમારો ઝડપાયા અને કુલ કેટલી પાકિસ્તાની બોટ ઝડપવામાં આવી તેની સતાવાર માહિતી બહાર પાડવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે