ખાનગી હોસ્પિટલના તબીબે કહ્યું, આંખ કાઢવી પડશે... પણ સિવિલના તબીબોએ આંખ કાઢ્યા વગર સારવાર કરી
Trending Photos
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ રાજ્યોમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે
- ખાનગી તબીબોએ યુવાનને કહ્યું, તમારી આંખ કાઢવી પડશે. પણ સિવિલના તબીબોએ આંખ કાઢ્યા વગર સારવાર કરી
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 1010 કરતા પણ વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને સારવાર અપાઈ છે. મ્યુકોરમાઇકોસિસના કારણે અમદાવાદ સિવિલમાં 1010 માંથી અંદાજે 77 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ની સારવાર અપાઈ હોય તેવા દર્દીઓનો મૃત્યુદર અત્યાર સુધી 7 ટકા થી 8 ટકાની આસપાસ રહ્યો છે.
દિલ્હીથી અમદાવાદ સારવાર લેવા આવ્યો યુવક
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ રાજ્યોમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે. મૂળ બિહારના વતની આલોક ચૌધરીએ પણ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી. હાલ દિલ્હીમાં રહેતા આલોક ચૌધરી મ્યુકોરમાઇકોસીસના શિકાર થતા પાલનપુરમાં રહેતા તેમના ભાઈ સાથે વાત કરી હતી. જેના બાદ તેઓ અમદાવાદ સિવિલમાં સારવાર માટે આવ્યા હતા.
ખાનગી તબીબોએ આંખ કાઢવી પડશે તેવુ કહ્યું હતું
આલોક ચૌધરીએ કહ્યું કે, હું દિલ્હીમાં હતો ત્યારે મને મ્યુકોરમાઇકોસિસ થયો હોવાની જાણ થઈ અને મારા ભાઈ કે જે પાલનપુરમાં રહેતા હતા તેઓએ મને તુરંત અમદાવાદમાં સારવાર લેવા આવી જવા કહ્યું હતું. શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર મેં શરૂ કરી હતી. MRI રિપોર્ટ જોઈને ખાનગી હોસ્પિટલમાં મારી આંખ કાઢવી પડશે તેવું મને કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો, અહીં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ મારી આંખ કાઢ્યા વગર જ સફળતાપૂર્વક મારું ઓપરેશન કર્યું છે. એમ્ફોટેરેસીનના ઇન્જેક્શન આપીને મારું ઓપરેશન કરવામાં આવ્યું છે. અહીં મને સારી અને સમયસર સારવાર મળી રહી છે, ડોક્ટરો પણ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસના કારણે મારી આંખ કાઢવી પડશે એવું ખાનગીમાં હોસ્પિટલમાં ડોક્ટરોએ કહ્યું હતું. પરંતુ આંખ મારી સલામત છે, હું સિવિલના ડૉક્ટરોનો આભારી છું.
ઉલ્લેખનીય છે કે, હાલ આલોક ચૌધરી આઈએએસની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે આંખ જતી રહેવાથી તેમનું આઈએએસ બનવાનું સપનુ રગદોળી શકાયું હોત. પરંતુ સિવિલના તબીબો તેમનું સપનુ સાકાર કરવા મદદ કરશે.
સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડોકટર હેલીએ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 1 હજાર કરતા વધુ દર્દીઓને સારવાર આપી છે. જેના આધારે અમે દર્દીઓનો ડેટા તૈયાર કર્યો છે. 1 હજાર દર્દીઓમાંથી 575 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓના ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. દર્દી જ્યારે આવે ત્યારે એન્ડોસ્કોપીક સહિતના સાધનો અમારી opd માં ઉપલબ્ધ છે. જે ભાગમાં મ્યુકોરમાઇકોસિસનો વ્યાપ વધુ હોય તેમના પ્રાયોરિટી મુજબ ઓપરેશન કરીએ છે. 4 ડોક્ટરોની ટીમ રાખીને ઓપરેશન કરીએ છીએ. ઓપરેશન બાદ એમ્ફોટેરેસીન બીના ઈન્જેક્શન આપીએ છીએ. ઓપરેશનના 7 દિવસ બાદ ફરી દર્દીની બાયોપ્સી કરીએ છીએ, જરૂર જણાય તો 12માં દિવસે ફરી બાયોપ્સી કરીએ છીએ. જે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે, એમણે ઘરે ખાસ કાળજી રાખવી પડે છે. નાકમાં અસર થઈ હોય એમને નાકની સફાઈ ખાસ કરવી જરૂરી છે. સીરપ અને ટેબ્લેટ સમયસર લેવા પડે છે. ડાયાબિટીસ ઘરે પણ કંટ્રોલમાં રાખવો ખૂબ જ જરૂરી છે. પોસ્ટ કોવિડ અને ડાયાબિટીક દર્દીઓ તેમજ જેમની ઉંમર વધુ હતું, તેમનામાં મ્યુકોરમાઇકોસીસ વધુ જોવા મળ્યું. યુવાન દર્દીઓની સંખ્યા મ્યુકોરમાઇકોસીસમાં ઓછી જોવા મળી છે. વૃદ્ધ લોકોમાં મ્યુકોરમાઇકોસિસ વધુ સ્પ્રેડ થયો હોય તેવું પણ જોવા મળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે