અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા, સવારે 8 વાગ્યા બાદ ઘરમાં ત્રાટક્યા હતા લૂંટારું

Updated By: Mar 5, 2021, 11:57 AM IST
અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા, સવારે 8 વાગ્યા બાદ ઘરમાં ત્રાટક્યા હતા લૂંટારું
  • સવારે 8 વાગ્યે આ દંપતીએ સિક્યોરિટીવાળા ભાઈને ચા પીવડાવી હતી. જેના બાદ ચાર લોકોને ઘરમાંથી બહાર નીકળતા સિક્યોરિટીએ જોયા હતા

મૌલિક ધામેચા/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં ધોળે દહાડે એક વૃદ્ધ દંપતીની હત્યાનો ચકચારી બનાવ બન્યો છે. આ સાથે જ એકલા રહેતા વૃદ્ધોની સલામતી પર ફરીથી સવાલો ઉઠ્યા છે. લૂંટના ઈરાદે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. તેમનો દીકરો દૂબઈમાં રહે છે. 

કોઈ જાણભેદુ જ હોવાની શંકા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં લૂંટના ઈરાદે થલતેજ ફાયર સ્ટેશન નજીક રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે. અમદાવાદ શહેરના હેબતપુરા ચાર રસ્તા પાસે આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં જાણીતા પટેલ પરિવારના બે સભ્યોની ચોરીના ઈરાદે ઘરમાં ઘુસેલા શખ્સોએ હત્યા કરી છે. અશોક કરસનદાસ પટેલ (ઉંમર 71 વર્ષ) અને તેમના પત્ની જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. સવારે 8 વાગ્યે આ દંપતીએ સિક્યોરિટીવાળા ભાઈને ચા પીવડાવી હતી. જેના બાદ ચાર લોકોને ઘરમાંથી બહાર નીકળતા સિક્યોરિટીએ જોયા હતા. જેથી સવારે 8 વાગ્યા બાદ આ ઘટના બની હોય તેવું લાગે છે. આ હત્યા પાછળ કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે. ઘરઘાટી કે જાણભેદુ શખ્સોએ દંપતીની હત્યા નિપજાવ્યાની પોલીસને શંકા છે. 

આ પણ વાંચો : આ જ્યોતિષીઓએ મળીને સોની પરિવારના રૂપિયા ખંખેરી કંગાળ બનાવ્યા, મોત સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો 

અશોકભાઈનો દીકરો દૂબઈમાં રહે છે
અશોકભાઈનો દીકરો દૂબઈમાં રહે છે. ત્યારે છ મહિના પહેલા જ વૃદ્ધ દંપતી દુબઈથી અમદાવાદ આવ્યું હતું. તેમની દિકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે. લૂંટારુઓ અશોકભાઈની વૈભવી કાર લૂંટીને જવાનો પણ પ્રયાસ કરતા હતા, પણ તે સફળ થયા ન હતા. દંપતીની ગાડીથી જ ઘરનો દરવાજો તોડ્યો હતો. ત્યારે સિનિયર સિટિઝનની હત્યા થતા અમદાવાદમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. 

બંનેની લાશ અલગ અલગ જગ્યાએ પડી હતી
અશોકભાઈ અને જ્યોત્સનાબેનની કરપીણ રીતે ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. અશોકભાઈની લાશ બેડરૂમમાં પડી હતી. જ્યારે કે, જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડી પાસેથી મળી આવ્યો હતો. ઘરમાં ચારેતરફ સામાન વિખરાયેલો પડ્યો હતો. 

આ પણ વાંચો : મંગળ પર બે ડઝન ગુજરાતીઓના નામ પહોંચ્યા, પણ આણંદના શાહ પરિવારે જે કર્યું તે ક્યારેય ન ભૂલાય 

દંપતી જ્યાં રહેતુ હતું તે પોશ વિસ્તાર છે 
વૃદ્ધ દંપતી જ્યાં રહેતુ હતું, તે શાંતિ પેલેસ વિસ્તાર અત્યંત પોશ વિસ્તાર છે. ત્યારે હવે પોશ વિસ્તારમાં સલામતી પર પણ સવાલો ઉભા થયા છે. વાહનોથી ધમધમતા રોડ પર જો આ રીતે હત્યા થાય તો અનેક સવાલો ઉભા થાય.