અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીયલ મીટનું આયોજન, 'ટેક્નિકલ ટેક્ષટાઈલ ભારતનું સનરાઈઝ સેકટર છે'
Trending Photos
અમદાવાદ: ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી), અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગમાં ટેકનોટેક્સ 2018ના સંદર્ભમાં જીસીસીઆઈ ખાતે કર્ટેઈન રેઈઝર તરીકે ઈન્ડસ્ટ્રીયલ મીટનું આયોજન કર્યું હતું. ટેકનોટેક્સ 2018એ ટેક્નિકલ ટેક્સટાઈલ અંગે મુંબઈમાં 28-29 જૂન 2018ના રોજ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનારી ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કોન્ફરન્સની 7મી એડીશન છે.
આ સમારંભનું મુખ્ય પ્રવચન ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન રાજીવ વસ્તુપલે આપ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના મંત્રાલયના ટેક્સટાઈલ કમિશ્નર ડો.કવિતા ગુપ્તા અને જીસીસીઆઈના પ્રેસીડેન્ટ ડો. શૈલેશ પટવારીએ ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પડકારો અને તકો અંગે વાત કરી હતી. આ સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 80થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને આ ક્ષેત્રના સતત વિકાસ માટે કયાં કદમ ભરવાની જરૂરિયાત છે તે બાબતે ચર્ચા કરી હતી.
ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્ર અંગે જાગૃતિ પેદા કરવા અંગે વાત કરતાં ડો. કવિતા ગુપ્તાએ જણાવ્યું કે "ટેક્નિકલ ટેક્સટાઈલ એ ભારતનું સનરાઈઝ સેક્ટર છે. કમનસીબે ટેક્નિકલ ટેક્સટાઈલ્સમાં વૃધ્ધિ અપેક્ષા જેટલી ઉત્સાહજનક નથી. ભારતમાં ટેક્નિકલ ટેક્સટાઈલ્સનો ઉપયોગ માથાદીઠ 3 થી 4 કી.ગ્રા. જેટલો છે, જે અન્ય દેશોમાં માથાદીટ 30 થી 40 કી.ગ્રા. જેટલો છે. આપણે આ ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો અંગે જાગૃતિ પેદા કરવી જોઈએ અને મૂડી રોકાણના ઉત્તમ વિકલ્પો તરફ ધ્યાન આપવું જોઈએ. ભારત સરકાર પણ આ ક્ષેત્રને 15 ટકા જેટલી કેપિટલ સબસીડી આપે છે અને આપણે તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. ગુજરાત આગામી 4 વર્ષમાં 20 ટકા જેટલો એકંદર સરેરાશ વૃધ્ધિ દર હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે." ભારતીય ટેક્નિકલ ટેક્સટાઈલ ઉદ્યોગ આ વર્ષે 1,16,000 કરોડનું બજાર કદ વટાવી જાય તેવી સંભાવના છે.
આ ઉદ્યોગની પ્રગતિ અંગે વાત કરતાં શૈલેષ પટવારીએ જણાવ્યું કે "આ સિધ્ધિ ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા નજીકના ભૂતકાળમાં આ ક્ષેત્રને પ્રોત્સાહન માટે હાથ ધરવામાં આવેલ વિવિધ પહેલનું પરિણામ છે. સરકારે સીધુ વિદેશી મૂડી રોકાણ આકર્ષવા માટે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સની રચના કરી છે અને આવા 14 ઝોન્સ છે. સરકાર અને કંપનીઓ સાથે મળીને સંકલન કરી આ લાભદાયી સમયનો ફાયદો ઉઠાવી શકે તેમ છે. અરવિંદ મિલ્સ, વેલસ્પન, ગરવારે વગેર જેવી મોટી કંપનીઓ ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે ત્યારે આ ક્ષેત્રના વિકાસ અંગે ઘણી આશા ઉભી થઈ છે. વધુમાં, હું પણ ટેકનોટેક્ષ્ટ દ્વારા ઉભી થનારી અસર, જાગૃતિ અને તકો અંગે આશાવાદી છું."
ટેકનોટેક્ષ્ટ એ એક એવું પ્લેટફોર્મ છે કે જે ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટરમાં વેપાર અને મૂડી રોકાણ માટે વિપુલ ક્ષમતા ધરાવે છે. આ વર્ષનો થીમ જ્યારે "ટેક્નિકલ ટેક્સટાઈલ્સઃ ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા" રાખવામાં આવ્યો છે ત્યારે નૂતન ભારત માટેની માળખાગત સુવિધાઓ માટે નિર્માણ થશે. ટેકનોટેક્ષ્ટ 2018માં દુનિયાભરમાંથી 200 થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
ટેક્નોટેક્ષ્ટ અંગે વાત કરતાં રાજીવ વસ્તુપાલે જણાવ્યું હતું કે "આ એક અનોખું પ્લેટફોર્મ છે કે જેમાં ભારતની અને વિદેશની કંપનીઓ વચ્ચે ટેક્નિકલ ટેક્સટાઈલ વેલ્યુચેઈન અંગે વિચારોનું આદાન-પ્રદાન થશે. આ પ્લેટફોર્મને કારણે મૂડી રોકાણોને વેગ આપવાનું આસાન બનશે. વિવિધ જોડાણો અને સંયુક્ત સાહસો રચાશે, વ્યાપારમાં વૃધ્ધિ થશે, પ્રોજેક્ટસ માટેના સહયોગ વધશે અને ભારતીય ઉત્પાદકો માટે ઘણી તકો ઉભી થશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે