'આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન...મારું તમારું આટલું જ લખ્યું હતું, હવે ચિંતા ના કરતા, એમ સમજજો કે છોકરો ફોરેનમાં છે'

મૃતકના પિતાએ આ અંગે પુત્રવધુ તથા વેવાઇ સામે ફરિયાદ આપતા વેવાઇ અને વેવાણની પોલીસે ધરપકડ કરી. તો તપાસમાં મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ તપાસ શરૂ કરી છે.

'આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન...મારું તમારું આટલું જ લખ્યું હતું, હવે ચિંતા ના કરતા, એમ સમજજો કે છોકરો ફોરેનમાં છે'

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં જ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મૃતકના પિતાએ આ અંગે પુત્રવધુ તથા વેવાઇ સામે ફરિયાદ આપતા વેવાઇ અને વેવાણની પોલીસે ધરપકડ કરી. તો તપાસમાં મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ તપાસ શરૂ કરી છે.

શું લખ્યું છે યુવકે સ્યુસાઈડ નોટમાં?
મારા સાસરિયાથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા પરિવારમાં કોઈ તકલીફ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં...આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન....મમ્મી પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ના કરતા....તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યું છે....ડાયરીમાં ના ખબર પડે તો જયેશભાઈને કહેજો....આઈ લવ યુ જયેશભાઈ.....મારી આધ્યાનું ધ્યાન રાખજો....સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી.... બાય...મારાથી બીજી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.... આ વાક્યો છે સુભાષ નામના યુવકના, જેણે મોતને વ્હાલુ કરતા પહેલા આ શબ્દો તેની અંતિમ ચિઠ્ઠીમાં લખ્યા હતા. ઠક્કરનગરમાં રહેતા સુભાષને સાસરિયાઓનો ત્રાસ હતો. અને તેનાથી જ કંટાળી ગત 27મી જાન્યુઆરી એ નિકોલ ખાતેની તેની દુકાને આપઘાત કરી લીધો હતો. જે બાબતે હવે કૃષ્ણનગર પોલીસે મૃતકની પત્ની, સાસુ અને સસરા સામે ગુનો નોંધી મૃતકના સાસુ સસરાની ધરપકડ કરી છે.

પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સુભાષ ભાઈની પત્ની પિનલ લગ્નના છ માસ બાદથી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી ન હતી અને કોઈપણ વ્યક્તિ સાથે બરાબર વાતચીત કરતી નહોતી. પિનલ તેના પિયરમાં તેના માતા-પિતા સાથે વાતો કરતી અને તેના માતા-પિતા તેના ચઢામણી કરતા હતા. જેના કારણે તે સાસરે કોઈની સાથે વાતો કરતી નહોતી અને કોઈ પણ પ્રસંગોમાં આવતી નહોતી. અવારનવાર પિનલ તેના પિયર જતી રહેતી હતી અને એક વાર સમાધાન કરી તેના સાસરિયાં તેડી લાવ્યા હતા. 

પીનલ તેના પતિ સુભાષ સાથે વાતચીત પણ કરતી નહોતી કે ફોન પણ કરતી નહોતી અને પિયરમાં વધુ રહેતી હતી. સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઈને કોઈ બહાનું કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા 29 જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી. પરંતુ તે પહેલા 27 મીના રોજ સુભાષભાઈએ આપઘાત કરી લેતા સુભાષભાઈના પિતાએ સુભાષભાઈની પત્ની સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં પોલીસે મૃતકના સાસુ અને સસરાની તો ધરપકડ કરી પણ મુખ્ય આરોપી પત્ની હાલ પણ ફરાર છે. જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકની પત્ની હાલ તેની દીકરી સાથે ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news