છપ્પનની છાતી ફુલાવીને ફરતી અમદાવાદ પોલીસ વિશે તમે શું કહેશો, દિવસે દંડાવાળી ને નબીરાઓને કેમ અકસ્માતોનો ખુલ્લો પરવાનો

Ahmedabad Police : નબીરાઓને ન રોકી શકતી પોલીસ દિવસે નોકરિયાતો પર દંડ ફટકારવામાં શૂરા બની છે. ભાઈ જરા દયા કરો... નબીરાઓ તો તેમની બહેનપણીઓ સાથે બિન્દાસ્ત રાતે નીકળે છે તમારી ટ્રાફિક ડ્રાઈવ થોડા દિવસમાં બંધ થઈ જશે અને ખિસ્સાં ભરવાનું શરૂ થશે..

છપ્પનની છાતી ફુલાવીને ફરતી અમદાવાદ પોલીસ વિશે તમે શું કહેશો, દિવસે દંડાવાળી ને નબીરાઓને કેમ અકસ્માતોનો ખુલ્લો પરવાનો

Ahmedabad Accident : દર બે મહિના થાય એટલે ટ્રાફિક પોલીસ અમદાવાદમાં મેગા ડ્રાઈવના નામે ચેકિંગ શરૂ કરે છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારના લોકોને દંડે છે, અને પછી લાખોનો દંડ વસૂલ્યાની પ્રેસ કોન્ફરન્સ કરીને છાતી ફુલાવે છે. પરંતું શું છપ્પનની છાતી ફુલાવનારાઓને અમદાવાદમાં રાતે ફરતા નબીરાઓ દેખાતા નથી. દિવસે નોકરી પર જનારા લોકોને હેરાન કરતી પોલીસે રાતે દારૂ પીને મોંઘીદાટ કાર લઈને નીકળતા નબીરાઓ કેમ દેખાતા નથી.  અમદાવાદ પોલીસ ચેકિંગના ખાલી દેખાડા કરે છે, રોજ કોઈને કોઈ તથ્ય અને વિસ્મય ગાડી દોડાવી અકસ્માત સર્જે છે. અમદાવાદના રસ્તા એટલે નબીરાઓના બાપાની જાગીર, રોજ કોઈને કોઈ મોંઘીદાટ ગાડીઓથી અકસ્માત સર્જે છે. અમદાવાદમાં બીજા કેટલા 'તથ્ય' ફરી રહ્યા છે? 

નબીરાઓને ન રોકી શકતી પોલીસ દિવસે નોકરિયાતો પર દંડ ફટકારવામાં શૂરા બની છે. ભાઈ જરા દયા કરો... નબીરાઓ તો તેમની બહેનપણીઓ સાથે બિન્દાસ્ત રાતે નીકળે છે તમારી ટ્રાફિક ડ્રાઈવ થોડા દિવસમાં બંધ થઈ જશે અને ખિસ્સાં ભરવાનું શરૂ થશે.. હાલમાં તમારી આ ડ્રાઈવને કારણે દિવસે નોકરી પહોંચવાની ઉતાવળમાં ઘરમાંથી નીકળતો અને ખિસ્સામાં 2 હજાર રૂપિયાએ લઈને ન નીકળતો સામાન્ય મધ્યમવર્ગ દંડાઈ રહ્યો છે.  

હકીકતમાં તો એ છે, જ્યારે આખુ અમદાવાદ સૂઈ જાય છે, ત્યારે અંધારામાં નબીરાઓના ખેલ શરૂ થાય છે. જો અમદાવાદ પોલીસ બીજું કંઈ ન કરે, અને માત્ર રાતે અમદાવાદના એસજી હાઈવે, સિંઘુભવન રોડ પર જઈને ઉભી પણ રહે તો પણ અમદાવાદમાં અકસ્માતોનું પ્રમાણ ઓછું થઈ જશે. દિવસે મેગા ડ્રાઈવના નામે બણગા ફૂંકતી અમદાવાદ પોલીસના રાતિ પેટ્રોલિંગ પર સવાલ થઈ રહ્યાં છે. પોલીસ માત્ર ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવીને સંતોષ માની રહી છે. પરંતુ રાતે 11-12 વાગ્યા બાદ થતા ખેલ પર પોલીસ કંઈ કરતી નથી. 

આ મામલે આપનું શું માનવું છે, ટ્રાફિક ડ્રાઈવ રાતે જરૂરી છે કે દિવસે, નોકરિયાતોનો મરો. પોલીસ ચેકિંગના નામે ખાલી દેખાડા કરે છે. રોજ કોઈને કોઈ તથ્ય અને વિસ્મય ગાડી દોડાવી સર્જી રહ્યા છે અકસ્માત! જરા દયા કરો! નબીરાના પાપે દિવસે તો ટીફિન લઈને જતો અને ખિસ્સામાં 2 હજાર રૂપિયાએ લઈને ના નીકળતો નોકરિયાત મધ્યમવર્ગ દંડાય છે. ત્યારે બોલો, આપનું શું કહેવું છે. યુવાનિયા રાતે સ્ટંટ કરે છે, અને વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરે છે. જો આવુ જ કરવુ હોય તો પોલીસનું કામ શું છે. 

નિયમો તોડનારાને ગુલાબ આપવાનું બંધ કરો 
ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે લપડાક લગાવી ચૂકી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, મુંબઇ-દિલ્હીમાં લોકો ટ્રાફિકના નિયમો કડક રીતે પાળે છે. અમદાવાદમાં પોલીસ કર્મચારી ચૂપચાપ રોડ ઉપર ઉભા રહે છે. આ કોર્ટે પર્સનલી જોયું છે. ટ્રાફિક પોલિસ કશું નથી કરતી તે પોતાની આંખો બંધ રાખે છે. કોર્ટ શા માટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી ન કરે ? કાયદાનો ડર લોકોમાં હોવો જોઈએ. ઇ-ચલણ તો ચાર રસ્તે ટ્રાફિક નિયમો તોડતા લોકો માટે છે અન્ય રસ્તા પર શું? નોઈડા, પુણે, બેંગ્લોર જેવી જગ્યાએ રોડ ઉપર કાંટા લગાવવામાં આવે  છે. જેથી કરીને વાહન રોંગ સાઈડમાં કે પાછળ જઈ શકે નહીં. તમે કેમ તેવી વ્યવસ્થા નથી કરતા ? સમય આવી ગયો છે કે પોલીસે સખત બનવું પડશે, નહીંતર ઇસ્કોન બ્રિજ જેવા અકસ્માત બને રાખશે. રાત્રે શહેરના રોડ પર પોલીસ પેટ્રોલીંગ થતું નથી. રોડ ઉપર લોકો સ્ટંટ કરે છે. આપણે આપણા બાળકો માટે કામ કરવાનું છે. મુંબઈ અને દિલ્હીમાં ટ્રાફીકના કડક નિયમ પાલનને લઈને કોર્ટે અમદાવાદ પોલીસને ત્યાં જઈને ટ્રેનિંગ લેવા કહ્યું હતું. સાથે જ ટકોર કરી હતી કે હવે ટ્રાફિક નિયમ તોડનારને ગુલાબ આપવાનું બંધ કરો! 

એક અઠવાડિયામાં ચાર અકસ્માત 
છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદમાં ચાર અકસ્માત બન્યા છે. એક તથ્ય પટેલે 10 લોકોને જેગુઆર કાર સ્પીડમાં હંકારીને મોતને ઘાટ ઉતાર્યા. તેના બાદ મણિનગરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ બન્યો. તેના બીજા દિવસે બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો, જેમાં એક ચાલકે બાઈક સવાર યુવકને ઉડાડ્યો. તો આજે બીએમમડબલ્યુ કારના ચારલે દારૂ પીને ઢગલાબંધ જગ્યાઓએ ગાડી અથાડી. 

આ કેસમાં ડીસીપી વાઘેલા જણાવે છે કે, જો કોઇ વ્યક્તિ મોભાદાર કે વગદાર વ્યકતિને ફોન કરી છુટવાનો પ્રયત્ન કરશે તો પણ પોલીસ પોતાની કાર્યવાહી કરશે. શું અમદાવાદમાં માથુ ઉંચકતા નબીરાઓને પહેલેથી જ કેમ ન ડામી શકાય. પોલીસ કયા એક્શનની રાહ જોઈ રહી છે. સાથે જ આવા અકસ્માતોથી પોલીસની છબી બગડી રહી છે. ખાખી લજવાઈ રહી છે. એક તરફ તથ્ય જેવા આરોપી સામે ઢાંકપિછોડો, ને બીજી તરફ મણિનગરના આરોપીઓની જાહેરમાં સરભરા કરવી. અમદાવાદ પોલીસના બે ચહેરા જોવા મળી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news