અલ્પેશ ઠાકોરની ભાજપ નેતા સાથે સેલ્ફી બની ચર્ચાનો વિષય, કોંગ્રેસ પણ હરકતમાં આવ્યું
લોકસભા ચૂંટણી પહેલા જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશે ઠાકોર સમાજ અને ગરીબ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. ત્યારે આજે ભાજપના નેતાઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે
Trending Photos
અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશે ઠાકોર સમાજ અને ગરીબ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. ત્યારે આજે ભાજપના નેતાઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. અલ્પેશ ઠાકોરની જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા સાથેની સેલ્ફી સાથે જ એવા પણ મેસેજ વાયરલ થઇ રહ્યાં છે કે, અલ્પેશ ઠાકોર ચૂંટણી બાદ ભાજપમાં જોડાઇ શકે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરની આ સેલ્ફી ચર્ચાનો વિષય બની છે.
કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ સમાજ અને ગરીબો માટે કામ કરવાનું કહેનારા અલ્પેશ ઠાકોરે 6 મેના રોજ શહેરના રાણીપ વિસ્તારમાં તેના નવા ઘરનું વાસ્તુપૂજન રાખ્યું હતું. જેમાં જીતુભાઈ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ બોલાવ્યા હતા. તે દરમિયાન અલ્પેશ ઠાકોરે આ બંને નેતાઓ સાથે સેલ્ફી લીધી હતી. જો કે આ સેલ્ફી સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે. આ સાથે એવા મેસેજ પણ વાયલ થઇ રહ્યાં છે કે, અલ્પેશ ઠાકોર હેવ ભાજપમાં જોડાઇ શકે છે.
તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને રદ કરવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. તે માટે આજે બુધવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસ એક પ્રતિનિધિ મંડળ મળશે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહેશે અને વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને રદ કરવા માટે અરજીમાં ઝડપી કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.
તો આ મુદ્દે અલ્પેશે જણાવ્યું હતું કે, સીએમ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે આવ્યા અને તેમની સાથેની મારી સેલ્ફીને લઇને મીડિયા જે ચર્ચાઓ કરવી હોય તે કરી શકે છે. મારે કોને આમંત્રણ આપવું, કોને ના આપવું તે મારો વિષય છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પણ મારે સારા સંબંધો છે.
વધુમાં ધારાસભ્ય પદ રદ કરવા માટે અધ્યક્ષને અરજી કરી હોવા અંગે અલ્પેશે જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે કોંગ્રેસને મારા સમાજના મત જોતા હતા એટલે મારી સામે કોઇ કાર્યવાહી કરી ન હતી. મેં વ્હિપનો અનાદર કર્યો નથી. મારું ધારાસભ્ય પદ લેવા માટે કોંગ્રેસ હવાતિયા મારે છે. મજબૂત માણસને હેરાન કરીને કોંગ્રેસમાંથી કાઢવામાં આવી રહ્યો છે. નબળા લોકો મજબૂત અને પ્રજાના પ્રતિનિધિઓને સહન કરી શકતા નથી. આવા નબળા લોકો બંધ બારણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે અને મારા જેવા લોકોને ષડયંત્ર કરીને પક્ષ છોડવા મજબૂર કરે છે.
ઉલ્લેખનિય છે કે, અલ્પેશ ઠાકોરે પોતાના ઘરના વાસ્તુપૂજનમાં ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યા બાદ અલ્પેશ ભાજપમાં જોડાઇ રહ્યો હોવાની અટકળો વહેતી થઇ છે. અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે મીડિયા સામે ખુલાસો કર્યો હતો. તેણે એવું પણ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ તે ગરીબો અને સમાજના લોકો માટે નવા આંદોલનના મંડાણ કરશે. ભાજપમાં જોડાવાની વાત પર તેણે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે