શાહ- નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કીટ હાઉસ આવ્યા, CM-DYCM સાથે એક કલાક બંધ બારણે બેઠક
Trending Photos
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે હતા. બપોરે ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાતે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઇ છે. આ બેઠક બાદ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. તો બીજી તરફ લોબિંગ પણ શરૂ થઇ ગયું છે.
આ ઉપરાંત અમિત શાહની ગુજરાત રાજ્યપાલ સાથેની સૌજન્ય મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં ખુબ જ સૂચક માનવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ આગામી દિવસોમાં ગુજરાત સરકારમાં તથા રાજકીય ક્ષેત્રે મહત્વનાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં રાજકીય ઉથલપાથલની ચર્ચાઓ વચ્ચે સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી રૂપાણી, અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ તેઓએ સાથે ભોજન પણ લીધું હતું.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ અમિત શાહે બેઠક કરી હોવાની વાતથી ભાજપમાં ચર્ચાઓ ચગડોળે ચડી છે. ખાસ કરીને હાલમાં આપના આગમન તથા પાટીદાર ઇફેક્ટનાં મુદ્દે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચે ચર્ચા ખુબ જ મહત્વની પુરવાર થઇ શકે છે. ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી ત્યારથી રાજકીય માહોલ ગરમાયો છે.
પાટીદારોને આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઇએ અને આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બને છે. નરેશ પટેલનો સંકેત આપવા પાછળ 2022 ની વિધાનસભાની ચૂંટણીના નવા સમીકરણોનો સંકેત આપે છે. કેજરીવાલની એક દિવસીય મુલાકાત બાદ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે