પોલીસ પણ પછાડી રહી છે માથા: VADODARA દુષ્કર્મ કાંડમાં રાજુ ભટ્ટ ઝડપાયા બાદ મામલો વધારે ગુંચવાયો

ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના હાઈ પ્રોફાઈલ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રાજુ ભટ્ટને ઝડપી પાડયો છે, સાથે જ રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારી કરનાર તેના મિત્ર કાનજી મોકરીયાની પણ પોલીસે ધરપકડ કરી છે. જો કે હજી પણ આરોપી CA અશોક જૈન પોલીસ પકડથી દૂર છે, જેને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું છે.

Updated By: Sep 28, 2021, 09:59 PM IST
પોલીસ પણ પછાડી રહી છે માથા: VADODARA દુષ્કર્મ કાંડમાં રાજુ ભટ્ટ ઝડપાયા બાદ મામલો વધારે ગુંચવાયો

રવિ અગ્રવાલ/વડોદરા : ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના હાઈ પ્રોફાઈલ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રાજુ ભટ્ટને ઝડપી પાડયો છે, સાથે જ રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારી કરનાર તેના મિત્ર કાનજી મોકરીયાની પણ પોલીસે ધરપકડ કરી છે. જો કે હજી પણ આરોપી CA અશોક જૈન પોલીસ પકડથી દૂર છે, જેને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું છે.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કેસમાં અત્યારસુધી 60 થી વધુ લોકોની પૂછપરછ કરી છે, જેમાં આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારી કરનાર કાનજી મોકરીયાની સૌપ્રથમ પોલીસે ધરપકડ કરી, બાદમાં પોલીસ ગાંધીધામમાં રહેતા રાજુ ભટ્ટના સાળાને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસ લાવી હતી, સાથે જ રાજુ ભટ્ટના વેવાઈને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. જેના દબાણમાં આવી પરિવારે રાજુ ભટ્ટનું સાચું લોકેશન પોલીસને બતાવ્યું. જેના આધારે પી.સી.બી પોલીસ અને જૂનાગઢ પોલીસે સયુંકત રીતે આરોપી રાજુ ભટ્ટને ઝડપી પાડયો હતો. 

પોલીસ રાજુ ભટ્ટને લઈ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ઑફિસ પહોચી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અત્યારસુધી પૂર્વ પત્રકાર પ્રણવ શુક્લ, મયંક બ્રહ્મભટ્ટ, આરોપી અશોક જૈનના પુત્ર વિકેશ જૈનની પૂછપરછ કરી છે, સાથે પોલીસે ફરીથી આરોપી અશોક જૈનના પરિવારના સભ્યોને પૂછપરછ માટે બોલાવ્યા છે. ત્યારે હવે રાજુ ભટ્ટ પકડાયા બાદ આરોપી અશોક જૈન પણ પોલીસની ગીરફતમાં આવી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપી રાજુ ભટ્ટ પકડાયા બાદ પીડિતા યુવતી મહિલા સામાજિક કાર્યકર શોભના રાવલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસ આવી હતી, અને માત્ર થોડીક જ મિનીટોમાં તે પરત નીકળી પણ ગઈ હતી. 

બીજી બાજુ આરોપી અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તાએ અશોક જૈનની ઓફિસના 14 સપ્ટેમ્બરના સાંજના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપ્યા છે, જેમાં યુવતી અને અશોક જૈન બંને દેખાઈ રહ્યા છે. અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તા યુવતી પર બદ ઇરાદાથી ફરિયાદ કરી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જેમાં તે નામચીન બુટલેગર અલ્પુ સિંધી પર યુવતી સાથે મળી ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો આરોપ લગાવી રહ્યા છે...મહત્વની વાત છે કે અશોક જૈનએ આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે તેની આવતીકાલે સુનાવણી છે, ત્યારે આગોતરા જામીન અરજી મંજૂર થાય છે કે કેમ તેના પર પણ સૌ કોઈની નજર છે. આરોપી અશોક જૈન પોલીસના હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, ત્યારે હવે પોલીસ ક્યારે આરોપી અશોક જૈનને પકડે છે તે સૌથી મોટો સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube