હેલમેટના કાયદો કેન્સલ કરાયાના મુદ્દે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં હેલ્મેટ (Helmet) નો કાયદો હાલ પૂરતો માત્ર મુલતવી રાખ્યો છે તેવું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આપવામાં આવ્યું. હેલમેટના કાયદો ગુજરાતમાં અમલી નહીં થાય તે પ્રકારના અહેવાલોને આધારે રાજ્ય સરકારની મુશ્કેલી વધી હતી ત્યારે આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે.

હેલમેટના કાયદો કેન્સલ કરાયાના મુદ્દે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં હેલ્મેટ (Helmet) નો કાયદો હાલ પૂરતો માત્ર મુલતવી રાખ્યો છે તેવું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આપવામાં આવ્યું. હેલમેટના કાયદો ગુજરાતમાં અમલી નહીં થાય તે પ્રકારના અહેવાલોને આધારે રાજ્ય સરકારની મુશ્કેલી વધી હતી ત્યારે આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા હેલમેટના કાયદાનો અમલ નહિ કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને પત્ર લખીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ દ્વારા આ સંદર્ભે પોતાને કોઇ જાણકારી ન હોવાની વાત કરવામાં આવી હતી. જોકે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર કર્યો છે કે, રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્ય સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે અને ખુલાસો પૂછવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટનો કાયદો માત્ર સ્થગિત રાખવામાં આવ્યો છે અને મુખ્ય સચિવ યથાયોગ્ય સમયે પત્રનો જવાબ પણ આપશે.

રાજ્યમાં આગામી સમયમાં આવનારા મહાનગરપાલિકાના ઈલેક્શન સંદર્ભે રાજ્યમાં હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારોમાં અમલ નહીં થાય તે પ્રકારની વાતો વહેતી થઈ હતી. રાજ્યની ભાજપ સરકાર હેલ્મેટનો કાયદો અમલ કરીને પોતાના મતદારોને ગુમાવવા નથી માંગતી કે પ્રકારની પણ વાતોએ જોર પકડ્યું હતું. આ દરમિયાન રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા રાજ્ય સરકારને મીડિયાના અહેવાલોને આધારે પત્ર લખીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેના જવાબમાં રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, હેલ્મેટનો કાયદો માત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. જોકે કેટલા સમય માટે સ્થગિત કરાયો છે તેનો કોઈ ખુલાસો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો નથી.

બિનસચિવાલય પરીક્ષામાં નેતાઓની સંડોવણી હશે તો તેમને પણ નહિ છોડાય
બિન સચિવાલય પરીક્ષા માં પેપર લીક થવાની વાત સીટ દ્વારા સ્વીકાર્યા બાદ રાજ્ય સરકારે સમગ્ર પરીક્ષા રદ કરી હતી. સીટ દ્વારા સમગ્ર મામલા પર તપાસ ચાલી રહી છે અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે. જોકે આ પેપર લીક કરવામાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ભાજપના ટોચના નેતાઓ ના અંગત સ્ટાફ ની સંડોવણી હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપના નેતાઓની સંડોવણી જેવી કોઈ વાત અત્યાર સુધી સામે આવી નથી. જોકે આ તપાસમાં કોઈપણ નેતાનું નામ આવશે તો તેને છોડવામાં આવશે નહીં. ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિન સચિવાલય પરીક્ષાના મામલે નિવેદન આપીને તમામ તર્ક-વિતર્કોનો છેદ ઉડાડતાં બિન સચિવાલય પરીક્ષા માં કોઈની પણ સંડોવણી હશે તો તેને છોડવામાં નહીં આવે તેવી ખાતરી ઉચ્ચારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news