Gujarat Budget: ખેડૂતોનું નુકસાન 25 હજાર કરોડ રૂપિયા જ્યારે ચુકવાયા માત્ર 1229 કરોડ !
Trending Photos
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. જો કે પ્રથમ દિવસે જ રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન અંદાજપત્ર રજુ કરે તે અગાઉ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા કૃષીમંત્રીને 2019નાં કમોસમી વરસાદ અને સહાય મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસીનેતાઓએ દાવો કર્યો કે ખેડૂતોને કુલ 25 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું તેની સામે માત્ર 1229 કરોડ રૂપિયાની જ સહાય ચુકવવામાં આવી છે. બીજી તરફ સરકાર ખેડૂતની આવક બમણી કરવાના દાવાઓ કરે છે.
સમગ્ર રાજ્યમાં મુખ્ય પાકો જેવા કે મગફળી, તલ, દિવેલા, સોયાબીન, ડાંગર, બાજરી, જુવાર મકાઇ, તુવેર, મગ, મઠ, અડદ સહિતના પાક ઉગાડવામાં આવ્યા હતા. ઉપરાંત કપાસ, તંબાકુ, ગવાર, શાકભાજી અને ઘાસચારા સહિત કુલ 85.84 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે કમોસમી વરસાદનાં કારણે તે નિષ્ફળ ગયું હતું. આ પાક નિષ્ફળ જવાનાં કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. વીઘાદીઠ 5 હજારનો ખર્ચ પણ બેસાડવામાં આવે તો પ્રતિ હેક્ટર 30 હજાર રૂપિયાનો ખર્ચ પ્રતિ માસ થાય છે. આ પ્રકારે 25 હજાર કરોડ રૂપિયાથી વધરેનું નુકસાન થયું ગણાય. જો કે સરકાર દ્વારા માત્ર 1229 કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. કુલ 33 જિલ્લાઓ પૈકી બનાસકાંઠાને સૌથી વધારે 109 કરોડ ચુકવવામાં આવ્યા છે. બીજા નંબરે અમરેલીને 102 કરોડ અને વડોદરાને 76 કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે.
કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નમાં રાજ્યનાં ખેડૂતોને વર્ષ 2019માં કરેલા વાવેતર વિસ્તારનાં અંદાજો માટે સેટેલાઇટ ઇમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે કરીને આંકડા મેળવવા માટે એક ખાનગી કંપનીને 10.65 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ચુકવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. રાજ્યનાં જિલ્લાઓમાં સૌથી વધારે જામનગર જિલ્લાનાં સર્વે માટે 2.61 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. આ પ્રકારે ખેડૂતોને અન્યાય થયો છે. સરકાર સહાય અને ખેડૂતોની આવક બમણી કરવાનાં બણગા ફૂંકી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે