કોંગ્રેસના MLA અશ્વિન કોટવાલે કર્યા કેસરિયા, કહ્યું-કોંગ્રેસમાંથી ત્રણવાર ચૂંટાયો, પણ મારા દિલમાં મોદીજી હતા
Ashwin Kotwal Jions BJP : ખેડબ્રહ્માના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાતા પહેલા કોટવાલે કોંગ્રેસમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ખેડબ્રહ્માના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા પહેલા કોટવાલે કોંગ્રેસમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયા કર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કર્યા હતા. આમ, કોંગ્રેસમાઁથી ભાજપમાં જનારા ધારાસભ્યોમાં વધુ એક નામ સામેલ થયુ છે.
ગુજરાત કોંગ્રેસને આજે ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. આજે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે. કમલમમાં તેઓએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. અશ્વિન કોટવાલ સાથે વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્માના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ અશ્વિન કોટવાલે કહ્યુ કે, NGO ની જેમ ચાલી રહેલા પક્ષથી હું નારાજ હતો. આદિવાસી વિસ્તારોમાં NGO ચાલે છે, જેમાં વિદેશથી પૈસા લાવવાનો ખેલ ચાલે છે, તેમાં કેટલાક લોકો આદિવાસીઓના નામે પોતાના ઘર ભરી રહ્યા છે. 2007 માં જ હું ભાજપમાં જોડાવાનો હતો. પીએમ મોદીએ મને કહ્યું હતું કે આદિવાસી સમાજના તમામ પ્રશ્નો મારા ધ્યાન પર લાવજો. હું 2007 એમનો ભક્ત છું. હું ત્રણવાર ભલે કોંગ્રેસમાંથી ચૂંટાયો, પણ દિલમાં તો નરેન્દ્ર મોદી જ હતા. આ પૃથ્વી પરના કોઈ દેશને આવો વિકાસ પુરુષ નહીં મળે.
અશ્વિન કોટવાલની રાજકીય સફર
અશ્વિન કોટવાલની રાજકીય સફરની વાત કરવામાં આવે તો, અશ્વિન કોટવાલે 1996માં વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2001માં યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2005માં પહેલીવાર સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા અને જિલ્લા પંચાયતમાં વિપક્ષા નેતા પણ બન્યા. 2007માં પહેલીવાર કોંગ્રેસે ટિકિટ આપી અને ધારાસભ્ય બન્યા ત્યારેથી સતત ત્રણ ટર્મ સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય રહ્યા છે. 2015માં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારીની પણ જવાબદારી આપી છે. 2018થી 2022થી સુધી વિધાનસભામાં કોંગ્રેસના દંડક તરીકે જવાબદારી પણ નિભાવી છે. 2019માં છત્તીસગઢ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્ય રહ્યા છે.
અશ્વિન કોટવાલ પર કોંગ્રેસનો વાર
કોગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ અંગે જણાવ્યુ કે, જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે તેમના સરનામાં નથી, જે ગયા છે તમને અમારી શુભકામના છે. ખેડબ્રહમા બેઠક અમરસિંહ વખતથી કોંગ્રેસની જ છે અને રહેશે. ચૂંટણી નવેમ્બર ડિસેમ્બરમાં છે ત્યાં સુધી રાહ જુઓ. અશ્વિન કોટવાલને રાહ જોવા કહ્યું હતું, પરંતુ તેમને ઉતાવળ હતી.
મળતી માહિતી મુજબ કોંગ્રેસના સ્વર્ગસ્ય અનિલ જોષિયારાના પુત્રપ કેવલ જોષિયારા પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ છે. ત્યારે આ નારજગી વચ્ચે આજે અશ્વિન કોટવાલ કેસરિયા કરવા જઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે