બિનસચિવાયલ પરીક્ષાના અત્યાર સુધીના 10 મહત્વના અપડેટ : અસિત વોરાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન
Trending Photos
ગાંધીનગર :વિદ્યાર્થીઓની બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માંગ અડગ છે. ગઈકાલથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ગાંધીનગર (Gandhinagar) માં ધામા નાખ્યા છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર આખી રાત વિતાવી હતી. તેમ છતાં પણ યુવક અને યુવતીઓની એક જ માંગ કરી રહ્યાં છે કે, પરીક્ષા રદ કરો... ભૂખ્યા-તરસ્યા રહીને પણ તેઓ પોતાની માંગ પર અડગ છે. ત્યારે શંકરસિંહ વાઘેલા પણ આજે વહેલી સવારે ઉમેદવારને મળવા પહોંચ્યા હતા.
ઉમેદવારો સાથે વાત કરી શંકરસિંહ વાઘેલાએ
ઉમેદવારોને મળવા આવેલા શંકરસિંહ વાઘેલાએ તેઓને કહ્યું કે, તમારી વાતને સરકારે સાંભળવી જોઈએ. હું તમારી સાથે છું. તમારી રજુઆત હોય તો કહો. હું રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તમારી વાત કરીશ કે પરીક્ષા કેન્સલ કરવામાં આવે. ઉમેદવારોના આગેવાનોને સાંભળવા જોઈએ. તમે કોના રાજમાં જીવી રહ્યા છો એ સમજો. આખર સુધી લડવાની તાકાત હોય તો જ આ સરકાર સામે પડજો. હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું.
શક્તિસિંહ ગોહિલની ટ્વિટ
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરિતીના વિરોધને પગલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યું ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગુજરાતના યુવાનો સરકારી નોકરી મેળવવા દિવસ રાત સખત મહેનત કરી પરીક્ષા આપે, જ્યારે સરકારના માનીતાઓ પોતના મળતિયાઓને પૈસાના જોરે નોકરી અપાવવા સેટિંગ કરી સક્ષમ યુવાનો સાથે છેતરપિંડી કરે તે કેમ ચાલે?
અસિત વોરા રાજીનામુ આપે
ગાંધીનગરમાં ઉમેદવારો અને પોલીસ આમનેસામને આવી ગઈ છે. ત્યારે ગઈકાલે યુવતીઓ અને યુવકોએ ગાંધીનગરમાં ધામા કરાતા પોલીસે મોટી સંખ્યામાં તેઓને અટકાયત કરી હતી. ત્યારે આક્રોશમાં આવેલા ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું રાજીનામું માંગી રહ્યાં છે. ત્યારે ઉમેદવારોએ કહ્યું કે, 15 દિવસ પછી પણ તપાસના નામે નાટક કર્યું છે.
અસિત વોરાના ઘર પર બંદોબસ્ત
રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશને પગલે કોંગ્રેસના કાર્યકરો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના ઘરની બહાર પણ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. તેથી અસિત વોરાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમના મણિનગરમાં આવેલા ઘરની બહાર પોલીસનો કાફલો પહોંચી ગયો છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે કોંગ્રેસના કાર્યકરો અહીં પહોંચ્યા હતા. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
વિરોધ કરી રહેલ વિદ્યાર્થીની તબિયત બગડી
બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગઈકાલ સવારથી ગાંધીનગરમાં બેસી રહ્યાં છે. વહેલી સવારથી કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા રહીને તેઓએ રાજ્ય સરકાર સામે આંદોલન કરીને મોરચો માંડ્યો. ત્યારે આંદોલન દરમિયાન વિદ્યાર્થિનીની તબીયત લથડી છે. 108ની ટીમ મારફતે વિદ્યાર્થિનીને સારવાર માટે લઈ જવાઈ છે.
- બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા છે. ત્યારે વિદ્યાર્થીઓએ કાળા વાવટા દર્શાવીને વિરોધ કર્યો હતો. સાથે જ મોબાઈલની ટોર્ચ લાઈટ બતાવીને વિરોધ કરાયો હતો.
- બિન સચિવાલય પરીક્ષાના ઉમેદવારોની અટકાયતની ઘટનાને પાસ અને SPGએ વખોડી છે. પાસ અને SPGએ સંયુકત પત્રકાર પરિષદ કરી, બિન સચિવાલયની પરીક્ષામાં પારદર્શકતા સાથે તપાસ નહી થાય તો પાસ અને SPG આંદોલન કરશે તેવુ જણાવ્યું છે.
- ગાંધીનગરમાં પોલીસે કલમ 144 લાગુ કરી. તેમજ ચારથી વધારે વ્યક્તિ ભેગા થવા સામે પ્રતિબંધ લગાવ્યો છે.
- ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ CM રૂપાણીને પત્ર લખ્યો છે. મનીષ દોશીએ બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ કરી તો સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળને વિખેરી નાખવાની માગ કરી છે.
- પાટણમાં બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ સાથે વિરોધ કરાયો છે. પરીક્ષા રદ કરવા યુથ કોંગ્રેસે રેલી યોજી, બેનરો સાથે પ્રતિક ધરણા કર્યા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે