ગુજરાતમાં 5 દિવસ જ કોરોના વેક્સીન અપાશે, 2 દિવસની બાદબાકી કરાઈ
Trending Photos
- જાણો ગુજરાતમાં કયા બે દિવસોએ કોરોના વેક્સીન આપવામાં નહિ આવે
- સરકાર સ્વીકારતી નથી કે વેક્સીનનો જથ્થો નથી. એટલે બે દિવસ વેક્સીન નહિ અપાય
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજથી અઠવાડિયામાં પાંચ દિવસ જ રસીકરણ (vaccination) કાર્યક્રમ ચાલશે. અઠવાડિયાના બે દિવસની બાદબાકી કરાઈ છે. આ દિવસોએ વેક્સીન આપવામાં નહિ આવે. ગુજરાતમાં અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. દર બુધવારે અને રવિવારે વેક્સિનેશન કાર્યક્રમ નહિ ચાલે. મમતા દિવસ અને રવિવારે આરોગ્યકર્મીઓને આરામને કારણે વેક્સિનેશન બંધ રખાયું છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે (nitin patel) આ વિશેની જાહેરાત કરી હતી.
મમતા દિવસ અને રવિવારે વેક્સિનેશન બંધ
ગઈકાલે ગાંધીનગર શહેરમાં આવેલા બોરીજની સરકારી પ્રાથમિક શાળામાં ચાલી રહેલા રસીકરણ કેન્દ્રની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી હતી. સઘન મિશન ઇન્દ્રધનુષ દરેક બાળકને સંપુર્ણ રસીકરણથી સજ્જ કરવાની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યુ હતું કે, મમતા દિવસ વર્ષોથી બુધવારે ઉજવવામાં આવે છે. તે પૂર્વ આયોજિત કાર્યક્રમ છે. કોરોનાની મહામારી જ્યારે ચરમસીમાએ હતી ત્યારે મમતા દિવસની સાથે કોરોનાની રસી (corona vaccine) આપવાની કામગીરી હાથ પર લીધી હતી. અત્યાર સુધી 3 કરોડથી વધુ લોકોને વેક્સીન આપી દીધી છે. પણ હવે કોરોનાના કેસો ઘટ્યા છે એટલે હવે મમતા દિવસ અને રવિવારની વાત હોય રજાના દિવસ સિવાય વેક્સીન આપવાની કામગીરી થશે. હાલ અમારી પાસે 3 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને આવતીકાલે ચાર લાખ બીજો જથ્થો આવશે. આજથી દર બુધવારે મમતા દિવસે વેક્સિન આપવામાં નહિ આવે. આમ, ગુજરાતમાં રવિવાર અને બુધવારે વેક્સિન આપવામાં નહિ અપાય.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. લોકો વેક્સિન લેવા અનેક ધક્કા ખાય છે, છતા મળતી નથી. આવામાં સરકાર સ્વીકારતી નથી કે વેક્સીનનો જથ્થો નથી. તેમાં પણ સરકારે વેક્સિનેશન કાર્યક્રમમાં બે દિવસની બાદબાકી કરી છે. જે સૂચવે છે કે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે