ગુજરાત એસટી નિગમનો નિર્ણય: મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવા બંધ, તમામ પરિક્ષાઓ મોકૂફ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ગુજરાત એસટી નિગમનો નિર્ણય: મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવા બંધ, તમામ પરિક્ષાઓ મોકૂફ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા.ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે. આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી તા. ૧૪ મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે.

ગુજકેટની જે પરિક્ષાઓ તા.૩૦મી માર્ચે-ર૦ર૦ લેવાનું જાહેર કરવામાં આવેલું તે પરિક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે અને તે પરિક્ષા તા.૧૪ એપ્રિલ-૨૦૨૦ પછી લેવામાં આવશે. ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટથી કોઈ બસ મહારાષ્ટ્ર નહીં જાય તથા અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ૧૬ ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે. દરરોજ 138 જેટલી એસટી બસોની ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આગોતરા આરોગ્ય તકેદારીના પગલાંઓને પરિણામે કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે પરંતુ હજી જનસહયોગથી વધુ ચોકસાઇ રાખીને ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news