Dandi Yatra: કોણ હતા તે લબરમૂછિયા યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી...

ગાંધીજીની સાથે જે 80 યાત્રીઓએ દાંડીમાં મીઠાનો કાળો કાયદો તોડ્યો હતો. તેમાં મોટા ભાગના સત્યાગ્રહીઓની ઉંમર 16થી 25 વર્ષની હતી. 

Dandi Yatra: કોણ હતા તે લબરમૂછિયા યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી...

જયેશ જોશી, અમદાવાદઃ 12 માર્ચ 1930. આ તે તારીખ હતી જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન મહાત્મા ગાંધીજીની સાથે જે યાત્રીઓએ દાંડીમાં મીઠાનો કાળો કાળદો તોડ્યો હતો. તેમાંથી મોટાભાગના સત્યાગ્રહી 16થી 25 વર્ષના હતા. તેમાંથી 32 ગુજરાત પ્રાંતના, 6 કચ્છના, 4 કેરળના, 3 પંજાબના, 3 રાજપૂતાનાના, 2 મુંબઈ અને સિંધના હતા. જ્યારે નેપાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્કલ, કર્ણાટક, બિહાર અને બંગાળના 1-1 સત્યાગ્રહી હતા. આ બધા યાત્રીઓએ ગાંધીજીના મંત્રને આખા દેશમાં સંચારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેતા અને દેસાઈના પુસ્તક દાંડીકૂચમાંથી બધા યાત્રીઓની યાદી માહિતી સાથે તમારા માટે રજૂ કરી રહ્યા છીએ. 

1. મોહનદાસ કરમચંદ ગાંધી: 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટેની કમાન સંભાળી હતી. તે સમયે ગાંધીજીની ઉંમર 61 વર્ષ હતી. 

2. પ્યારેલાલ નૈય્યર: 
પંજાબના પ્યારેલાલ નૈય્યર ગાંધીજીના વ્યક્તિગત સહયોગી હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. જોકે 1920ના અસહયોગના આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે MAનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. આ સમયે તેમની ઉંમર માત્ર 30 વર્ષની હતી. 

3. છગનભાઈ નથુભાઈ જોશી: 
છગનભાઈ જોશી મૂળ ગુજરાત હતા. મગનલાલ ગાંધીના મૃત્યુ પછી તે સાબરમતી આશ્રમના મેનેજર બન્યા હતા. તે પ્રોફેસર પેટ્રિક ગેડ્સના શિષ્ય હતા. 1920માં અસહયોગ આંદોલનમાં તેમણે ઝંપલાવ્યું હતું. જ્યારે 1930માં દાંડી યાત્રામાં તે જોડાયા ત્યારે તેમની ઉંમર 35 વર્ષની હતી. 

4. પંડિત નારાયણ મોરેશ્વર ખરે: 
પંડિત નારાયણ ખરે મહારાષ્ટ્રના હતા. તેમણે પંડિત વિષ્ણુ દિગંબરની ગંધર્વ સંગીત એકેડેમીમાં 12 વર્ષ સુધી સંગીતનો અભ્યાસ કર્યો. સાબરમતી આશ્રમમાં તે સંગીત શિક્ષણ અને પ્રાર્થના સભાઓનું સંચાલન કરતા હતા. તેમણે આશ્રમ ભજનાવલીને કંપોઝ કરી હતી. આંદોલનમાં જોડાયા ત્યારે તેમની ઉંમર 42 વર્ષ હતી. 

5. ગણપતરાવ ગોડસે: 
ગણપતરાવ ગોડસે મહારાષ્ટ્રના હતા. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતું. અને શિક્ષક બન્યા હતા. 1930માં આંદોલન દરમિયાન તે માત્ર 25 વર્ષના હતા. 

6. પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આસર: 
પૃથ્વીરાજ આસર કચ્છના વતની હતા. તે આશ્રમ વિદ્યાલયના વિદ્યાર્થી હતા. આંદોલન દરમિયાન તેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી. 

7. મહાવીર ગિરી: 
મહાવીર ગિરી નેપાળના વતની હતા. તે પણ આશ્રમ વિદ્યાલયના વિદ્યાર્થી હતા. મીઠાના સત્યાગ્રહ સમયે તેમની ઉંમર 20 વર્ષની હતી. 

8. બાળ દત્તાત્રેય કાલેલકર: 
બાળ દત્તાત્રેય કાલેલકર એટલે કાકા સાહેબ કાલેલકરના નાના પુત્ર. તે મહારાષ્ટ્રના વતની હતા. તેમણે આશ્રમ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. આંદોલન સમયે તે માત્ર 18 વર્ષના હતા. 

9. જયંતી નથુભાઈ પરીખ: 
જયંતીભાઈ પરીખ ગુજરાતના વતની હતા. આંદોલન સમયે જયંતી પરીખ આશ્રમ વિદ્યાલયના વિદ્યાર્થી હતા. આ સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી. 

10. રસિક દેસાઈ: 
રસિક દેસાઈ ગુજરાતના વતની હતા. આશ્રમ વિદ્યાલયના વિદ્યાર્થીકાળમાં તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું. આ સમયે તે માત્ર 19 વર્ષના હતા. 

11. વિઠ્ઠલ લીલાધર ઠક્કર: 
ગુજરાતના રહેવાસી વિઠ્ઠલ ઠક્કર આશ્રમ વિદ્યાલયમાં ભણતા હતા. મીઠાના સત્યાગ્રહ સમયે તે માત્ર 16 વર્ષના હતા. 

12. હરખજી રામજીભાઈ: 
ખાદીનું વણાટકામ કરતા હરખજી ભાઈ ગુજરાતના હતા. અને આંદોલન સમયે તે માત્ર 18 વર્ષના હતા. 

13. તનસુખ પ્રાણશંકર ભટ્ટ: 
ગુજરાત ગાય સેવા સંસ્થાના કાર્યકર્તા એવા તનસુખ ભટ્ટ તે સમયે માત્ર 20 વર્ષના હતા. 

14. કાંતિલાલ હરીલાલ ગાંધી: 
કાંતિલાલ ગાંધી ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ ગાંધીના પુત્ર હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 20 વર્ષ હતી. 

15. છોટુભાઈ ખુશાલભાઈ પટેલ: 
ખાદીનું વણાટકામ કરતા છોટુભાઈ પટેલ ગુજરાતના હતા. આંદોલન સમયે તે માત્ર 22 વર્ષના હતા. 

16. વલ્લભજી ગોવિંદજી દેસાઈ: 
તેમણે ગુજરાત કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતું. અમદાવાદમાં અંગ્રેજીના પ્રોફેસરનું કામ કરતા હતા. પરંતુ 1916માં કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવાની મંજૂરી ન મળતાં નોકરી છોડી દીધી. ત્યારબાદ તે બનારસ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા. યંગ ઈન્ડિયાની ટીમ સાથે જોડાયા અને 1921માં અસહયોગ આંદોલન દરમિયાન જેલમાં પણ ગયા હતા. 1930માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન તે 35 વર્ષના હતા. 

17. પન્નાલાલ બાલભાઈ ઝવેરી: 
ગાય સેવા સંસ્થાના કાર્યકર્તા પન્નાલાલ ઝવેરી પન્ના રાજ્યના સ્વર્ગીય પ્રધાનમંત્રી (દીવાન)ના પુત્ર હતા. આંદોલન દરમિયાન તે માત્ર 20 વર્ષના હતા. 

18. અબ્બાસ વર્તેઝી: 
ચરખાનું કાંતણ અને વણાટકામના વિશેષજ્ઞ એવા અબ્બાસભાઈએ ખાદી ટેકનિકલ વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. તે સમયે તેમની ઉંમર 20 વર્ષ હતી. 

19. પૂંજાભાઈ શાહ: 
માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. અને ગાંધીજીના સાથી બન્યા હતા. 

20. માધવજીભાઈ ઠક્કર: 
કચ્છના વતની અને લંડનમાં રહેતા સફળ વ્યવસાયી હતા માધવજી ઠક્કર. કોલકાતામાં સારા ચાલી રહેલા વ્યવસાયને છોડીને તે આશ્રમમાં જોડાયા હતા. આંદોલનમાં જોડાયા ત્યારે તેમની ઉંમર 40 વર્ષ હતી. 

21. નારણજીભાઈ: 
કચ્છના નારણજીભાઈ ઓડિશામાં જાણીતા ખાદી કાર્યકર્તા હતા. આંદોલન દરમિયાન તે માત્ર 22 વર્ષના હતા. 

22. મગનભાઈ વોરા: 
કચ્છના મગન વોરા ઓડિશામાં જાણીતા ખાદી કાર્યકર્તા હતા. આંદોલન દરમિયાન તે માત્ર 25 વર્ષના હતા. 

23. ડુંગરશીભાઈ: 
કચ્છના ડુંગરશીભાઈ પોતાના પ્રદેશમાં જાણીતા ખાદી કાર્યકર્તા હતા. આંદોલન દરમિયાન તે માત્ર 27 વર્ષના હતા. 

24. સોમલાલ પ્રાગજીભાઈ પટેલ: 
આશ્રમ ફાર્મના સંચાલક એવા સોમલાલ પટેલે 25 વર્ષની ઉંમરે આંદોલનમાં ઝંપલાવી દીધું. તેઓ નાગપુર ઝંડા સત્યાગ્રહ દરમિયાન જેલ પણ ગયા હતા. 

25. હસમુખરામ જકાબર: 
ગુજરાતના ખેડૂત એવા હસમુખરામ પણ 25 વર્ષની વયે ગાંધીજી સાથે જોડાઈ ગયા હતા. 

26. દાઉદભાઈ: 
કરીમભાઈ મિલના પૂર્વ કર્મચારી એવા દાઉદભાઈ પણ 25 વર્ષની ઉંમરે સત્યાગ્રહની લડતમાં પોતાની જાતને ગાંધીજીના હવાલે કરી દીધી હતી. 

27. રામજીભાઈ વણકર: 
ખાદી અને વણાટકામ સાથે જોડાયેલા રામજીભાઈ આશ્રમ સાથે 12 વર્ષથી વધારે સમય સુધી જોડાયેલા રહ્યા. આંદોલન દરમિયાન તેમની ઉંમર 45 વર્ષની હતી. 

28. દિનકરરાવ પંડ્યા: 
કેલિફોર્નિયામાંથી બીએસસી કર્યુ. ત્યારબાદ અમેરિકામાં લાંબા સમય સુધી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. આકર્ષક ડેરી વિશેષજ્ઞની નોકરી છોડીને તેમણે આશ્રમ ડેરીનો વહીવટ સંભાળ્યો. સત્યાગ્રહ સમયે તેમની ઉંમર 30 વર્ષ હતી. 

29. દ્વારકાનાથ: 
30 વર્ષીય મહારાષ્ટ્રના વતની એવા દ્વારકાનાથ જિમ્નાસ્ટિક ટ્રેનર અને ખાદી સંગઠનકર્તા હતા. 

30. ગજાનન ખરે: 
મહારાષ્ટ્રના વતની અને ખાદી સ્કૂલમાં રંગાઈ શિક્ષક એવા 30 વર્ષીય ગજાનન ખરે પણ મહાત્મા ગાંધી સાથે સત્યાગ્રહમાં જોડાયા હતા. 

31. જેઠાલાલ રુપારેલ: 
કચ્છના જેઠાલાલ 25 વર્ષની ઉંમરે આંદોલનમાં જોડાયા. તેમણે ખાદી વિભાગમાં પણ કામ કર્યુ હતું. 

32. ગોવિંદ હરકરે: 
મહારાષ્ટ્રના વતની અને ખાદીના વિદ્યાર્થી એવા 25 વર્ષીય ગોવિંદ હરકરે આંદોલનમાં જોડાયા હતા. 

33. પાંડુરંગ: 
મહારાષ્ટ્રના વતની અને ખાદીના વિદ્યાર્થી એવા 22 વર્ષીય પાંડુરંગ આંદોલનમાં જોડાયા હતા. 

34. વિનાયકરાવ આપ્ટે: 
મહારાષ્ટ્રના રહેવાસી અને ખાદી કાર્યકર્તા તરીકે જાણીતા વિનાયકરાવ પણ 33 વર્ષની ઉંમરે ગાંધીજી સાથે જોડાઈ ગયા હતા. 

35. રામદિહલ રાવ: 
બર્મામાં પોસ્ટમેનનું કામ કરનારા રામદિહલ રાવે નોકરી છોડીને ખાદી વિભાગમાં કામકાજ શરૂ કર્યુ. આ સમયે તેમની ઉંમર 30 વર્ષ હતી. 

36. સુલ્તાનસિંહ: 
રાજપૂતાનાના 25 વર્ષીય ખાદી વિદ્યાર્થી પણ આંદોલનમાં જોડાયા હતા. 

37. ભાનુશંકર દવે: 
ગુજરાતના 22 વર્ષના ખાદી વિદ્યાર્થી મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયા હતા. 

38. મુનશીલાલ: 
સંયુક્ત પ્રાંતના મુનશીલાલ ખાદીના વિદ્યાર્થી હતા. તે પણ 25 વર્ષની ઉંમરે આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા હતા. 

39. રાઘવન: 
કેરળના રહેવાસી અને 25 વર્ષના ખાદી વિદ્યાર્થીએ પણ ગાંધીજી સાથે લડાઈમાં ઝંપલાવ્યું. 

40. રાવજીભાઈ નાથાલાલ પટેલ: 
ગુજરાતના શ્રેષ્ઠ ખાદી કાર્યકર્તા એવા રાવજી પટેલે 1920માં અસહયોગ આંદોલન દરમિયાન અભ્યાસ છોડી દીધો. પૂર અને દુષ્કાળ રાહત કાર્યમાં વલ્લભભાઈ પટેલના મુખ્ય સહયોગીમાંથી એક હતા. તે 30 વર્ષની  ઉંમરે આ લડાઈમાં ગાંધીજીની સાથે હતા. 

41. શિવાભાઈ ગોકળભાઈ પટેલ: 
ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક અને ઓફિસ સ્ટાફમાં કાર્યરત એવા શિવાભાઈ પટેલ 27 વર્ષની ઉંમરે આ લડાઈમાં સામેલ થયા. 

42. શંકરભાઈ ભીખાભાઈ પટેલ: 
શિક્ષક એવા શંકરભાઈ પટેલ 20 વર્ષની ઉંમરે આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા હતા. 

43. જશભાઈ ઈશ્વરભાઈ પટેલ: 
ખાદીના વિદ્યાર્થી જશભાઈ પટેલ પણ આંદોલન સમયે માત્ર 20 વર્ષના હતા. 

44. સુમંગલ પ્રકાશ: 
કાશી વિદ્યાપીઠના સ્નાતક અને ગુજરાત વિદ્યાપીઠમાં હિંદીના પ્રોફેસર એવા 25 વર્ષીય સુમંગલ પ્રકાશ ગાંધીજીની લડાઈના એક સાથીદાર હતા. 
 
45. તિતુસ્જી: 
કેરળના 25 વર્ષીય ડેરી સંસ્થાનના ડિપ્લોમાધારક અને ગૌ સેવા સંસ્થાના કાર્યકર્તા પણ આંદોલનમાં જોડાયેલા હતા. 

46. કૃષ્ણા નાયર: 
જામિયા યુનિવર્સિટીના સ્નાતક અને કેરળના ખાદી વિદ્યાર્થી એવા કૃષ્ણા 25 વર્ષની ઉંમરે આંદોલનમાં જોડાયા હતા. 

47. તપન નાયર: 
તમિલનાડુના 25 વર્ષના ખાદી વિદ્યાર્થી પણ મીઠાના સત્યાગ્રહમાં સામેલ હતા. 

48. હરિદાસ વરજીવનદાસ ગાંધી: 
ગુજરાતના કપાસ વ્યવસાયી હરિદાસ ગાંધી 25 વર્ષની ઉંમરે આંદોલનમાં જોડાયા હતા. 

49. ચીમનલાલ શાહ: 
ખાદી વિભાગ અને ગુજરાત પૂર સહાયતા કાર્યના કાર્યકર્તા ચીમનલાલ શાહ 25 વર્ષના હતા. 

50. શંકરન: 
કેરળના ખાદી વિદ્યાર્થી શંકરન તે સમયે 25 વર્ષના હતા. 

51. સુબ્રમણ્યમ: 
આંધ્ર પ્રદેશના ખાદી વિદ્યાર્થી સુબ્રમણ્યમ તે સમયે 25 વર્ષના હતા. 

52. રમણીકલાલ મગનલાલ મોદી:  
ગુજરાતના રમણીકલાલ મોદી તે સમયે આશ્રમ સ્કૂલના શિક્ષક હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. 38 વર્ષની ઉંમરે તે આંદોલનમાં જોડાઈ ગયા હતા. 

53. મદનમોહન ચતુર્વેદી: 
27 વર્ષના રાજપૂતાના રહેવાસી મદનમોહન ચતુર્વેદીએ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. કરાચીના બિઝનેસમેન એવા તેમણે ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને આંદોલનમાં ઝંપલાવ્યું. 

54. હરિલાલ મહિમપુરા:  
મુંબઈના રહેવાલી હરિલાલ 27 વર્ષની ઉંમરે ગાંધીજી સાથે જોડાઈ ગયા હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બીએ અને LLBનો અભ્યાસ કર્યો હતો. તે ખાદી વિદ્યાર્થી હતા. 

55. મોતીબસ દાસ:  
ઓડિશાના મોતીબસ ખાદી વિદ્યાર્થી હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 20 વર્ષની હતી. 

56. હરિદાસ મજુમદાર:  
ગુજરાતના રહેવાસી હરિદાસ વિસ્કોન્સિન અને સંયુક્ત રાજ્યમાં એમએ અને પીએચડીની ડિગ્રી મેળવી હતી. પરંતુ આંદોલન માટે તે અમેરિકાથી પાછા આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર 25 વર્ષ હતી. 

57. આનંદ હિંગોરાની: 
મુંબઈ યુનિવર્સિટીમાંથી આનંદ હિંગોરાનીએ બીએની ડિગ્રી મેળવી હતી. તે અવકાશ પ્રાપ્ત કાર્યકારી અભિયંતાના પુત્ર હતા. તે પણ 24 વર્ષની ઉંમરે ગાંધીજી સાથે જોડાઈ ગયા. 

58. મહાદેવ માર્તન્ડ: 
કર્ણાટકના ખાદી વિદ્યાર્થી મહાદેવ 18 વર્ષની ઉંમરે આંદોલનમાં જોડાયા હતા. 

59. જયંતી પ્રસાદ: 
સંયુક્ત પ્રાંતના ખાદી વિદ્યાર્થી જયંતી પ્રસાદ આંદોલનમાં જોડાયા ત્યારે તે 30 વર્ષના હતા. 

60. હરિપ્રસાદ: 
તેમનો જન્મ ફિઝીમાં થયો હતો. જોકે રાષ્ટ્રીય કાર્યકર્તા તરીકે કામ કરવા માટે ભારત આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર 20 વર્ષની હતી. 

61. ગિરિવરધારી ચૌધરી: 
ખાદી વિદ્યાર્થી ગિરિવરધારી આંદોલન સમયે 20 વર્ષના હતા. 

62. કેશવ ચિત્રે: 
મહારાષ્ટ્રના ખાદી વિદ્યાર્થી કેશવ ચિત્રે તે સમયે માત્ર 25 વર્ષના હતા. 

63. અંબાલાલ શંકરભાઈ પટેલ: 
શ્રેષ્ઠ ખાદીકર્તા એવા અંબાલાલ પટેલે પૂર અને દુષ્કાળ રાહત કાર્યમાં વલ્લભભાઈ પટેલની મદદ કરી હતી. 1920માં અસહયોગ આંદોલન દરમિયાન તે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. પરંતુ આંદોલન માટે તેમણે અભ્યાસ છોડી દીધો. આ સમયે તે 30 વર્ષના હતા. 

64. વિષ્ણુપંત:  
મહારાષ્ટ્રના ખાદી વિદ્યાર્થી વિષ્ણુપંત તે સમયે 25 વર્ષના હતા. 

65. પ્રેમરાજ: 
પંજાબના ખાદી વિદ્યાર્થી પ્રેમરાજ તે સમયે 35 વર્ષના હતા. 

66. દુર્ગેશચંદ્ર દાસ:  
બંગાળના ખાદી વિદ્યાર્થી દુર્ગેશચંદ્ર પણ આંદોલનમાં જોડાયા હતા. તે સમયે બંગાળમાં સરકારી નોકરી છોડીને તેમણે આંદોલનમાં ગાંધીજીનો સાથ આપ્યો. આ સમયે તે 44 વર્ષના હતા. 

67. માધવલાલ શાહ: 
મુંબઈ યુનિવર્સિટીમાંથી બીએ કર્યા પછી શિક્ષક તરીકે કાર્યરત એવા માધવલાલે 27 વર્ષની ઉંમરે આંદોલનમાં ઝંપલાવ્યું. 

68. જ્યોતિરામ:  
સંયુક્ત પ્રાંતના ખાદી વિદ્યાર્થી જ્યોતિરામ તે સમયે 30 વર્ષના હતા. 

69. સૂરજભાન:  
પંજાબના વતની અને અંબાલા કોંગ્રેસ કમિટીના સેક્રેટેરી પણ 34 વર્ષની ઉંમરે ગાંધીજી સાથે આંદોલનમાં જોડાયા. 1921માં તે જેલમાં પણ ગયા હતા. 

70. ભૈરવદત્ત:  
સંયુક્ત પ્રાંતના ખાદી વિદ્યાર્થી ભૈરવદત્ત તે સમયે 25 વર્ષના હતા. 

71. લાલજી પરમાર:  
ગુજરાતના ખાદી વણકર લાલજી પરમાર આંદોલન સમયે 25 વર્ષના હતા. 

72. રત્નજી બોરિયા: 
ગોધરાના હરિજન આશ્રમમાં રહેતા 18 વર્ષના રત્નજી બોરિયા પણ આંદોલનમાં જોડાયા હતા. 

73. વિષ્ણુ શર્મા: 
મહારાષ્ટ્રના શિક્ષક વિષ્ણુ શર્મા દાંડી માર્ચ સમયે 30  વર્ષના હતા. 

74. ચિંતામણિ શાસ્ત્રી: 
મહારાષ્ટ્રના રહેવાસી અને આશ્રમના જૂના નિવાસી ચિંતામણિ તે સમયે 40 વર્ષના હતા.  

75. નારાયણ દત્ત: 
રાજપૂતાનાના ખાદી વિદ્યાર્થી નારાયણ દત્ત મીઠાના કાયદાના સત્યાગ્રહ સમયે 24 વર્ષના હતા. 

76. મણિલાલ મોહનદાસ ગાંધી: 
ગાંધીજીના બીજા પુત્ર મણિલાલ ગાંધી પણ આંદોલનમાં જોડાયા હતા. તે સમયે તે 38 વર્ષના હતા. મણિલાલ ડરબનમાં આવેલ ફિનિક્સ આશ્રમના સંચાલક હતા. આ સિવાય તે મહાત્મા ગાંધીજીના પહેલા વર્તમાનપત્રના સંપાદક અને પ્રકાશક હતા. 

77.સુરેન્દ્ર: 
સંયુક્ત પ્રાંતના સંસ્કૃતના વિદ્વાન અને આશ્રમ ચર્મ શોધનશાળાના પ્રભારી સુરેન્દ્ર તે સમયે 30 વર્ષના હતા. 

78. હરિભાઈ મોહાની: 
મુંબઈ યુનિવર્સિટીમાંથી બીએના અભ્યાસ પછી શિક્ષકની નોકરી કરતા હરિભાઈ 32 વર્ષની ઉંમરે આંદોલનમાં જોડાયા હતા. 

79. પુરાતન બૂચ:  
ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક પુરાતન બૂચ દાંડી માર્ચ સમયે 25 વર્ષના હતા.  

80. ખરંગ બહાદુર સિંહ ગિરિ: 
નેપાળના બહાદુર સિંહ દાંડી માર્ચ સમયે 25 વર્ષના હતા. તેમણે કોલકાતાની યુનિવર્સિટીમાંથી વાણિજ્યમાં બીએ કર્યુ હતું. તે એક રાજકુમારીની આબરુ બચાવવાના પ્રયાસમાં હીરાલાલ અગ્રવાલની હત્યાના આરોપી હતા. 

81. સતીષ શંકર કાલેલકર: 
કાકા સાહેબ કાલેલકરના મોટા પુત્ર સતીષ કાલેલકર દાંડી માર્ચ સમયે 20 વર્ષના હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે તેમણે પુનાની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ છોડી દીધો હતો. 

મહાત્મા ગાંધીજીનું તો આઝાદીની લડાઈમાં અનોખું પ્રદાન હતું. અને તેમની સરખામણી કોઈની સાથે કરી શકાય તેમ નથી. પરંતુ દાંડી માર્ચના બીજા 80 યુવા લડવૈયાઓએ જે રીતે સામેલ થઈને દેશ પ્રત્યે પોતાની ભક્તિ સાબિત કરી હતી. તેનાથી અંગ્રેજોના પાયા ડગમગી ઉઠ્યા હતા. દાંડી માર્ચ ભારત માટે એવી ચળવળ સાબિત થઈ. જેનાથી ભારતની આઝાદીના દ્વાર ખૂલ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news