જ્યારે સિદ્ધાંત વ્હાલું હોય ત્યારે નેતા પદની પરવાહ નથી કરતા, જુઓ ગુજરાતના એક ખુદ્દાર નેતાની કહાની

આજના સમયમાં રાજકારણે એ મોહ બની ગયો છે. રાજકારણમાં જાઓ એટલે લોકોને કંઈ પણ કરવાનો પરવાનો મળી જાય છે તેવી માન્યતા હોય છે. આજે રાજકારણમાં જવા લોકો ગમે તેવા ધમપછાડા કરે છે. પરંતુ એક સમય એવો પણ હતો, જ્યારે રાજકારણમાં સિદ્ધાંતવાદી લોકો પણ હતા. તેઓ સમાજ સેવાને રાજકારણ માનતા હતા. ગુજરાતના આવા જ એક સિદ્ધાંતવાદી નેતા વિશે જાણીએ.
જ્યારે સિદ્ધાંત વ્હાલું હોય ત્યારે નેતા પદની પરવાહ નથી કરતા, જુઓ ગુજરાતના એક ખુદ્દાર નેતાની કહાની

ચિંતન ભોગાયતા/અમદાવાદ :આજના સમયમાં રાજકારણે એ મોહ બની ગયો છે. રાજકારણમાં જાઓ એટલે લોકોને કંઈ પણ કરવાનો પરવાનો મળી જાય છે તેવી માન્યતા હોય છે. આજે રાજકારણમાં જવા લોકો ગમે તેવા ધમપછાડા કરે છે. પરંતુ એક સમય એવો પણ હતો, જ્યારે રાજકારણમાં સિદ્ધાંતવાદી લોકો પણ હતા. તેઓ સમાજ સેવાને રાજકારણ માનતા હતા. ગુજરાતના આવા જ એક સિદ્ધાંતવાદી નેતા વિશે જાણીએ.
 
આ એ સમયની વાત છે જ્યારે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ અને ગૃહમંત્રી સી ડી પટેલ વચ્ચે મતભેદો વધી રહ્યા હતા. સી.ડી.પટેલ એટલા કડક મિજાજના હતા કે ગૃહવિભાગમાં માત્ર એમનો જ આદેશ ચાલે. એમાં કોઈ દખલગીરી કરે તે એમને પસંદ નહોતું. સીડી પટેલે મુખ્યમંત્રી ચિમનભાઈના નજીકના લોકોને ત્યાં પણ દરોડા પડાવ્યાના ઘણા દાખલા છે.

સી. ડી. પટેલ ગૃહમંત્રી તરીકે જે નિર્ણયો લેતા તે ખોટા છે અથવા તેમના ઈરાદાઓમાં ખોટ છે એવું ચીમનભાઈ કહી શકે તેમ નહોતા. પોલીસની બદલીઓથી લઈ ગૃહખાતાના નાના મોટા તમામ નિર્ણયો તે પોતાની ઈચ્છા મુજબ લેતા. ઘણી વખત તો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવતી ભલામણને પણ તેઓ અવગણતા અને રાજકીય લાભ જોયા વગર માત્ર મેરિટના આધારે નિર્ણય કરતા.

એક દિવસ વહેલી સવારે ચિમનભાઈ પટેલ સીડી પટેલને ફોન કર્યો અને ચા પીવા માટે બોલાવ્યા. સવારનો સમય હતો. સી. ડી. પટેલ ચાલતા ચાલતા મુખ્યમંત્રીના બંગલા પર પહોંચ્યા. ચીમનભાઈ એમની રાહ જોતા અખબાર વાંચી રહ્યા હતા. સી ડી પટેલને જોતાં જ ચીમનભાઈના ચહેરા પર રોનક આવી ગઈ. તેમણે ઊભા થઈ સીડી પટેલનું અભિવાદન કર્યું. ત્યાં જ સીએમ બંગલાનો નોકર ચા અને નાસ્તો લઈને આવ્યો.

સીડી પટેલને તો ચિમનભાઈનું આ રીતે બોલાવવું સહજ લાગ્યું હતું. કારણ કે ચિમનભાઈ આ રીતે ઘણી વખત પોતાના મંત્રીઓ અને અધિકારીઓને ચા માટે બોલાવી મહત્વના નિર્ણય લઈ લેતા હતા. પણ ચા પીતાં પીતાં વાતની શરૂઆત થઈ અને એ સંવાદમાં શું થયું તમે સાંભળો.

  • ચીમનભાઈઃ સી.ડી. આજથી ગૃહવિભાગ હું મારી પાસે જ રાખું છું.
  • સી. ડી. પટેલઃ સચિવાલયના નિયમ પ્રમાણે તો મુખ્યમંત્રી તમામ ખાતાઓના ધણી હોય છે.
  • ચીમનભાઈઃ (હસતાં હસતાં) સી. ડી. તમારે નાણાં, ઉદ્યોગ, શહેરી વિકાસ અથવા તમે કહો તે ખાતું આપીશ, પણ ગૃહ વિભાગ હવે તમારી પાસે નહીં રહે.
  • સી. ડી. પટેલઃ (ચાનો કપ ટેબલ પર મૂકતાં) મને વિધાનસભાના નિયમોની ખબર છે. મુખ્યમંત્રીનો અધિકાર છે કે કયા મંત્રીને કયું ખાતું ફાળવે અને ફળવાયેલા ખાતાઓને બદલવાનો પણ તેને પુરો અધિકાર છે. પરંતુ મારી પાસેથી ગૃહ ખાતું કેમ લઈ લેવામાં આવે છે તે જાણવાનો મારો અધિકાર છે.
  • સી.ડી.પટેલઃ જો મારો નેતા મને હટાવવાનું કારણ આપી શકતો નથી તો હું તેને મારો નેતા માનતો નથી.

આ પણ વાંચો : આજથી તળેલુ ખાવાનું છોડવુ પડશે, ફરી વધ્યા સિંગતેલ-કપાસિયા તેલના ભાવ

ચિમનભાઈ સી ડી પટેલનો સ્વભાવ જાણતા હતા. બંને વચ્ચે મનમેળ નહોતો. પણ સી ડી પટેલ માણસ તરીકે સો ટચ સોના જેવા એ ચિમનભાઈ જાણતા હતા. ચિમનભાઈ પટેલ થોડીવાર પછી જ્યારે સચિવાલય જવા માટે નિકળ્યા ત્યારે અનાયાસે તેમની નજર સી.ડી.પટેલના બંગલા તરફ ગઈ. તેમણે જોયું તો તેમને ફાળવવામાં આવેલી સરકારી કાર ખાલી કાર તેમના કેમ્પસમાંથી જઈ રહી હતી. ચીમનભાઈ તરત પોતાની કાર રોકી સી.ડી.પટેલન બંગલામાં દાખલ થયા. ત્યાં જઈ તેમણે જોયું તો સી.ડી. પટેલ ઘરવખરી સહિતનો સામાન બાંધી રહ્યા હતા. આ જોઈ ચીમનભાઈ આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું. 

  • ચીમનભાઈઃ (આશ્ચર્ય સાથે) સી.ડી. શું કરી રહ્યા છો?
  • સી.ડી.પટેલઃ (ટીપોઈ પર પડેલા કવર તરફ ઈશારો કરતા) સારૂં થયું તમે આવી ગયા, હું તમને જ મળવા આવતો હતો. આ મારૂં રાજીનામું છે.

આ પણ વાંચો : સુરતમાં ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસે તે પહેલા જ મોતને ભેટ્યો, જાણો એવું તો શું થયું

બસ આટલું કહી સી.ડી ઉભા થયા અને બંધ કવર લઈ ચીમનભાઈના હાથમાં મૂક્યું. ચિમનભાઈ સ્તબ્ધ થઈ ગયા. સી.ડી નારાજ થશે, ગુસ્સો કરશે તેવી ચીમનભાઈને કલ્પના હતી જ, પણ કોઈ રાજકારણી મંત્રીપદને ઠોકર મારી જતો રહે તેવી કલ્પના તેમને નહોતી. ચીમનભાઈએ તરત સી.ડી.પટેલના પત્ની સામે જોયું. તે પણ બેગ પેક કરી રહ્યા હતા. ચીમનભાઈએ એમને કહ્યું...

  • ચીમનભાઈઃ બહેન, તું તો આને કંઈ સમજાવ આવું તો કંઈ થાય?
  • સી.ડી.ના પત્નીઃ સાહેબ, આ માણસ આવો જ છે, આટલા વર્ષોથી સાથે રહું છું. સાહેબ આ નહીં માને અમને જવા દો.

ચીમનભાઈ પાસે કોઈ શબ્દ રહ્યા નહીં. સી.ડી.પટેલ ગૃહમંત્રી હતા પણ બંગલામાં તેમને ખાસ કોઈ સામાન જ નહોતો. બે બેગ લઈને સી.ડી તો બંગલાની બહાર નીકળ્યા. પોતાની માલિકીની ફિયાટ કાર હતી, એમાં સામાન મૂક્યો. સેલ્ફ ડ્રાઈવ કરી પત્ની સાથે પોતાના ગામ જલાલપુર જવા રવાના થયા. ચિમનભાઈ આ બધું જોતા જ રહી ગયા.

જ્યારે માણસ રાજકારણમાં રહેવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય ત્યારે એક એવો પણ માણસ હતો જે પોતાના સિદ્ધાંતો ખાતર સત્તાને હડસેલીને જતો રહ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news